મગફળીની આગના ધુમાડામાં ગૂંગળાતું રહસ્ય

ગોડાઉનમાં લાગેલી ભીષણ આગમાં સરકારે ખરીદ કરેલી આશરે ર લાખ ગુણી મગફળીનો જથ્થો જેની અંદાજિત કિંમત રૃ. ર૮ કરોડનો થાય છે એ બળીને ખાખ થઈ ગયો.

ગોંડલના ઉમવાડા રોડ પર આવેલા એક જિનિંગ મિલના ગોડાઉનમાં લાગેલી આગની જ્વાળાઓ છેક સાતમા દિવસે આ લખાય છે ત્યારે પણ પૂરી કાબૂમાં આવી નથી. રૃ.ર૮ કરોડની મગફળીનો જથ્થો જેમાં ખાખ થઈ ગયો એ ગોંડલની આગની આ શંકાસ્પદ  ઘટનાએ અનેક સવાલો ખડા કર્યા છે. સરકારી તંત્રની બેદરકારીની સાથે ખેડૂતોના નામે કેટલાય વચેટિયાઓ કૌભાંડો આચરતા હોવાની આશંકા ગોંડલની આગની આ ઘટનાએ ઊભી કરી છે. ગોંડલના ગોડાઉનની આગ તો કાબૂમાં આવી જશે, પણ રાજ્યના રાજકારણમાં આ ઘટનાને લઈને લાગેલી આગના લબકારા તો હજુ લાંબો સમય ચાલશે. વિપક્ષ કોંગ્રેસ ગોંડલની આ ઘટનાનેે લઈને સરકારને આગામી વિધાનસભાના બજેટ સત્રમાં ઘેરવા માટે સજ્જ થઈ રહી છે.

ગોંડલની આગની ઘટનાની વાત કરીએ એ પહેલાં પણ ગોંડલના મહત્ત્વને જાણીએ તો સૌરાષ્ટ્ર એ મગફળીના ઉત્પાદનનું હબ છે. આશરે રપ લાખ ટન મગફળનું ઉત્પાદન દર વર્ષે થાય છે. સમગ્ર સૌરાષ્ટ્રનું સૌથી મોટંુ  માર્કેટ યાર્ડ ગોંડલમાં હાઈ-વૅ પર આવેલું છે. સહકારી ક્ષેત્ર અને કૃષિ જણસોની બાબતમાં ગોંડલ એક પ્રમુખ કેન્દ્ર છે. સૌરાષ્ટ્રનાં સેન્ટરોમાંથી મગફળીની ખરીદી કરી સરકારી એજન્સીઓ ગોંડલમાં ગોડાઉન ભાડે રાખીને તેમાં સાચવે છે. નાફેડ રાજ્યમાં ગુજકોટને નોડલ એજન્સી તરીકે રાખીને તેના મારફત ટેકાના ભાવે મગફળી ખરીદ કરે છે. ખરીદ કરેલો આ જથ્થો ખાનગી ગોડાઉન ભાડે રાખીને તેમાં સાચવવામાં આવે છે.

ગોંડલમાં ઉમવાડા રોડ પર એક ખાનગી જિનિંગ મિલના ગોડાઉનમાં તા. ૩૦મી જાન્યુઆરીએ સાંજે પ વાગ્યાની આસપાસ અચાનક આગ લાગી હતી. પહેલાં તો આગની આ ઘટનાને સામાન્ય ગણવામાં આવી હતી, પણ આગે વિકરાળ સ્વરૃપ લેતાં તેને કાબૂમાં લેવા ગોંડલ, ધોરાજી, ઉપલેટા, જેતપુર અને રાજકોટથી ફાયર ફાઇટરો પહોંચ્યાં હતાં, પણ આગને ત્વરિત કાબૂમાં લઈ શકાઈ ન હતી. ગોડાઉનમાં લાગેલી ભીષણ આગમાં સરકારે ખરીદ કરેલી આશરે ર લાખ ગુણી મગફળીનો જથ્થો જેની અંદાજિત કિંમત રૃ. ર૮ કરોડનો થાય છે એ બળીને ખાખ થઈ ગયો. આ ઘટનામાં ગુજકોટ જેવી સહકારી સંસ્થાઓ અને સરકારની બેદરકારી એ છતી થઈ છે કે આવડો મોટો મગફળીનો જથ્થો જ્યાં સાચવવામાં આવ્યો હતો ત્યાં સેફ્ટીનાં કોઈ સાધનો ન હતાં. વીજળીનું કનેક્શન ન હતું. સીસીટીવી કે સુરક્ષાની કોઈ વ્યવસ્થા ન હતી. ગોંડલની જિનિંગ મિલના ગોડાઉનમાં આગ લાગી કે લગાડવામાં આવી તે મુદ્દે શંકાઓ સાથે સરકાર સામે સવાલો કરવામાં આવતા સરકાર પણ હરકતમાં આવી હતી. મુખ્યમંત્રી વિજય રૃપાણીએ આ ઘટનાની તપાસ સીઆઈડી ક્રાઇમને સોંપવાનો હુકમ કર્યો હતો અને આ ઘટનામાં નિષ્પક્ષ તપાસ થશે અને કોઈ પણ ગુનેગાર હશે તેની સામે કડક પગલાં લેવાશે તેવું નિવેદન આપ્યું હતું.

સીઆઈડી ક્રાઇમે સિનિયર આઈપીએસ દીપાંકર ત્રિવેદીના વડપણ હેઠળ સીટની રચના કરી છે. દીપાંકર ત્રિવેદીએ પ્રાથમિક તપાસ બાદ મંગળવારે એવું જાહેર કર્યું કે, વેલ્ડિંગના કામકાજ દરમિયાન ગોડાઉનમાં આગ લાગી હતી. આ મામલે ગોડાઉનના માલિક સહિત ૬ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સીઆઈડી ક્રાઇમની વિશેષ તપાસ હજુ આ મામલે ચાલુ છે, નિવેદનો લેવામાં આવી રહ્યાં છે. સ્થાનિક લોકોમાં આગની આ ઘટનાને લઈને તરેહ તરેહની ચર્ચાઓ સંભળાઈ રહી છે. એક ચર્ચા એવી છે કે કેટલાક વગવાળા લોકો ખેડૂતો પાસેથી સસ્તામાં મગફળી ખરીદ કરીને ઊંચા ટેકાના ભાવે સરકારી એજન્સીઓને વેચી દે છે. એક ચર્ચા એવી છે કે ગોડાઉનમાંથી કેટલોક જથ્થો બારોબાર પગ કરી જતો હોય છે, સારી ક્વૉલિટીની મગફળીની જગ્યાએ હલકી ગુણવત્તાની મગફળીની બોરી મુકી દેવાનું સુઆયોજિત ષડયંત્ર પણ ચાલી રહ્યું હોવાની ચર્ચા છે. ધોરાજીના કોંગી ધારાસભ્ય લલિત વસોયા કહે છે, ‘ગોંડલની આગની આ ઘટના શંકાસ્પદ છે. અગાઉ કચ્છ, પોરબંદરમાં પણ આવી ઘટના બની હતી. સરકાર આ ઘટનાના મૂળ સુધી જઈને તપાસ કરે.’

——————————–.

You might also like