ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા

(અમદાવાદ બ્યૂરો
અમદાવાદ: તાજેતરમાં રાજ્યના ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં કમોસમી વરસાદ પડવાની ખેડૂતોના જીરું, એરંડા સહિતના પાકને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું. હવે ફરીથી હવામાન વિભાગ દ્વારા આવતી કાલથી ૪૮ કલાક સુધી ઉત્તર ગુજરાત અને કચ્છમાં હળવા વરસાદની શક્યતા દર્શાવતા ખેડૂતઆલમમાં ચિંતાનું મોજું પ્રસરી ગયું છે. દરમ્યાન શહેરમાં પલટાયેલા હવામાનના કારણે વધુ એક ઠંડોગાર દિવસ અનુભવાયો હતો.

આજે તો રાજ્યમાં વરસાદની શક્યતા નથી પરંતુ આવતીકાલ સવારથી ખાસ કરીને રાજયના ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લા તેમજ કચ્છ જિલ્લામાં હળવો વરસાદ પડી શકે છે. સ્થાનિક હવામાન વિભાગની કચેરી દ્વારા આ વિસ્તારોમાં હજુ ૪૮ કલાક સુધી હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરાઇ છે.

જ્યારે અમદાવાદમાં પ્રતિ કલાક ૧૦ થી ૧પ કિ.મી.ના ગતિવાળા ઉત્તર-પૂર્વના ઠંડા પવનના કારણે આજે પણ તાપમાનમાં ઘટાડો થતા ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. જોકે ગઇકાલની ૧૩.પ ઠંડીની તુલનામાં આજે ૧૪.૮ ડિગ્રી ઠંડી નોંધાઇ હતી કે જે સામાન્ય તાપમાન કરતાં બે ડિગ્રી ઓછી હતી. શહેર સહિત રાજ્યભરમાં ઠંડીનાં પ્રમાણમાં આગામી ર૪ કલાકમાં ખાસ વધારો નહીં થાય. ત્યારબાદ ગરમીનું પ્રમાણ બે થી ત્રણ ડિગ્રી વધે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા દર્શાવાઇ છે.

દરમ્યાન આજે રાજ્યનું પાટનગર ગાંધીનગર ૧૧.૪ ડિગ્રી સાથે સૌથી કોલ્ડેસ્ટ સિટી બન્યું હતું. રાજ્યના અન્ય પ્રમુખ શહેરોની ઠંડી જોતાં ડીસા ૧ર.ર, વડોદરા ૧૩.૬, સુરત ૧૬.૪, ભૂજ ૧૬.૪, નલિયા ૧ર.૬ ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.

You might also like