બજારમાં સુધારાની શક્યતા ઓછીઃ બેન્ક શેરનું ‘સેન્ટિમેન્ટ વીક’

શેરબજાર ગઈ કાલે છેલ્લે ઘટાડે બંધ જોવા મળ્યું હતું. બીએસઇ સેન્સેક્સ ૪૪.૪૩ પોઇન્ટના ઘટાડે ૩૩,૩૦૭.૧૪, જ્યારે એનએસઇ નિફ્ટી ૧૫.૮૦ પોઇન્ટના ઘટાડે ૧૦,૨૨૬.૮૫ પોઇન્ટના મથાળે બંધ જોવાઇ છે. નિફ્ટી ૧૦,૨૫૦ની નીચે બંધ જોવાઇ છે તે એક નેગેટિવ સંકેત ગણાવી શકાય તેવો મત નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરાયો છે. સપ્તાહ દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટીમાં બે ટકા કરતાં વધુનો ઘટાડો નોંધાયો છે.

જાણકારોના જણાવ્યા પ્રમાણે બજારનું ઓવરઓલ સેન્ટિમેન્ટ વીક છે. ખાસ કરીને બેન્કિંગ શેરમાં બહાર આવેલા કૌભાંડ બાદ જે રીતે વેચવાલી જોવા મળી છે તેનાથી બજારનું સેન્ટિમેન્ટ વધુ બગડ્યું છે. એટલું જ નહીં યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સ્ટીલ અને એલ્યુમિનિયમ પર આયાત ડ્યૂટી લગાવવાની યોજનાથી વૈશ્વિક શેરબજારો ઉપર પણ તેની નકારાત્મક અસર નોંધાઇ છે, જેના કારણે સ્થાનિક મેટલ કંપનીના શેરમાં મોટાં ગાબડાં પડ્યાં છે.

સપ્તાહ દરમિયાન નિફ્ટી, મેટલ અને પીએસયુ બેન્ક ઇન્ડેક્સમાં ૧.૮ ટકાનો ઘટાડો નોંધાયો છે. એ જ પ્રમાણે નિફ્ટી બેન્ક ઇન્ડેક્સમાં ૦.૭ ટકાનો ઘટાડો જોવાયો છે, જોકે આઇટી સ્ટોક્સમાં ઘટાડે ખરીદીના પગલે આઇટી સેક્ટર ઇન્ડેક્સમાં સુધારાની ચાલ જોવા મળી છે.

બજારના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે આગામી સપ્તાહે પણ બેન્ક અને મેટલ સ્ટોક્સમાં સુધારો નોંધાય તેવી શક્યતા ઓછી છે. પીએનબી સહિત અન્ય બેન્કોનાં બહાર આવેલાં કૌભાંડનાં પગલે જાન્યુઆરીથી માર્ચ મહિનાના ત્રિમાસિક સમયગાળાનાં પરિણામ પણ નબળાં આવે તેવી શક્યતા છે. એપ્રિલમાં પરિણામ પૂર્વે બેન્ક શેર વધુ પ્રેશરમાં જોવાઇ શકે છે.

દરમિયાન આજે જીએસટી કાઉન્સિલની બેઠક મળી રહી છે, જેમાં ઇ-વે બિલ, રિટર્ન અને વેપારીઓને રાહત મળે તે માટે કેવાં પગલાં લેવાય છે તેના ઉપર બજારની નજર છે. સોમવારે બજાર ઉપર તેની અસર જોવાશે. એ જ પ્રમાણે આગામી સપ્તાહે સોમવારે ઔદ્યોગિક ઉત્પાદન ડેટા તથા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના ડેટા આવશે. બુધવારે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સના ડેટા જાહેર થશે. બજારની નજર તેના ઉપર રહેશે.

આગામી ૨૦ અને ૨૧ બે દિવસીય યુએસ ફેડરલ રિઝર્વની બેઠક મળી રહી છે, જેમાં વ્યાજદરમાં વધારો થાય તેવી વૈશ્વિક શેરબજારોની નજર આ બેઠક પર મંડાયેલી છે, જોકે બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે મધ્યમથી લાંબા સમયગાળા માટે ફંડામેન્ટલી મજબૂત કંપનીના શેરમાં રોકાણ ફાયદેમંદ પુરવાર થઇ શકે છે.

જીએસટી સહિત સરકારની આર્થિક સુધારા તરફી નીતિના પગલે આગામી બેથી ચાર ત્રિમાસિક સમયગાળા બાદ ફંડામેન્ટલી મજબૂત કંપનીના શેરમાં રિટર્ન મળવાની શક્યતા નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરાઇ છે. આગામી સપ્તાહે બજારમાં રેન્જબાઉન્ડ મૂવમેન્ટ જોવાઇ શકે છે. નિફ્ટી ૧૦,૦૫૦-૧૦,૦૦૦ મહત્ત્વનું સપોર્ટ લેવલ છે તેવો મત એનાલિસ્ટ દ્વારા વ્યક્ત કરાયો છે.

You might also like