વૈશ્વિક ક્રૂડમાં ઉછાળાના પગલે પેટ્રોલ-ડીઝલના ભાવ હજુ વધવાની શક્યતા

અમદાવાદ: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આગેકૂચ જારી રહેલી જોવા મળી છે. વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવમાં નોંધાયેલો ઉછાળો તથા રૂપિયામાં આવેલી નરમાઇની અસરથી ક્રૂડની ખરીદ પડતર ઊંચી આવતાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સુધારાની ચાલ જોવા મળી છે.

સ્થાનિક બજારમાં પેટ્રોલના ભાવ આજે ૭૩.૦૯ પૈસા પ્રતિલિટરની સપાટીએ પહોંચી ગયેલા જોવા મળ્યા છે, જ્યારે ડીઝલના ભાવ ૬૯.૬૩ પૈસાની સપાટીએ પહોંચી ગયા છે.

સિરિયામાં જોવા મળેલા અમેરિકા સહિત મિત્ર દેશોના હુમલા બાદ ક્રૂડના સપ્લાય પર સીધી અસર જોવા મળી છે અને બ્રેન્ટ ક્રૂડ ૭૨ ડોલર પ્રતિબેરલની સપાટીની નજીક ૭૧.૭ ડોલરની સપાટીએ પહોંચી ગયેલું જોવા મળે છે.

નાયમેક્સ ક્રૂડમાં પણ ૦.૫ ટકાનો સુધારો નોંધાઇ ૬૬ ડોલર પ્રતિબેરલની સપાટીની ઉપર ૬૬.૫ ડોલર પ્રતિબેરલની સપાટીએ પહોંચી ગયેલું જોવા મળ્યું છે અને તેના પગલે ઓઇલ કંપનીઓને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવાની ફરજ પડી છે.

એપ્રિલ મહિનાથી અત્યાર સુધીમાં શહેરમાં પેટ્રોલના ભાવમાં ૫૮ પૈસા પ્રતિલિટર વધારો નોંધાઇ ચૂક્યો છે, જ્યારે ડીઝલના ભાવમાં એપ્રિલ મહિનાથી અત્યાર સુધીમાં પ્રતિલિટર ૮૭ પૈસાનો વધારો જોવાયો છે.

પેટ્રોલિયમ ઓઈલ ડીલર એસોસિયેશનના જણાવ્યા પ્રમાણે ક્રૂડના ભાવમાં હાલ ઘટાડો જોવાય તેવી શક્યતા ખૂબ જ ઓછી જોવા મળી રહી છે. જિયો પોલિટિકલ ટેન્શનના પગલે ક્રૂડના સપ્લાય પર અસર નોંધાઇ છે અને તેથી બ્રેન્ટ ક્રૂડ ૭૦ ડોલરની સપાટી ક્રોસ કરી ગયું છે.

ડોલરના વધતા આકર્ષણના પગલે રૂપિયો સતત તૂટ્યો છે અને તેના કારણે ઓઇલ કંપનીઓની ખરીદ પડતર ઊંચી આવી છે અને તેથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો જોવા મળ્યો છે, જે આગામી દિવસોમાં પણ જોવાય તેવી ભીતિ ડીલર્સ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

You might also like