૨૨ ઘરફોડ કરનારો ચીખલીગર ગેંગનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો

અમદાવાદ : અમદાવાદ શહેર તથા આસપાસના વિસ્તારોમાંથી ૨૨ જેટલી ઘરફોડ તથા વાહન ચોરી કરનારી ચીખલીગર ગેંગના મુખ્ય સૂત્રધારની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. આ ગેંગે રાજ્યના અનેક શહેરમાંથી ૭૬ જેટલા ગુના આચર્યા હતા. જેમાંથી માત્ર સૂત્રધારે જ ૨૨ જેટલા ગુના કર્યા હોવાની કબૂલાત કરી હતી. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ક્રાઇમ બ્રાન્ચના સૂત્રોના જણાવ્યા અનુસાર, ક્રાઇમ બ્રાન્ચની ટીમ શહેરમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે મળેલી ચોક્કસ બાતમીના આધારે ચીખલીગર ગેંગના મૂખ્ય સૂત્રધાર લાખનસિંગ જીતસિંગ ભૌડ (ચીખલીગર, ઉં.વ.૨૧, રહે, મહેસાણા)ને ઝડપી લીધો હતો. આરોપીની કરાયેલી પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, તે પોતે ચીખલીગર ગેંગના ભગવાનસિંગ ખીચ્ચી, મહેન્દ્રસિંગ ખીચ્ચી, કરતારસિંગ ટાંક, અવતારસિંગ ભૌડ, ભગતસિંગ ભૌડ સાથે મળી છેલ્લા બે વર્ષ દરમિયાન અમદાવાદ શહેર તથા હિંમતનગર, બોરસદ, ધંધુકા, અંકલેશ્વર, પ્રાંતિજ, આણંદ, કઠલાલ, દહેગામ, ધનસુરા, ડભોડા સહિતની જગ્યાઓ પર ઘરફોડ તથા વાહન ચોરીના કુલ ૭૬ જેટલા ગુના આચર્યા હતા. જેમાં માત્ર લાખનસિંગ ભૌડે ૨૨ જેટલા ગુના કર્યા હોવાની કબૂલાત કરી હતી.

આ ગેંગ ઘરફોડ ચોરી કરવા માટે ટુ વ્હીલર તથા ફોર વ્હીલર વાહનોની ચોરી કરતાં હતા અને ચોરી કરેલા વાહનો લઇ ચોરી કરવા માટે જતાં હતા. ઘરફોડ ચોરી કરવા માટે આ ગેંગ નીકળે ત્યારે તેઓ પોતાની પાસે છરીઓ જેવા ઘાતક હથિયાર રાખતા હતા તેમજ ચોરી કરવા માટે તથા શટર તોડવા માટે કટર, પોપટ, પાનું, કોસ, ગણેશિયું, કાતર જેવા હથિયાર પણ રાખતા હતા.

ચીખલીગર ગેંગના ભગવાનસિંગ, મહેન્દ્રસિંગ, કતારસિંગ સહિતના આરોપીઓ સાત મહિના અગાઉ નરોડા પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા. ત્યારે તેઓએ ૭૬ જેટલા ગુના આચર્યાની કબૂલાત કરી હતી. આરોપીઓ વાહનોની ચોરી ઘરફોડ ચોરી કરવા માટે ઉપયોગમાં લેવા માટે કરતાં હતા. ચોરી કર્યા બાદ ચોરીનું વાહન બિનવારસી હાલતમાં મૂકી દેતા હતા. આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

You might also like