રાજ્યના નવા કાયમી પોલીસ વડાની 28મીએ નિમણૂક થશે

અમદાવાદ: રાજ્યના કાર્યકારી પોલીસવડા પ્રમોદકુમાર આવતી કાલે નિવૃત્ત થઇ રહ્યા છે ત્યારે રાજ્યના નવા પોલીસવડા તરીકે કોને મૂકવામાં આવશે તેની ચર્ચા ચાલી રહી છે. લાંબા સમયથી કાયમી પોલીસવડા તરીકે કોને મૂકવા તે અંગે રાજ્ય સરકાર અવઢવમાં હતી અને અત્યાર સુધી કાર્યકારી ડીજી તરીકે નિમણૂક કરવામાં આવી છે, પરંતુ હાઇકોર્ટના આઠ અઠવાડિયામાં કાયમી ડીજી નિમણૂક કરવાના આદેશ બાદ આવતી કાલે હવે રાજ્યના નવા કાયમી પોલીસવડાની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે.

રાજ્યના કાયમી પોલીસવડા તરીકે હાલમાં ૧૯૮૩ની બેચના આઇપીએસ શિવાનંદ ઝાનું નામ મોખરે ચાલી રહ્યું છે. નવ જેટલા આઇપીએસ અધિકારીઓ હાલમાં ડીજીપી તરીકે નિમણૂક પામેલા છે. સૂત્રોનું માનીએ તો નવા પોલીસવડા તરીકે હાલમાં શિવાનંદ ઝા સૌથી આગળ ચાલી રહ્યા છે. ત્યાર બાદ ૧૯૮૩ની બેચના અધિકારી વિપુલ વિજોય, એ.કે. સુરોલિયા છે.

આ ઉપરાંત ૧૯૮૪ની બેચના તીર્થરાજ, મોહન ઝા અને ૧૯૮૫ના એ.કે. સિંઘ પણ ડીજીપીની યાદીમાં છે. હાઇકોર્ટના નિર્દેશ બાદ રાજ્યમાં કાયમી પોલીસવડા તરીકે મૂકવા રાજ્ય સરકારને ફરજ પડી રહી હોઇ આવતી કાલે નવા ડીજીપીની જાહેરાત કરવામાં આવશે.

૨૦૧૯ની લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર શિવાનંદ ઝાને રાજ્યના કાયમી પોલીસવડા તરીકે મૂકે તેવી શક્યતા જણાઇ રહી છે.

You might also like