પાકિસ્તાન આર્મીને બલૂચ બગાવતનો ડર: સૈનિકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ

728_90

(એજન્સી જીએનએસ) કરાચી: આતંકવાદ, ગરીબી સહિતની ગંભીર સમસ્યાઓ સામે ઝઝૂમી રહેલા પાકિસ્તાનમાં હવે નવો ખતરો ઊભો થયો છે. પાકિસ્તાન આર્મીએ તેના તમામ જવાનો, અધિકારીઓ માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકી દીધો છે. સુરક્ષા એજન્સીઓનું માનવું છે કે પાકિસ્તાન આર્મીને બલૂચ સૈનિકોની બગાવતનો ડર છે. આ સંભવિત બળવો રોકવા માટે જ પાકિસ્તાને સોશિયલ મીડિયા બેન કરવા જેવું ગંભીર પગલું ઉઠાવ્યું છે.

પાકિસ્તાન આર્મીના હેડક્વાર્ટર તરફથી જારી કરવામાં આવેલા નોટિફિકેશનમાં જણાવાયું છે કે અનેક નોટિસ આપવા છતાં પણ અલગ-અલગ સોશિયલ મીડિયા ગ્રૂપમાં સંવેદનશીલ જાણકારી, ગુપ્ત માહિતી લીક થઈ રહી છે, જે પાકિસ્તાનની સુરક્ષા માટે બહુ મોટો ખતરો છે. ચેતવણી આપવા છતાં અધિકૃત પત્રવ્યવહાર માટે સોશિયલ મીડિયા નેટવર્કનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જે ખૂબ ખતરનાક છે.

આ માટે તમામ એક્ટિવ અને રિટાયર્ડ જવાનો-અધિકારીઓને આ આદેશ આપવામાં આવે છે કે તેઓ સોશિયલ મીડિયા ગ્રૂપ, પેજ અને એવા કોઈ પણ પ્લેટફોર્મ ઉપર ના રહે, જ્યાં મિલિટરી સાથે જોડાયેલી કોઈ પણ જાણકારી હોય. ૩૦ જાન્યુઆરી સુધીમાં આવાં તમામ પ્લેટફોર્મ બંધ કરવાનો આદેશ પણ જારી કરવામાં આવ્યો છે. આ આદેશનું કડક પાલન નહીં થાય તો ગ્રૂપ એડમિન સામે સખત કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે.

પાકિસ્તાનની ટોચની સુરક્ષા એજન્સીઓનો દાવો છે કે પાકિસ્તાન આર્મીનું આ પગલું બલૂચ બગાવતને લઈ ઊભા થયેલા ડરના કારણે ભરવામાં આવ્યું છે. તેમને ડર છે કે પાકિસ્તાન આર્મીમાં બલૂચ સૈનિકો ક્યાંક બળવો ન કરી બેસે. પાકિસ્તાનમાં બલૂચિસ્તાનને આઝાદ કરવાની માગણી સતત જોર પકડી રહી છે અને બલૂચી નેતા સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે.

હાલમાં જ તેમણે પાકિસ્તાન આર્મી વિરુદ્ધ નારો આપ્યો હતો કે, ‘યે જો દહશતગર્દી હૈ ઈસકે પીછે વર્દી હૈ.’ આ નારો સોશિયલ મીડિયામાં ખૂબ વાઈરલ થયો હતો અને તેની ખૂબ ચર્ચા પણ થઈ હતી. બલૂચી એક્ટિવિસ્ટ સોશિયલ મીડિયામાં સતત આ પ્રકારના સંવેદનશીલ વીડિયો પોસ્ટ કરી રહ્યા છે, જેમાં એવું દેખાડવાની કોશિશ કરવામાં આવે છે કે પાકિસ્તાન આર્મી બલૂચિસ્તાનના નિર્દોષ લોકો પર કેટલા જુલમ કરી રહી છે. સુરક્ષા એજન્સીઓનાં સૂત્રોનું કહેવું છે કે પાકિસ્તાન આર્મીમાં બલૂચિસ્તાનના જવાનો અને અધિકારીઓ પણ છે અને તેમને ડર છે કે આ લોકો બળવો કરશે. આ કારણે જ તેમને સોશિયલ મીડિયાથી દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

You might also like
728_90