આજે રાજ્યસભામાં પણ બિલ અવરોધ વિના પસાર થાય તેવી શક્યતા

નવી દિલ્હી: નોકરી અને શૈક્ષણિક સંસ્થાનોમાં સવર્ણોને આર્થિક આધાર પર ૧૦ ટકા અનામત આપવા માટે રાજ્યસભામાં આજે બિલ રજૂ કરવામાં આવશે. ગઈ કાલે મંગળવારે પાંચ કલાક ચાલેલી મેરેથોન ચર્ચા બાદ સામાન્ય વર્ગ (જનરલ કેટેગરી)માં આર્થિક રૂપથી નબળા લોકોને અનામત આપવા માટે સંશોધિત બિલ લોકસભામાં પસાર થઈ ગયું છે.

લોકસભામાં ભાજપ પાસે પૂરતી સંખ્યા હોવાના કારણે આ બિલ આસાનીથી પસાર થયું હતું. વિધેયકના પક્ષમાં ૩ર૩ અને વિરોધમાં ૩ વોટ મળ્યા હતા. ચર્ચા દરમિયાન કોંગ્રેસ ઉપરાંત સમાજવાદી પાર્ટી (સપા) અને બહુજન સમાજ પાર્ટી (બસપા)એ આ બિલને સમર્થન જાહેર કર્યું હતું, જોકે વિપક્ષી દળોએ લોકસભા ચૂંટણી નજીક હોવાથી આ બિલને લાવવા પાછળ સરકારના ઈરાદા પર સવાલ પણ ઉઠાવ્યા હતા. જો રાજ્યસભામાં પણ આ તમામ પક્ષો સમર્થન આપશે તો મોદી સરકાર માટે આ અનામત બિલ પસાર કરાવવાની રાહ આસાન બનશે.

લોકસભામાં બંધારણ સંશોધન બિલ રજૂ થયું ત્યારબાદ ચર્ચામાં નાણાપ્રધાન અરુણ જેટલી, એઆઈએમઆઈએમના અસદુદ્દીન ઓવૈસી, એઆઈએડીએમકેના એમ. થંબીદુરઈ સહિતના દિગ્ગજ નેતાઓએ ભાગ લીધો હતો. ચર્ચા બાદ થયેલા વોટિંગમાં કુલ ૩ર૬ સાંસદોએ ભાગ લીધો હતો, જેમાં ૩ર૩ સાંસદોએ અનામત બિલના પક્ષમાં વોટ આપ્યો હતો.

રાજ્યસભામાં હાલ સભ્યોની સંખ્યા ર૪૪ છે. બિલ પસાર કરવા માટે બેતૃતીયાંશ એટલે કે ૧૬૩ વોટની જરૂર પડશે. ભાજપ (૭૩) સહિત એનડીએ પાસે કુલ ૮૮ સાંસદ છે. કોંગ્રેસ (પ૦), સપા (૧૩), બસપા (૪), એનસીપી (૪), આપ (૩)એ બિલનું સમર્થન કર્યું છે. તેમની સંખ્યા ૭૪ થાય છે. આ રીતે એનડીએ અને બિલનું સમર્થન કરનારા વિપક્ષી સાંસદોની કુલ સંખ્યા ૧૬ર થાય છે.

૧૩-૧૩ સાંસદોવાળી તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી), અન્નાદ્રુમક (એઆઈએડીએમકે) કે બીજેડી (૯), ટીડીપી (૬)માંથી કોઈ એકના સમર્થનથી પણ આ બિલ રાજ્યસભામાં આસાનીથી પસાર થઈ જશે.

રાજ્યસભામાં એનડીએ સરકાર પાસે બહુમતી નથી. આમ છતાં વિપક્ષના સમર્થનના કારણે સરકારને કોઈ મુશ્કેલી નહીં પડે તેવું લાગી રહ્યું છે. એનડીએ ગઠબંધન પર એક નજર કરીએ તો તેમાં ભાજપના ૭૩ સાંસદ, જેડીયુના ૬, શિવસેના અને અકાલીદળના ૩-૩, આરપીઆઈ, બોડોલેન્ડ પીપલ્સ ફ્રન્ટ, સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટ (એસડીએફ)ના એક-એક સાંસદ સહિત કુલ ૮૮ સાંસદ છે.

બીજી તરફ કોંગ્રેસ સહિતના ચાર વિપક્ષનું સમર્થન મળતા અન્ય ૭૪ સાંસદ ઉમેરાશે. આ રીતે જોઈએ તો સરકાર પાસે રાજ્યસભામાં આ બિલના પક્ષમાં ૧૬ર વોટ થાય છે. અન્ય એક વોટ માટે કોઈ પણ અન્ય પક્ષ પર નિર્ભર રહેવું પડશે.

You might also like