બીજાને દુઃખી કરનાર વ્યક્તિ સ્વયં દુઃખી થાય છે

દરેક મનુષ્ય ઇચ્છે છે કે તે જીવનમાં આગળ વધે. આ માટે લોકો મોટી મોટી સફળતાનાં સ્વપ્ન જુએ છે. મોટી મોટી કલ્પનાઓ પણ કરે છે. મોટા ભાગના લોકો જીવનના બાહ્ય ક્ષેત્રમાં નામ, મોટાઇ, પ્રતિષ્ઠા, સમૃદ્ધિ, ઉચ્ચ પદ વગેરે માટે પ્રયત્ન કરતા હોય છે, પરંતુ થોડા ઘણા લોકો જ એમના લક્ષ્યમાં સફળ થાય છે.
સ્વામી રામતીર્થ સંન્યાસ લેતાં પહેલાં એક કોલેજના પ્રોફેસર હતા. એક દિવસ બાળકોની બુદ્ધિશક્તિની પરીક્ષા લેવા માટે તેમણે બોર્ડ પર એક લીટી દોરીને વિદ્યાર્થીઓને કહ્યું કે, “આ લીટીને ભૂંસ્યા વગર નાની કરી દો.” એક વિદ્યાર્થી ઊભો થયો, પરંતુ પ્રશ્નનો અર્થ સમજી શક્યો નહીં. એણે લીટી ભૂંસીને નાની કરવાનો પ્રયત્ન કર્યો. સ્વામીજીએ એને અટકાવ્યો અને પ્રશ્ન ફરી પૂછ્યો. બધાં બાળકો મૂંઝવણમાં પડી ગયાં. થોડી વાર પછી એક વિદ્યાર્થી ઊઠ્યો અને એણે એ લીટી પાસે જ એક લાંબી લીટી દોરી દીધી. એ વિદ્યાર્થીની બુદ્ધિની પ્રશંસા કરતાં સ્વામીજીએ કહ્યું કે “વિદ્યાર્થીઓ! આ વાત પરથી સૌને ‌િશખામણ આપવામાં આવે છે કે દુનિયામાં મોટા બનવા માટે કોઇને નાનો બનાવવાથી નહીં, પરંતુ મોટાઈનાં રચનાત્મક કામો કરવાથી જ સફળતા મળે છે. મોટાં કામ કરીને મોટાઇ મેળવી શકાય છે.”
જે લોકો બીજાને નીચા દેખાડીને કે બીજાને નુકસાન પહોંચાડીને, બીજાના પેટ પર લાત મારીને મોટા બનવાનાં સ્વપ્ન જુએ છે તેઓ જિંદગીમાં ક્યારેય સફળ થતા નથી. જો એવી વ્યક્તિઓને શરૂઆતમાં સફળતા મળી જાય તો પણ છેવટે એમને અસફળ જ થવું પડશે, કારણ કે સફળતાનો નિયમ ધનાત્મક છે, ઋણાત્મક નથી.
જ્યારે લોકો બીજાનંુ ગળું કાપીને પોતે આગળ વધવાનો પ્રયત્ન કરે છે, બીજાનો પગ ખેંચીને આગળ વધવાનાં સ્વપ્ન જુએ છે, બીજાનું લોહી પીને પોતાનું ઘર વસાવવા માગે છે, બીજાનું સુખ ઝૂંટવીને સ્વયં સુખી બનવા માગેે છે ત્યારે રાક્ષસી નિયમ લાગુ પડે છે. હંમેશાં એનું પરિણામ દુઃખદ આવે છે. આ ‌પાશવિક નિયમના કારણે આજે ડગલે ને પગલે અસફળતા અને વિનાશની કબર ખોદાયેલી જોવા મળે છે.
કોઇ પણ ક્ષણે મનુષ્ય પોતાની ઇચ્છા સાથે એમાં હંમેશ માટે સૂઇ જશે. બીજાને દુઃખી કરનાર વ્યક્તિ સ્વયં દુઃખી થાય છે. બીજાનું ગળું કાપવા તત્પર વ્યક્તિને પોતાનું ગળું કાપવા માટે વિવશ થવું પડે છે. બીજાના વિનાશ, અસફળતા અને પતનનાં સ્વપ્ન દેખનારના જીવનમાં એવા જ પ્રસંગ ઊભા થાય છે. માનવતાનો લાંબો પહોળો ઇતિહાસ તેની સાક્ષી પૂરે છે. જ્યારે જ્યારે એવી ખરાબ ઇચ્છા સાથે કોઇ ગાંડા માણસે લોકોને હેરાન કર્યા છે ત્યારે તે પોતે જ નાશ પામ્યો છે, જેમ કે રાવણ, બાણાસુર, કંસ, દુર્યોધન, હિટલર, મુસોલિની, જેવા શક્તિશાળી રાજાઓને પણ હંમેશ માટે નાશ પામવું પડ્યું છે.

You might also like