આમંત્રણ પત્રિકામાંથી નાયબ મુખ્યપ્રધાનનું નામ જ ગાયબ

અમદાવાદ: અમદાવાદીઓ માટે રૂ.૭પ૦ કરોડના ખર્ચે બનાવાયેલી અતિ આધુનિક સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલ આજે સાંજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ખુલ્લી મુકાશે. મ્યુનિસિપલ કોર્પોરેશનની પૂર્ણ માલિકી ધરાવતી આ હોસ્પિટલ તેના ઉદ્ઘાટન બાદ સમગ્ર દેશમાં ‘અર્બન હેલ્થ કેર’ના મામલે ‘ધી બેસ્ટ’ બની જશે તેવો મ્યુનિસિપલ સત્તાવાળાઓનો દાવો છે.

દરમિયાન એસવીપી હોસ્પિટલની આમંત્રણ પત્રિકામાં ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન અને આરોગ્યપ્રધાન નીતિન પટેલનું નામ ગાયબ થતા વિવાદ સર્જાયો છે. નીતિન પટેલનું નામ ભૂલાઇ ગયું કે પછી છબરડો થયો છે તે બાબતે ચર્ચા જગાવી છે.

રાજ્ય સરકારની મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના હેઠળ નિર્માણ પામેલી આ હોસ્પિટલ બે બેઝમેન્ટ સાથે કુલ સત્તર માળ અને ૧૮મા માળે ટેરેસ પર હેલિપેડ અને ઓડિટોરિયમ ધરાવતી હોઇ તેનો સમગ્ર વિસ્તાર ૧.૪૯ લાખ ચો.મીટરનો છે. આ હોસ્પિટલ ૭૮ મીટર ઊંચી હોઇ તેને શહેરની સૌથી ઊંચી બિલ્ડિંગ બનવાનું ગૌરવ પણ પ્રાપ્ત થયું છે. હોસ્પિટલના ટેરેસ પરના હેલિપેડને કેન્દ્રની મંજૂરી મળીગઇ હોઇ તે ચાર મીટર ધરાવતા લાઇટ વેઇટ હેલિકોપ્ટરના લેન્ડિંગ માટે સુસજ્જ છે. જો કે આ પ્રકારની એર એમ્બ્યુલન્સ સેવા રાજ્યભરમાં ક્યાંય નથી એટલે તેની સુવિધા વિલંબમાં મુકાશે.

સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલમાં ૧૮ ઓપીડીની સેવા સહિત કુલ ૧પ૦૦ પથારીની વ્યવસ્થા હોઇ આજે ૩૦૦ જનરલ બેડ દર્દીઓ માટે ઉપલબ્ધ કરાશે. આગામી દિવસોમાં ૧૩૦૦ જનરલ બેડનો લાભ દર્દી લઇ શકાશે. જો કે સ્પેશિયલ રૂમની સગવડ માટે રાહ જોવી પડશે. તમામ દર્દીને યુનિક ફોટો આઇકાર્ડ અપાશે. તેમજ દર્દીના રિપોર્ટ સીધા ડોક્ટરના મોનિટર પર ઉપલબ્ધ થશે.

ઓપીડીની ફી પેટે રૂ.૧૦૦ ભર્યા બાદની તમામ બાબતોમાં ‘પેપરલેસ’ સેવાનો લાભ દર્દીઓને મળશે. આ ઉપરાંત વાઇફાઇ સિસ્ટમ, આઠ કરોડના ખર્ચે બનાવાયેલું ડેટા સેન્ટર સમગ્ર દેશમાં શ્રેષ્ઠ એવા ૩ર ઓપરેશન થિયેટર અને ત્રણ રેસ્લાના એમઆરઆઇ મશીન, સિટી સ્કેન મશીન, ૬૬ લેબ વગેરેની સુવિધાનો લાભ દર્દીઓને મળશે.

You might also like