કોટ વિસ્તારનાં હેરિટેજ મકાન પર ગ્રેડ મુજબ કાયમી ટેગ લગાવાશે

અમદાવાદ: મુંબઇ, દિલ્હી જેવાં દેશના આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધ શહેરોને પછાડીને અમદાવાદને યુનેસ્કો દ્વારા દેશનું સર્વ પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી શહેર જાહેર કરાયું છે તો તેની પાછળનું મુખ્ય કારણ શહેરના કોટ વિસ્તારના શ્રેષ્ઠ શૈલીનાં અપ્રતીમ કલાકારી ધરાવતાં મકાન છે.

છસો વર્ષનો ઇતિહાસ ધરાવતા અમદાવાદમાં હિંદુ, મુસ્લિમ અને જૈન સંસ્કૃતિનાં દર્શન કરાવતાં ઐતિહાસિક સ્થાપત્યની પણ ભારતભરમાં વિશિષ્ટ ઓળખ છે પરંતુ કોટ વિસ્તારના હેરિટેજ મકાન દિન પ્રતિદિન ભયમાં મુકાઇ રહ્યાં હોઇ મ્યુનિસિપલ સત્તાવાળાઓએ સઘળાં હેરિટેજ મકાનને ગ્રેડેશન મુજબ ‘આઇડી પ્લેટ’ લગાવવાની દિશામાં ગંભીરતાથી વિચારણા હાથ ધરી છે.

ગત જુલાઇ-ર૦૧૭માં અમદાવાદને યુનેસ્કો દ્વારા દેશનું સર્વપ્રથમ વર્લ્ડ હેરિટેજ સીટી જાહેર કરાયા બાદ તંત્ર દ્વારા શહેરના હેરિટેજ મૂલ્યોનાં સંવર્ધન માટે ખાસ અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી ટ્રસ્ટનું ગઠન કરાયું છે. મ્યુનિસિપલ કમિશનર મૂકેશકુમાર તેમના હોદ્દાની રૂએ નવ ટ્રસ્ટી ધરાવતા આ ટ્રસ્ટના પ્રમુખ છે.

આ ટ્રસ્ટના અન્ય સભ્યોમાં ચૂંટાયેલી પાંખના બે ચેરમેન એટલે કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને રિક્રિએશનલ કમિટીના ચેરમેન પણ પોતાના હોદ્દાની રૂએ ટ્રસ્ટના સભ્ય છે. પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીના નવા સભ્યોની ચૂંટણી આગામી તા.૧૪ જૂને મળનાર જનરલ બોર્ડમાં થવાની છે. ત્યારબાદ સ્ટેન્ડિગ કમિટીના નવા ચેરમેન, રિક્રિએશનલ કમિટીના નવા ચેરમેનની વરણી થવાની હોઇ હેરિટેજ ટ્રસ્ટની બેઠક હાલ પૂરતી મોકૂફ રખાઇ છે. પરંતુ આ કમિટીની આગામી બેઠકમાં ‘આઇડી પ્લેટ’નો મુદ્દો ચર્ચાશે.

જાણકાર સૂત્રો કહે છે કોટ વિસ્તારમાં હજુ દાયકા પહેલાં ૧ર હજારથી વધુ હેરિટેજ મકાન હતા પરંતુ બિલ્ડિંગ માફિયાની ધાકને કારણે કોટ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામોના રાફડેરાફડા ફાટી નીકળ્યાં છે.

તંત્રના કેટલાક ભ્રષ્ટ અધિકારી અને કેટલાક ભ્રષ્ટ ચૂંટાયેલા પ્રતિનિધિઓને કારણે હવે માત્ર ર,ર૩૬ હેરિટેજ મકાન તંત્રના ચોપડે અસ્તિત્વ ધરાવે છે જેની સામે પણ હંમેશાં ભય તોળાયેલો રહ્યો હોઇ સત્તાવાળાઓએ તમામ હેરિટેજ મકાનને તેમનાં ગ્રેડેશન મુજબ ‘આઇડી પ્લેટ’ લગાવવાની કવાયત આરંભી છે.

જે તે હેરિટેજ મકાનમાં નવ ઇંચ બાય છ ઇંચની એલ્યુમિનિયમ અથવા તો તાંબા જેવી ધાતુની પ્લેટ લગાવાશે. જેમાં જે તે હેરિટેજ મકાનનું ગ્રેડેશન દર્શાવાયું હશે, જેના આધારે પોળના અન્ય રહેવાસીઓ પણ પોતાની પોળના હેરિટેજ મકાન અને તેના ગ્રેડથી પરિચિત થશે.

એટલે કોઇ બિલ્ડર માફિયા હેરિટેજ મકાન સાથે છેડછાડ કરતો હશે તો પોળના લોકોને પણ આની આપોઆપ જાણ થશે. અત્યાર સુધી હેરિટેજ મકાન જમીનદોસ્ત થયા બાદ તેની ઐતિહાસિકતા સ્થાનિક લોકોમાં ચર્ચાતી હતી. ખુદ તંત્ર બે ધ્યાન રહેતું હતું. કેટલીકવાર ઇરાદાપૂર્વક આંખ આડા કાન કરાતા હતા જો કે ‘આઇડી પ્લેટ’ લાગ્યા બાદ એસ્ટેટ વિભાગ પણ પોતાની જવાબદારીમાંથી છટકી નહીં શકે.

કોટ વિસ્તારનાં હેરિટેજ
મકાનની સંખ્યા-ગ્રેડેશન
વોર્ડ  ગ્રેડ-II/A  ગ્રેડ-II/B ગ્રેડ-III
શાહપુર ર૩ ૪૭ ૧ર૭
દરિયાપુર ૧૩ ૪૮ ૧૮૬
કાલુપુર ર૯ ૧પ૩ ૪૧૬
ખાડિયા રર ૧૮૮ પ૯૯
જમાલપુર ૭૬ ર૩ર
રાયખડ ૧પ ૩૪
કુલ ૯પ પ૪૭ ૧પ૯૪
You might also like