દંપતીઅે કરેલા ચીટિંગનો અાંકડો એક કરોડથી પણ વધુ

અમદાવાદ: અમદાવાદના નારોલની શુભલક્ષ્મી ફાઇનાન્સ કંપનીના સંચાલકો લાખો રૂપિયાનું ફુલેકું ફેરવી ફરાર થઇ ગયા હતા. ફરાર થયેલા દંપતીને 3 મહિના પછી પોલીસે ઝડપી લીધાં છે. વટવા પોલીસે લાખોનું ફુલેકું ફેરવનાર દંપતીના રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે. લોકો સાથે કરાયેલી છેતરપિંડીનો આંક એક કરોડ કરતાં વધુએ પહોંચ્યો છે.

ઝડપાયેલા દંપતી દ્વારા નારોલ વિસ્તારમાં શુભલક્ષ્મી ફાઇનાન્સ નામની પેઢી ખોલી અનેક લોકો પાસેથી એકના ડબલ અને ઊંચા વ્યાજની લાલચમાં અલગ અલગ સ્કીમ હેઠળ રૂપિયા ઉઘરાવવામાં આવતા હતા. આરોપી ઈશ્વર પટેલ અને તેની પત્ની પ્રીતિ પટેલ સામે એપ્રિલ મહિનામાં વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતાં તેઓ નાસતા-ફરતા હતા.
દંપતી લાખો રૂપિયાનું ફુલેકું ફેરવી અમદાવાદ શહેર બહાર વડોદરા, નડિયાદ અલગ જગ્યાએ નાસતા ફરતા હતા.

શુભલક્ષ્મી ફાઇનાન્સ કંપની છેલ્લાં 15 વર્ષથી ચાલી રહી હતી. તેમણે ઘોડાસર ખાતે ઓફિસ ખોલી હતી, પરંતુ ઘણા સમયથી વટવામાં આવેલ સૂર્યા રે‌િસડન્સીમાં પોતાના ઘરે ઓફિસ ખોલી લોકોના પૈસા લેતા હતા, જોકે આ ફાઇનાન્સ કંપનીમાં મોટા ભાગે ગરીબ અને મધ્યમવર્ગના લોકોએ મહામહેનતે એકઠા કરેલા રૂપિયા ઊંચું વ્યાજ આપવાની લાલચે પૈસા ભર્યા છે. 500થી વધુ લોકોએ લાખો રૂપિયાનું રોકાણ શુભલક્ષ્મી ફાઇનાન્સમાં કર્યું હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસે લાખોનું ફુલેકું ફેરવનાર દંપતીના રિમાન્ડ મેળવીને તપાસ શરૂ કરી છે કે દંપતી દ્વારા લાખો રૂપિયાનું રોકાણ ક્યાં કરવામાં આવ્યું છે ત્યારે બીજી બાજુ દંપતીની ધરપકડ થતાં ભોગ બનનાર લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.જોકે ભોગ બનનારા લોકોમાં વધારો થતાં છેતરપિંડીનો આંકડો વધી રહ્યો છે.

http://sambhaavnews.com/

You might also like