ઘટતા ભાવના પગલે ખાંડ પર ‘સેસ’ લાદાય તેવી શક્યતા

નવી દિલ્હી: ચાલુ વર્ષે શેરડીના બમ્પર પાકના પગલે ખાંડના ઉત્પાદનમાં પણ ઉછાળો આવ્યો છે. ખાંડના હોલસેલ અને રિટેલના ભાવમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. રિટેલમાં બી ગ્રેડની ખાંડના ભાવ ઘટીને ૩૬થી ૩૮ રૂપિયે પ્રતિકિલોની સપાટીએ પહોંચી ગયા છે, જોકે ઘટતા જતા ભાવને પગલે ખાંડ મિલોની સરકાર દ્વારા રાહત આપવાની માગ ઊઠી છે.

પ્રાપ્ત થતી માહિતી મુજબ સરકાર ખાંડ પર ‘સેસ’ લગાવવાનો નિર્ણય કરી શકે છે. નોંધનીય છે કે આગામી સપ્તાહે ૪ મેએ જીએસટી કાઉન્સિલની બેઠક મળી રહી છે, જેમાં ખાંડ ઉપર સેસ લાદવાનો નિર્ણય થઇ શકે છે.

શેરડીના ઊંચા ઉત્પાદન તથા ખાંડના નીચા ભાવના કારણે ખેડૂતોને બાકી ચુકવણાં માટે મિલો આર્થિક મુશ્કેલી અનુભવી રહી છે. સેસની રકમથી શેરડીનો પાક લેતાં ખેડૂતોનું બાકી નાણાંનું ચુકવણું કરવામાં આવશે. ગ્રૂપ ઓફ મિનિસ્ટર્સ
ખાંડ ઉપર સેસ લગાવવાની ભલામણ કરી છે.

નોંધનીય છે કે ૩૧ માર્ચ સુધી શેરડી પકવતા ખેડૂતોની બાકી રકમનો આંકડો રૂ. ૧૯,૭૮૦ની સપાટીએ પહોંચી ગયો છે.
ખાંડ મિલો આર્થિક રીતે સક્ષમ નથી. અને તેથી જ સરકાર ખાંડ ઉપર ૧થી ૧.૫૦ રૂપિયા પ્રતિકિલો સેસ લગાવવાનો નિર્ણય કરી શકે છે.

શેરડીનું ઊંચું ઉત્પાદન છતાં ગોળના ભાવ ઊંચા
ચાલુ વર્ષે શેરડીનું બમ્પર ઉત્પાદન થયું છે, જોકે જૂના સ્ટોક તથા નવી આવકના પગલે ખાંડના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. હાજર બજારમાં મીડિયમ અને સ્મોલ શુગરનો ભાવ ૨૭૦૦થી ૨૮૦૦ની પ્રતિક્વિન્ટલની સપાટીએ પહોંચી ગયા છે. ખાંડના ભાવમાં સતત ઘટાડો નોંધાયો છે, પરંતુ રસપ્રદ બાબત એ છે કે શેરડીમાંથી જ બનતા ગોળના ભાવ ટકેલા જોવા મળ્યા છે. ૫૦ રૂપિયાની સપાટી ક્રોસ કરીને છેલ્લા કેટલાય સમયથી ગોળ પ્રતિકિલો રૂ. ૫૫થી ૫૭ની સપાટીએ જોવા મળી રહ્યા છે. હોલસેલ બજારના વેપારીના જણાવ્યા પ્રમાણે ગોળના ભાવમાં ઘટાડો જોવાય તેવી શક્યતા ખૂબ જ ઓછી છે.

ચણાના ભાવ ત્રણ વર્ષના તળિયે
સિઝનની નવી આવક વધતાં ચણાના ભાવમાં સતત ઘટાડાની ચાલ જોવા મળી રહી છે. ચણાના ભાવ ત્રણ વર્ષના તળિયે પહોંચી ગયા છે. એ જ પ્રમાણે ઘઉં, સરસવ, મસુરના ભાવમાં પણ ઊંચી આવકના પગલે સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. સરકારે વધતી આવકના પગલે ચણા પર ૬૦ ટકા આયાત ડ્યૂટી લાદી દીધી છે એટલું જ નહીં વટાણાની આયાત પર પણ ત્રણ મહિના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઘઉંના ભાવ પણ ટેકાના ભાવની ખરીદી કરતા આઠ ટકા નીચે જોવા મળી રહ્યા છે, જ્યારે ચણાના ભાવ પણ ટેકાના ભાવની ખરીદી કરતા ૨૦ ટકા નીચે ચાલી રહ્યા છે.

You might also like