શેરબજારમાં સુધારાની શક્યતા ખૂબ ઓછી

શેરબજાર ગઈ કાલે છેલ્લે સુધારે બંધ થયું હતું. બીએસઇ સેન્સેક્સ ૩૨૨ પોઇન્ટને સુધારે ૩૪,૧૪૨, જ્યારે એનએસઇ નિફ્ટી ૧૦૮ પોઇન્ટને સુધારે ૧૦,૪૯૧ પોઇન્ટને મથાળે બંધ જોવાઇ હતી. સપ્તાહ દરમિયાન છેલ્લે શેરબજાર સુધારે બંધ થયું હતું. સપ્તાહમાં સેન્સેક્સમાં ૧૩૨ પોઇન્ટનો સુધારો નોંધાતો જોવા મળ્યો હતો. માર્ચ સિરીઝની ધમાકેદાર શરૂઆત જોવાઇ
હતી. વૈશ્વિક શેરબજારનો સપોર્ટ મળ્યો હતો.

જાણકારોના જણાવ્યા પ્રમાણે નિફ્ટી ૧૦,૫૦૦ની નીચે ૧૦,૪૯૧ની સપાટીએ બંધ જોવાઇ છે તે એક નેગેટિવ સંકેત ગણાવી શકાય. શેરબજારમાં હજુ પણ અનિશ્ચિતતાભર્યો માહોલ છે. સરકારે બજેટમાં લોન્ગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ નાંખતા વેચવાલીનું હજુ પણ પ્રેશર છે એટલું જ નહીં યુએસની ઇકોનોમીના સુધારાના સંકેતો છે.

બેરોજગારીનો દર ઘટ્યો છે ત્યારે યુએસ ફેડરલ રિઝર્વે વ્યાજના દરમાં વધારો કરે તેવી શક્યતા વધી રહી છે. આ જોતાં વૈશ્વિક અને સ્થાનિક શેરબજાર ઉપર પણ તેની અસર જોવાઇ શકે છે. નોંધનીય છે કે આગામી માર્ચ મહિનામાં ફેડની બેઠક મળનાર છે.

દરમિયાન પીએનબીના બહાર આવેલા રૂ. ૧૧ હજાર કરોડથી વધુનાં કૌભાંડ બાદ હજુ પણ આફ્ટર શોક ચાલુ છે. રોજ નવા નવા ફણગા ફૂટી રહ્યા છે તેની અસર અન્ય બેન્કો ઉપર પણ પડી છે. બેન્ક શેરમાં ભલે ગઇ કાલે સુધારાની ચાલ નોંધાઇ હોય, પરંતુ બેન્ક શેરનું ‘સેન્ટિમેન્ટ વીક’ છે.

એનાલિસ્ટના જણાવ્યા પ્રમાણે આગામી સપ્તાહમાં ફેબ્રુઆરી મહિનામાં ઓટો સેલ્સના ડેટા આવશે. બજારની નજર તેના ઉપર મંડાયેલી રહેશે એટલું જ નહીં આગામી સપ્તાહમાં શેરબજારમાં રેન્જ બાઉન્ડ મૂવમેન્ટ નોંધાઇ શકે છે. નિફ્ટીમાં ૧૦૦થી ૧૫૦ પોઇન્ટની બંને વધઘટ જોવાઇ શકે છે. બજારમાં મોટો સુધારો થવાની શક્યતા ઓછી છે.

પીએસયુ બેન્ક શેરથી અળગા રહેવું હિતાવહ
જાહેર ક્ષેત્રની અગ્રણી પંજાબ નેશનલ બેન્કના રૂ. ૧૧,૦૦૦ કરોડથી વધુના બહાર આવેલા કૌભાંડના પગલે પીએનબી સહિત મોટા ભાગની જાહેર ક્ષેત્રની બેન્કોના શેરમાં ઘટાડો નોંધાયો હતો. ચાલુ સપ્તાહે પીએનબીના કૌભાંડ સંદર્ભે રોજ નવા નવા કૌભાંડ બહાર આવી રહ્યાં છે અને તેની અસર પીએસયુ બેન્કના શેરમાં જોવા મળી છે, જોકે ગઇ કાલે અનિશ્ચિતતાભર્યા માહોલ વચ્ચે પીએસયુ બેન્કના શેરમાં બાઉન્સ બેક જોવા મળ્યો હતો.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે બેન્ક શેરમાં જે રીતે વધ-ઘટ જોવા મળી છે આ સેન્ટિમેન્ટ જોતાં જાહેર ક્ષેત્રની બેન્કના શેરમાં શેરથી અળગા રહેવું હાલમાં હિતાવહ છે.

You might also like