સુરેન્દ્રનગરના દૂધરેજના લોકો જીવના જોખમે ભરી રહ્યાં છે પાણી

સુરેદ્રનગરમાં પાણીના સંકટનો અંત આવે તે માટે અહીંના લોકો તડફડિયા મારી રહ્યાં છે. જિલ્લામાં પાણીથી ભરેલો ડેમ હોવા છતાં પણ સમસ્યાનો અંત આવ્યો નથી. પાલિકા દ્વારા શહેરના વોર્ડ નંબર-1 દૂધરેજ સહિતના છેવાડાના વિસ્તારોમાં છેલ્લા ઘણા વર્ષોથી રહીશોને પાણી માટે હાલાકી પડી રહી છે.

ગામથી દૂર ત્રણ કિ.મી. દૂર આવેલી નર્મદા કેનાલમાંથી તેઓ જીવના જોખમે પાણી ભરી રહ્યાં છે. સુરેદ્રનગર પાલિકા દ્વારા તમામ વોર્ડામાં ધોળીધજા ડેમ મારફતે પાણી પૂરુ પાડવામાં આવે છે. ડેમ બારેમાસ પાણીથી ભરાયેલો હોવા છતા પણ અહીંના લોકોને પાણી માટે વલખાં મારવા પડે છે.

વોર્ડ નંબર – 2 દૂધરેજ વિસ્તારમાં આવેલા વહાણવટીનગર સહિતના છેવાડાના વિસ્તારો કાંગસીયા, મારવાડી, દેવીપૂજક સહિત અંદાજે 400 પરિવાર વસવાટ કરે છે. અહીં નવી પાઈપલાન તો તંત્ર દ્વારા કરોડના ખર્ચે નાખવાં આવી ખરા પણ આ પાઈપલાઈનમાંથી હજુ પાણીનું એક ટીપુ પણ નીકળ્યુ નથી.

મહિલાઓ અને યુવતીઓને ત્રણ કિ.મી. દૂર આવેલી કેનાલમાંથી પાણીના બેડા ભરવા પડે છે અને એ પણ જીવના જોખમે. ઉપરાંત આ કેનાલનું પાણી ગંદુ હોવાથી રોગચાળાની પણ ભીતિ સેવાઈ રહી છે. પાલિકા તંત્ર ટેન્કર દ્વારા પાણી તો આપે છે પણ ટેન્કર ઓછા અને અનિયમિત હોવાથી આખરે ખો તો ગ્રામજનોની જ નીકળે છે.

વારંવાર ગ્રામજનો દ્વારા તંત્રને રજૂઆત કરવા છતા પણ આ સત્તારૂઢ તંત્રનું પેટનું પાણી પણ હાલતુ નથી. જેના પગલે આગામી દિવસોમાં મહિલાઓ મોરચો માંડે તો નવાઈ નહીં. સ્થાનિકોએ ચીમકી આપી છે કે ઉકેલ નહીં આવે તો પાલિકા કચેરી ખાતે તોડફોડ સહિત ઉપવાસ આંદોલન પણ કરાશે.

તો પાલિકના ચીફ ઓફિસરનું કહેવું છે કે, જૂની પાઈપલાઈન જર્જરીત હોઈ અને અનેક જગ્યાએ લીકેજ હોવાથી પાણીની સમસ્યા સર્જાઈ છે. બે ચાર મહિનામાં નવી પાઈપલાઈન નંખાઈ ગયા બાદ નિયમિત શુદ્ધ પાણી મળશે એવા ઠાલા વચનો આપ્યા હતા. એટલે કે એમ કહી શકાય કે હવે આ ગ્રામજનોને સમગ્ર ઉનાળો આ રીતે જ પસાર કરવો પડશે. તો હવે જોવાનું એ રહ્યું કે ચીફ ઓફિસરે આપેલા વાયદા અને હૈયાધારણા કેટલાં અંશે સાચા પડે છે.

You might also like