પાટીદારોને અનામતના વચન સાથેનો કોંગ્રેસનો ઢંઢેરો જાહેર થવાની શક્યતા

અમદાવાદ: આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાજ્યમાં છેલ્લાં રર વર્ષથી શાસન સંભાળનાર ભાજપ સામે પ્રજામાં સ્વાભાવિકપણે ઊભી થયેલી એન્ટિઇન્કમબસી તેમજ છેલ્લાં બે વર્ષથી ચાલતા પાટીદાર અનામત આંદોલનથી રાજ્યના રાજકારણમાં ભારે ખળભળાટ મચાવી દેનાર પાસ દ્વારા કોંગ્રેસની અનામત ફોર્મ્યુલાતનો સ્વીકાર થવાથી કોંગ્રેસ પક્ષનો ચૂંટણી ઢંઢેરો લગભગ તૈયાર હોઇ આગામી ત્રીજી ડિસેમ્બરે પ્રસિદ્ધ થવાની શકયતા છે. કોંગ્રેસના આ ચૂંટણી ઢંઢેરામાં બિનઅનામત વર્ગને જો પક્ષ સત્તા પર આવશે તો અનામત આપવાની બાંયધરીનો પણ સમાવેશ કરાશે.

ચૂંટણી ઢંઢેરા સમિતિના ચેરમેન મધુસૂદન મિસ્ત્રીના પુત્રના નિધન તથા રાહુલ ગાંધીના સૌરાષ્ટ્ર પ્રવાસના કારણે આ ચૂંટણી ઢંઢેરાની પ્રસિદ્ધિ વિલંબમાં મુકાઇ છે. બિનઅનામત વર્ગને અનામતની જોગવાઇનો સમાવેશ કરીને પક્ષ પાટીદાર સમાજને આકર્ષવા જશે. ખેડૂતોનું દેવું માફ કરાશે, શિક્ષણનું ખાનગીકરણ દૂર કરવા રાજ્યમાં ઠેરઠેર ગ્રાન્ટેડ શાળા કોલેજ અને પોલિટેકનિક સહિતની શૈક્ષ‌િણક સંસ્થાઓ ઊભી કરાશે. આરોગ્ય ક્ષેત્રે પણ સરકારી દવાખાના-હોસ્પિટલોનો વ્યાપ વધારીને લોકોને મફત આરોગ્યસેવાનો લાભ અપાશે. ફિક્સ પગારદારોને કાયમી કરવા આ પ્રથા નાબૂદ કરાશે. લેબર કોન્ટ્રાક્ટની નાબૂદી કરાશે.

કન્યા કેળવણી માટે ઉચ્ચ સ્તરીય શિક્ષણની સુવિધાઓ મફત કરાશે. તેમજ બેરોજગારોને બેરોજગાર ભથ્થું આપીને રોજગારની તકો પૂરી પડાશે. ધો.૧૦ સુધીના બેરોજગાર રૂ.ર૦૦૦, ધો.૧ર સુધીના બેરોજગારને રૂ.૩૦૦૦ સ્નાતક કક્ષાના બેરોજગારને રૂ.૩૦૦૦ અને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત બેરોજગારને રૂ.૩પ૦૦નું ભથ્થું દર મહિને પૂરું પડાશે. ગરીબોને આવાસ સહિતની અન્ય કલ્યાણકારી યોજનાઓનો ઢંઢેરામાં સમાવેશ કરાશે. દરમિયાન પ્રદેશ કોંગ્રેસના સૂત્રો કહે છે પક્ષના ચૂંટણી ઢંઢેરાને ૧ર વિભાગમાં વહેંચી કઢાયો છે.

You might also like