આજે GST કાઉન્સિલની બેઠક નવા નિયમોને મંજૂરી અપાશે

(એજન્સી)નવી દિલ્હીઃ જીએસટી કાઉન્સિલની આજે ૩૪મી બેઠક મળનાર છે. આ બેઠકમાં રિયલ એસ્ટેટ સેક્ટર માટે જીએસટીના ઘટાડવામાં આવેલા દરના અમલ સહિતના વિવિધ મુદ્દા પર તેમજ ઘર ખરીદનારાઓને રાહત આપતી ગાઇડલાઇન્સ નક્કી કરવા પર ચર્ચા-વિચારણા થશે. સૂત્રોએ જણાવ્યું છે કે આ બેઠકમાં માત્ર એવા મુદ્દા પર ચર્ચા-વિચારણા કરવામાં આવશે, જેના પર નિર્ણય લેવાઇ ચૂક્યો છે અને હવે તેનો અમલ કરવાનો બાકી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હાલ ચૂંટણી આચારસંહિતા અમલમાં હોવાથી ટેક્સ રેટમાં ફેરફાર સાથે સંકળાયેલ કોઇ પણ મુદ્દો બેઠકના એજન્ડામાં નથી.

જીએસટી કાઉન્સિલે ૨૪ ફેબ્રુઆરીના રોજ યોજાયેલ અંડર કન્સ્ટ્રક્શન ફ્લેટ માટે જીએસટી રેટ ઘટાડીને પાંચ ટકા અને સસ્તા આવાસો પર ટેક્સ રેટને ઘટાડીને એક ટકો કર્યો હતો. આ નવા દર ૧ એપ્રિલથી અમલી બનશે. અત્યારે અંડર કન્સ્ટ્રક્શન પ્રોપર્ટી અથવા રેડી ટુ મૂવ ફ્લેટના પેમેન્ટ પર ઇનપુટ ટેક્સ ક્રેડિટ સાથે ૧૨ ટકા જીએસટી છે અને સસ્તા મકાન પર જીએસટીનો દર ૮ ટકા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે કાઉન્સિલની આ બેઠકમાં રિયલ એસ્ટેટ સેક્ટર સાથે સંકળાયેલા નવા નિયમોને મંજૂરી આપવામાં આવશે.

આ બેઠકમાં રાજ્યના મહેસૂલ વિભાગ સાથે અંડર કન્સ્ટ્રક્શન ફ્લેટ્સ પર જીએસટી ઘટાડાનો ફાયદો હોમ બાયર્સને આપવાની રૂપરેખા નક્કી કરવામાં આવશે. આ બેઠક પાછળનો ઉદ્દેશ બાયર્સ સાથે કોઇ દગો ન થાય તે જોવાનો છે, સાથોસાથે જીએસટી કાઉન્સિલ એ પણ જોશે કે ઇનપુટ ટેક્સ ક્રેડિટ બંધ થયા બાદ બિલ્ડર્સ ફ્લેટના ભાવ વધારે નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરીમાં જીએસટી કલેક્શન ઘટીને ૯૭,૨૪૭ કરોડ પર આવી ગયું હતું, જ્યારે જાન્યુઆરીમાં આ કલેક્શન રૂ.૧.૦૨ લાખ કરોડ હતું.

You might also like