શું તમે એ વાત જાણો છો, મા લક્ષ્મીનો સ્વભાવ ચંચળ છે

મા લક્ષ્મીને ધન અને ઐશ્વર્યની દેવી માનવામાં આવે છે. સનાતન ધર્મ અને પુરાણોમાં વર્ણન કર્યા મુજબ જેમના પર આ દેવીની કૃપા થાય છે તેમને ક્યારેય ધન-વૈભવની અછત પડતી નથી, પરંતુ શું તમે એ વાત જાણો છો કે મા લક્ષ્મીનો સ્વભાવ ખૂબ જ ચંચળ છે.

એવું કહેવાય છે કે આ કારણે દેવી કોઈ એક જગ્યાએ વધુ સમય ટકીને રહી શકતાં નથી. ધનની દેવી લક્ષ્મીના જ કારણે આપણા જીવનમાં ધન સંબંધી ઉતાર-ચઢાવ આવતા રહે છે. ધનની દેવીને પ્રસન્ન કરવા માટે તમામ ઉપાય કરવામાં આવે છે, જેથી તેમની પ્રસન્નતાથી વ્યક્તિ માલામાલ બની શકે.

પરંતુ શું તમે જાણી શકો છો કે વિષ્ણુ ભગવાનનાં પત્ની મા લક્ષ્મી જ્યારે ઘરમાં આવવાનાં હોય છે ત્યારે કેટલાક સંકેત આપે છે. જો તમને પણ આ સંકેત મળવા લાગે તે સમજી લેવાનું તમારા નસીબના બંધ હવે ખૂલવાની તૈયારીમાં જ છે.

મા લક્ષ્મીનું વાહન ઘૂવડ છે તેવામાં જો અચાનક જ તમારી આસપાસ ઘૂવડ દેખાવાનું શરૂ થાય તો સમજી જવું કે મા લક્ષ્મી ચોક્કસ તમારા ઘર અને નસીબમાં આવીને કૃપા કરશે. જ્યાં પણ ઘૂવડ હોય છે ત્યાં મા લક્ષ્મીની હાજરી જરૂર જોવા મળે છે. જો આવું થાય તો તરત જ માને વધુ પ્રસન્ન કરવા માટે તેમના મંત્રનો જાપ શરૂ કરી દો. એવું કોઈ કામ ન કરો, જેથી મા લક્ષ્મી તમારાથી નિરાશ થઈ જાય.

જો તમારી આસપાસ અચાનક જ હરિયાળી વધી જાય તો અથવા લીલા રંગની વસ્તુઓ તમને વધુ આકર્ષવા લાગે તો સમજી જવું કે લક્ષ્મીજીની કૃપા થવાની છે. હકીકતમાં હરિયાળી જીવનનું મોટું પ્રતીક માનવામાં આવે છે. આવા સકારાત્મક વાતાવરણમાં મા લક્ષ્મી જરૂર આવે છે.

જો તમે સવારે અચાનક જ કોઈ વ્યક્તિને તમારા ઘરની બહાર ઝાડુ કાઢતો નિયમિત જુઓ તો સમજી લેવાનું કે તમે જલદી અમીર બનવાના છો. ઝાડુ અને મા લક્ષ્મીને સીધો સંબંધ છે. ઝાડુ આપણા ઘરને સાફ કરે છે અને સ્વચ્છ ઘરમાં મા લક્ષ્મી નિવાસ કરે છે.

સવારે ઊઠીને સૌથી પહેલાં શંખનો અવાજ આવે તે પણ એક મા લક્ષ્મીના આગમનનું પ્રતીક છે. જો તમારી સાથે આવું થાય છે તો સમજી લેવું કે તમારું ભાગ્ય ખૂલવાના સંકેત છે.

જો અચાનક જ તમારી આસપાસ સવારના સમયે શેરડી દેખાવાનું શરૂ થાય તો સમજી લેવું કે તમારા દિવસ બદલાવાના છે. શેરડીના રસથી ગણપતિ પર અભિષેક કરવામાં આવે તો પણ માતા લક્ષ્મીની કૃપા થાય છે. શેરડી માતા લક્ષ્મીને પ્રિય હોવાથી તેનું દેખાવું શુભ મનાયું છે. દેવી લક્ષ્મીની ઉપાસનાથી વૈભવ મેળવી શકો છો.

સ્નાન કર્યા બાદ એક ચોકી પર લાલ વસ્ત્ર પાથરીને યથાસંભવ હોય દેવી લક્ષ્મીની ચાંદીની પ્રતિમાનું સ્થાપન કરો. લક્ષ્મીની પ્રતિમાને ગાયના કાચા દૂધ અને ગંગાજળથી સ્નાન કરાવો. સ્નાન કર્યા બાદ દેવી લક્ષ્મીને લાલ ચંદન, લાલ ફૂલ, લાલ ચોખા, વસ્ત્ર અને દૂધથી બનેલાં પકવાનનો ભોગ લગાવીને શ્રીસૂક્તની નીચે લખેલા મંત્રનું સ્મરણ કરવાથી ભરપૂર આર્થિક સમૃદ્ધિ મળે છે.

મનસઃ કામમાકૂતિં વાચઃ સત્યમશામહિ પશુનાંરૂપ મન્નસ્ય મયિ શ્રી શ્રયતાં યશઃ ।।

આ મંત્રનો પાઠ કરો. તે સિવાય બની શકે તો શ્રીસૂક્તનો આખો પાઠ અવશ્ય કરો. દેવી લક્ષ્મીને આરતી અને ધૂપ કરો. મન, વચન અને શબ્દોથી પાપની ક્ષમા માગો. એક દીવો પ્રગટાવીને લક્ષ્મીને આમંત્રણની ભાવનાથી તે દીવો ઘરના મુખ્ય દ્વાર પર રાખો.

લક્ષ્મીજીનો મંત્ર “ૐ શ્રીં ક્લીં મહાલક્ષ્મ્યૈ નમઃ” છે, મનમાં લક્ષ્મીજીનું ધ્યાન ધરીને આ મંત્રની ઓછામાં ઓછી સાત માળા કરીને દિવસ દરમિયાન ઉપવાસ કરવા જોઈએ. સાંજે દાન કાર્ય બાદ જ ફળાહાર કરવાથી લક્ષ્મીની કૃપા રહે છે. એવું કહેવાય છે કે ખૂબ ધની કુબેર દેવતાએ પણ આ દિવસે જ લક્ષ્મીનું પૂજન કરી અક્ષય લક્ષ્મીની પ્રાપ્તિ કરી હતી.

You might also like