અમૃતસર આતંકી હુમલાની તપાસ માટે NIAની ટીમ પહોંચી: ડોભાલે બેઠક બોલાવી

અમૃતસર:આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ખૂંખાર આતંકી ઝાકિર મુસા અને તેના સાથીદારો કોઈ મોટા હુમલાની ફિરાકમાં હોવાની આશંકાને ધ્યાનમાં રાખીને અપાયેલા હાઈએલર્ટ વચ્ચે પંજાબના અમૃસરના એક ગામમાં થયેલા ગ્રેનેડથી કરવામાં આવેલા આતંકી હુમલામાં ત્રણ લોકોના મોત થયા છે.

આ આતંકી હુમલાથી પંજાબ સહિત સમગ્ર દેશ ખળભળી ઊઠ્યો છે અને ઈન્ટેલિજન્સ ઈનપુટ્સને સ્થાનિક પોલીસતંત્ર ગંભીરતાથી ન લેતું હોવાની પોલ પણ ખૂલી ગઈ છે. પોલીસના અધિકૃત આંકડા અનુસાર રર લોકોને આ આતંકી હુમલામાં ગંભીર ઈજાઓ થઈ છે.

નેશનલ સિક્યોરિટી એડવાઈઝર (એનએસએ) અજિત ડોભાલે તાત્કાલિક એક બેઠક બોલાવીની આતંકી હુમલાની સમિક્ષા કરી હતી અને તપાસ એજન્સીઓને આદેશ આપ્યા હતા.

સુરક્ષા સામે સવાલ ઉઠાવતા આ આતંકી હુમલાની તપાસ માટે નેશનલ ઈનવેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)ની એક ટીમ અમૃતસર પહોંચી ગઈ છે. આ ટીમનું સુકાન મુકેશસિંહને સોંપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે રાજાસાંસીના અદાવલી ગામના નિરંકારી ભવનમાં થયેલા આ બ્લાસ્ટ બાદ પંજાબ સહિત રાજધાની દિલ્હી, હરિયાણા અને એનસીઆરમાં હાઈએલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે.

આ અગાઉ પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર સિંહે જણાવ્યું હતું કે અમે આતંકવાદીઓના ઈરાદા સફળ નહીં થવા દઈએ. પંજાબના ડીજીપી સુરેશ અરોરાએ જણાવ્યું કે આ આતંકી હુમલો છે અને અમે દરેક એન્ગલથી તેની તપાસ કરી રહ્યા છીએ. નિરંકારી સમાગમમાં થયેલા આતંકી હમલા બાદ ઈન્ટેલિજન્સ એજન્સીઓ કેટલીક થિયરીઓ પર કામ કરી રહી છે.

ગુપ્તચર એજન્સીઓના ઈનપુટ્સ અનુસાર આ હુમલો પંજાબમાં ખા‌િલસ્તાની આતંકી સંગઠનોના સ્લીપર સેલનું ષડ્યંત્ર હોઈ શકે છે. દરમિયાન નિરંકારી ભવનના મેનેજમેન્ટ દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે બે યુવકો પર ગ્રેનેડ ફેંકવાની શંકા છે તેમની તસવીરો પણ સામે આવી છે. પોલીસ હાલ આ બંને શકમંદોને પકડવા સતત સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.

આ દરમિયાન પંજાબ પોલીસે બે વધુ શકમંદની એક પિસ્તોલ અને ત્રણ જીવતા કારતૂસ સાથે ધરપકડ કરી છે. તેમને ભટિન્ડા નજીક આવેલા મંડી વિસ્તારમાંથી ચેકિંગ દરમિયાન ઝડપી લેવામાં આવ્યા છે. હાલ પોલીસ બંને આરોપીઓની સઘન પૂછપરછ કરી રહી છે.

આતંકી હુમલા બાદ દેશની રાજધાની નવી દિલ્હી અને નોઈડામાં પણ હાઈએલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. દિલ્હીની ભીડભાડવાળી જગ્યાઓ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. સુરક્ષા એજન્સીઓએ આ આતંકીઓ દિલ્હી તરફ આગળ વધ્યા હોવાની આશંકા વ્યક્ત કરી છે.

સાક્ષીઓના જણાવ્યા પ્રમાણે બે યુવકોએ અમૃતસરના રાજાસાંસી ગામમાં નિરંકારી ભવન પર ગ્રેનેડ ફેંક્યો હતો. એ સમયે નિરંકારી ભવનમાં સમાગમ (સત્સંગ) ચાલી રહ્યો હોવાથી લોકોની ભારે ભીડ હતી. રાજાસાંસી ગામ બોર્ડર પર આવેલું છે અને હુમલા સમયે ભવનમાં રપ૦થી વધુ લોકો હાજર હતા.

ગુપ્તચર એજન્સીઓને નિરંકારી ભવન પર થયેલા ગ્રેનેડ હુમલા માટે ગોપાલસિંહ ચાવલા પર શંકા છે, જે આતંકી હાફિઝ સઈદ સાથે જોવા મળ્યો હતો. એજન્સીઓના જણાવ્યા પ્રમાણે ચાવલા પંજાબમાં આઈએસઆઈની મદદથી બ્લાસ્ટ કરવાની યોજના બનાવી રહ્યો હતો.

તે એવી એપ્સ દ્વારા સ્થાનિક યુવાનોને પોતાની સાથે જોડી રહ્યો હતો, જેને આસાનીથી ડિકોડ ન કરી શકાય. ગોપાલસિંહ ચાવલા પાકિસ્તાની શિખ છે અને તે પાકિસ્તાની શિરોમ‌િણ ગુરુદ્વારા પ્રબંધક કમિટીનો પૂર્વ મહાસચિવ છે. તેને ખાલિસ્તાની સમર્થક માનવામાં આવે છે.

You might also like