નોટબંધીના કારણે સંસદના બંને ગૃહમાં હંગામો, લોકસભા સ્થગિત

નવી દિલ્હી: શિયાળા સત્રમાં સંસદના બંને ગૃહના ચોથા દિવસની શરૂઆત સોમવારે હંગામા વાળી રહી. બંને સદનોમાં પ્રધાનમંત્રીની હાજરીને લઇને વિપક્ષે જોરદાર હંગામો કર્યો હતો. જેના કારણે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે. નાણાંમંત્રી અરુણ જેટલીએ વિપક્ષ પર સદનની કાર્યવાહીને બાધિત કરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે વિપક્ષ ગૃહની કાર્યવાહીમાં ખલેલ પહોંચાડવા માટે રોજે નવા પેંતરા અપનાવે છે. તેમણે એવું પણ કહ્યું કે વિપક્ષ ચર્ચા કરવા તૈયાર જ નથી.

નોટબંધી પર સરકારને ઘેરવાની રણનિતી બનાવવા માટે વિપક્ષના દરેક રાજ્યસભા અને લોકસભા સાંસદોની બેઠક સોમવારે સવારે બેઠક થઇ. બેઠક બાદ નોટબંધીને લઇને સાંસદના ગેટ પર તૃણમુલ કોંગ્રેસના સાસંદોએ સરકાર વિરુદ્ધ પ્રદર્શન કર્યું.

સોમવારે સવારે થયેલી વિપક્ષની બેઠકમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી, રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદ, બીએસપી નેતા સતીશ મિશ્રા, આરજેડી નેતા જય પ્રકાશ નારાયણ, પીસી ગુપ્તા, ટીએમસી નેતા ડેરેક ઓ બ્રાયન અને જેડીયૂ નેતા શરદ યાદવે હાજરી આપી હતી.

જો કે વિપક્ષ પહેલાથી કેન્દ્ર સરકાર પર નોટબંધીની જાણકારી લીક કરવાનો આરોપ લગાવી ચુકી છે અને સંયુક્ત સંસદીય સમિતિ પાસે એની તપાસ કરવવા માટેની માંગણી કરી છે. કોંગ્રેસે પોતાના દરેક ધારાસભ્યોને સંસદમાં હાજર રહેવા માટે કહ્યું હતું. બીજી બાજુ સત્તા પક્ષે પણ વિપક્ષના રુખને જોઇને તેમના દરેક સાંસદને સંસદમાં હાજર રહેવા કહ્યું હતું.

16 નવેમ્બરથી શિયાળુ સત્રની શરૂઆત થઇ ત્યારબાદથી જ નોટબંધીના મુદ્દા પર કેટલીક વખત ગૃહમાં હંગામાના કારણે કોઇ કામ થયું નથી. વિપક્ષ માંગણી કરી રહ્યું છે કે નોટબંધી નિર્ણય પર નિયમ 56 હેઠળ સ્થગન પ્રસ્તાવ લાવવામાં આવે અને પછી એની પર ચર્ચા થાય. જ્યારે સરકાર નિયમ 193 હેઠળ ચર્ચા કરવા માંગે છે.

જો નિયમ 56 હેઠળ જો ચર્ચા થાય તો વોટિંગ સમયે રાજ્યસભામાં સરકારની મુશ્કેલી વધશે. તો શનિવારે સરકારે પોતાની દરેક રાજ્યસભા સાંસદોથી 21,22 અને 23 નવેમ્બરે ગૃહમાં હાજર રહેવા માટે વ્હીપ રજૂ કર્યો છે. સરકારના આ નિર્ણયથી એવું લાગે છે કે સરકાર ગૃહમાં દરેક પરિસ્થિતિ માટે તૈયાર રહેવા માંગે છે.

You might also like