સરકારી કચેરીઓમાં એક જ જવાબ ચૂંટણી પૂરી થાય પછી આવજો

અમદાવાદ: લોકસભા ઈલેક્શનની કામગીરી પુરજોશમાં શરૂ થઈ ગઈ છે. અત્યારે મોટા ભાગની સરકારી કચેરીઓના સરકારી કર્મચારીઓને ઇલેક્શનની કામગીરી સોંપવામાં આવી છે. સરકારી કર્મચારીઓ આ કામગીરીમાં વ્યસ્ત હોવાના કારણે સામાન્ય નાગરિકોના સામાન્ય કામકાજ હવે ટલ્લે ચઢયાં છે. મોટા ભાગની કચેરીઓમાં નાગરિકોને એક જ જવાબ મળે છે સાહેબ ડ્યૂટીમાં છે, ઈલેક્શન પછી આવજો. લોકોની ફરિયાદો વધી રહી છે. તેમને હવે ઈલેક્શન પૂરું થયા સુધી એટલે કે મે માસ શરૂ થવાની રાહ જોવી પડશે.

શહેર અને જિલ્લાના બેન્ક કર્મચારીઓને પણ ઈલેક્શન ડ્યૂટી સોંપવામાં આવી છે. જેના કારણે ઘણી બ્રાન્ચમાં પણ કામગીરીને અસર પડી છે. સ્ટેટ બેન્કના જ કર્મીઓને ડ્યૂટી આપવામાં આવી છે.  આ કર્મીઓ ટ્રેનિંગ માટે જાય છે ત્યારે સંબંધિત બ્રાંચની કામગીરી અટવાય છે. કેટલીક બેન્કોમાં સૂચનાઓ પણ મુકાઈ છે કે સ્ટાફ ઇલેક્શન ડ્યૂટીમાં હોવાથી બેન્કની કામગીરી આંશિક થશે, તેવી લોક ફરિયાદો ઊઠી છે.

દેશ ભરમાં ૧૭મી લોકસભાનાં ઈલેક્શન માટેનું જાહેરનામું પ્રસિદ્ધ થતાં જ આદર્શ આચારસંહિતા અમલી બની છે. આચારસંહિતા અમલી થવાની સાથે જ સરકારી કર્મચારીઓની તમામ નવી કામગીરી પર બ્રેક લાગી છે. હવે માત્ર ચાલુ એટલે કે સામાન્ય કામગીરી જ હાથ ધરાશે. અન્ય નવી કોઈ પણ કામગીરી આચારસંહિતાનો અમલ ઊઠ્યા બાદ જ થશે. આ સંજોગોમાં મોટા ભાગની સરકારી કચેરીઓ હવે ઇલેક્શનની કામગીરીમાં વ્યસ્ત હોઈને સામાન્ય નાગરિકોનાં સામાન્ય કામો અટવાયાં છે.

મોટા ભાગની કચેરીઓમાં નાગરિકોને હવે ઈલેક્શન પછી આવજો, એવા જવાબો મળી રહ્યા છે. સરકારી કચેરીઓમાં વર્ગ એક, વર્ગ બે અને વર્ગ ત્રણના કર્મચારીઓને ઈલેક્શન ડ્યૂટી સોંપવામાં આવી છે. ઈલેક્શનની કામગીરી સરળતાથી પૂરી થાય તેના માટે વિવિધ ટ્રેનિંગ પણ આપવામાં આવી રહી છે. ટ્રેનિંગ લેવી સરકારી કર્મી માટે ફરજિયાત છે. આથી અરજદારોને જે જવાબ મળે છે તે પણ સાચા જ છે તેમ પણ જણાવાય છે. કારણ ગમે તે હોય સાહેબ જ ન હોય અન્ય કર્મીઓ પણ શું કરે, અને નાગરિકો અટવાઈ રહ્યા હોવાથી હવે તેમને મે માસ શરૂ થવાની રાહ જોવી પડશે.

You might also like