BJPના સૌરાષ્ટ્ર-કચ્છના ઉમેદવારોનાં નામ આજે બંધ કવરમાં સીલ થશે

(અમદાવાદ બ્યૂરો)
અમદાવાદ: મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નિવાસસ્થાને આજે અંતિમ દિવસે ગુજરાતની કચ્છ અને વિધાનસભા ચૂંટણીની પાંચ બેઠકો માટે મનોમંથન શરૂ થઈ ચૂક્યું છે. લોકસભાની ચૂંટણીના ઉમેદવારોના નામની જાહેરાત આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપે લોકસભાની ચૂંટણીમાં જીતી શકે તેવા મુરતિયાઓની પસંદગી માટેના પ્રયાસો શરૂ કરી દીધા છે.આજ સાંજ સુધીમાં ભાજપ પ્રદેશ સમિતિની બેઠકમાં એક બંધ કવરમાં તમામ ઉમેદવારોનાં ભાવિ સીલ થઈ જશે, જે દિલ્હી દરબારમાં ખૂલશે.

આજે કચ્છ અને સૌરાષ્ટ્રના ૪ ઉમેદવારોની પસંદગીની આખરી પેનલ બનાવવામાં આવશે. ત્યાર બાદ તમામ સીટ માટે ચૂંટણી સમિતિએ પસંદ કરેલા ઉમેદવારોનું લિસ્ટ સીલ કવરમાં દિલ્હી આજે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડને મોકલી આપવામાં આવશે.

આજે કચ્છની સાથે-સાથે સૌરાષ્ટ્રની ૪ બેઠકની સમીક્ષા કરવામાં આવી રહી છે. આ તમામ સીટની પસંદગીમાં નિરીક્ષકોના રિપોર્ટની સમીક્ષાના આધારે નામ નક્કી કરવામાં આવશે અને તેના આધારે લોકસભા ચૂંટણીની રણનીતિ ઘડાશે. આ ઉપરાંત સુરક્ષા અને યોજનાઓના અમલીકરણ મુદ્દે પણ સમીક્ષા કરવામાં આવશે. ઊંઝા, જામનગર (ગ્રામ્ય), માણાવદર, તાલાલા અને ધ્રાંગધ્રાની વિધાનસભા પેટાચૂંટણી માટેના પસંદગીના ઉમેદવારોની ચર્ચા પણ આજે ચૂંટણી સમિતિમાં હાથ ધરાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગાંધીનગરના ઉમેદવારના મામલે સેન્સમાં પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનું નામ નીકળતાં પાર્લામેન્ટરી બોર્ડે તેની ચર્ચા ટાળી છે, કારણ કે હવે ભાજપનો ગઢ ગણાતી આ બેઠક માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ખુદ આ મામલે નિર્ણય લેશે.

You might also like