શાહપુર ફાયર સ્ટેશનનાં નબળાં બાંધકામે આઠ જ વર્ષમાં પોત પ્રકાશ્યું

અમદાવાદ: ગઇ કાલે શહેરના ભાજપના શાસકોએ તંત્રના ઓરમાયા વિભાગ તરીકે ઓળખાતા ફાયર બ્રિગેડ વિભાગના આધુનિકીકરણનાં બણગાં ફુંકયાં હતાં. નવી ટેકનોલોજીવાળા હાઇડ્રોલિક પ્લેટફોર્મને રૂ.૩.પ૦ કરોડના ખર્ચે આધુનિક બનાવાયા તેમજ પૂર, ભારે વરસાદ જેવી કુદરતી આપદામાં કામ કરવા માટે છ બોટ લેવાઇ તેવો ઉલ્લેખ સત્તાધીશોએ પોતાનાં અઢી વર્ષના કાર્યકાળ દરમિયાનની વિકાસ યાત્રામાં ગૌરવભેર કર્યો છે, પરંતુ કડવી વાસ્તવિકતા સાવ જુદી છે.

આડેધડ ખરીદીમાં વ્યસ્ત સત્તાવાળાઓ ફાયર બ્રિગેડ વિભાગના જાંબાઝ જવાનો અને અધિકારીઓને પરિવાર સાથે રહેવા માટે યોગ્ય સુવિધા ધરાવતાં મકાન પૂરા પાડી શકતાં નથી. શાહપુર ફાયર સ્ટેશન મામલે નબળાં બાંધકામે આઠ જ વર્ષમાં પોત પ્રકાશતાં તંત્ર શરમજનક સ્થિતિમાં મુકાયું છે.

શાહપુર ફાયર સ્ટેશનને મામલે તો બાંધકામમાં ચાલતા ભ્રષ્ટાચારનો ભાંડો ફોડી નાખ્યો છે. શાહપુર દરવાજા બહારના મહેંદી કૂવા રોડ પર આવેલા આ ફાયર ‌સ્ટેશનને નવા રંગરૂપ આપવા જમીન દોસ્ત કરાયું હતું. બે અઢી વર્ષના લાંબા સમયગાળા બાદ ગત ઓકટોબર ર૦૧૦માં તેને ખુલ્લું મુકાયું હતું.

આગળના ભાગમાં ગેરેજ અને તેની ઉપર ત્રણ માળ તેમજ પાછળના ભાગે ભોંય તળિયું વત્તા ત્રણ માળમાં બે ઓફિસર કવાર્ટર્સ અને ૩પ ફાયરમેનના કવાર્ટર્સ ધરાવતા આ ફાયર સ્ટેશનમાં શરૂઆતથી જ લીકેજની સમસ્યાની ફાયરમેન અને ઓફિસર પરેશાન છે.

પાણી, ગટર લાઇનના લીકેજથી મકાનની દીવાલના પોપડા અને રંગ ઊખડી જવા, ચોપાસ ભેજ પ્રસરી જવો, ગૃહિણીઓને રસોડામાં રસોઇ કરવામાં તકલીફ પડવી, ટાઇલ્સ અને લાદી ઉખડી જવી વગેરે મુશ્કેલીઓથી જવાબદાર અધિકારી પણ પૂરેપૂરા વાકેફ છે, પરંતુ કોઇના પેટનું પાણી હાલતું નથી.

You might also like