શોપિયામાંથી અપહરણ કરાયેલા ત્રણ પોલીસ અધિકારીની હત્યાઃ એકને છોડી મૂક્યો

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના શોપિયામાં આતંકવાદીઓએ આજે સવારે જે ત્રણ સ્પેશિયલ પોલીસ ઓફિસર (એસપીઓ) અને ચાર પોલીસકર્મીઓનાં અપહરણ કર્યાં હતાં તેમાંથી આતંકવાદીઓએ ત્રણ એસપીઓની નિર્મમ હત્યા કરી દીધી હતી. જ્યારે એક એસપીઓના ભાઇને છોડી મૂક્યો હતો.

આ ત્રણ એસપીઓના મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે ચાર પોલીસકર્મીઓમાંથી માત્ર એક જ પોલીસકર્મી ફૈયાઝ અહમદ બટ પરત આવ્યો છે. આ અપહરણ ત્યારે થયું હતું જ્યારે હિઝબુલના આતંકી રિયાઝ નાયકુએ પોલીસકર્મીઓને નોકરી છોડી દેવાની ધમકી આપી હતી. એક ઓડિયો ક્લિપ સામે આવી છે, જેમાં નાયકુ કહી રહ્યો છે કે તમામ પોલીસકર્મીઓ ચાર દિવસમાં નોકરી છોડી દે. નાયકુનું કહેવું હતું કે કાશ્મીરી નવયુવાનો પોલીસ જોઇન કરે નહીં.

આ અગાઉ પોલીસ કર્મચારીના ભાઇનું અપહરણ કરતાં ખળભળાટ મચી ગયો હતો. સુરક્ષાદળો, સ્થાનિક પોલીસ અને એજન્સીઓએ સંયુકત સર્ચ ઓપરેશન હાથ ધરીને અપહરણ કરાયેલા પોલીસ અધિકારીઓ અને જવાનની શોધખોળ શરૂ કરી હતી.

જમ્મુ-કાશ્મીરમાં પંચાયતની ચૂંટણી યોજાય તે પહેલાં આતંકવાદીઓ તરફથી આ ચૂંટણી રોકવાની ભરપૂર કોશિશ થઈ રહી છે. કાશ્મીર ઘાટીમાં ફરી એક વખત આતંકીઓએ સ્થાનિક પોલીસના ચાર કર્મચારી અને પોલીસના ભાઇનાં અપહરણ કરતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. હિઝબુલના આતંકીએ ધમકી આપ્યા બાદ આ અપહરણ થતાં સઘન તપાસ હાથ ધરાઈ હતી.

આજે વહેલી સવારે શોપિયામાં સ્પેશિયલ પોલીસ ઓફિસર (એસપીઓ) અને એક જવાન ઉપરાંત પોલીસકર્મીના ભાઇનાં પણ અપહરણ કરવામાં આવ્યાં હતાં. આતંકીઓએ જોકે તેમની કોઈ માગણી સરકાર સુધી પહોંચાડી નહોતી. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ ઘણી વખત આતંકીઓએ પોલીસકર્મીઓ અને તેમના પરિવારના સભ્યોનાં અપહરણ કરી તેમની નિર્મમ હત્યા કરી છે.

અગાઉની ઘટનાને ધ્યાનમાં લઈને સુરક્ષાદળો અને પોલીસ ઉપરાંત એજન્સીઓ પણ એલર્ટ થઇ ગઇ હતી. ગયા મહિને જ આતંકીઓ કાશ્મીરમાં પોલીસકર્મીઓનાં ૧૦ પરિવારજનોનાં અપહરણ કર્યાં હતાં અને બાદમાં તેમને છોડી દેવામાં આવ્યાં હતાં. આતંકીઓએ દાવો કર્યો હતો કે પોલીસકર્મીઓ તેમના પરિવારના કેટલાક સભ્યોને ઉઠાવી ગયા છે અને જો તેમને છોડવામાં નહીં આવે તો પોલીસકર્મીઓનાં સ્વજનોની હત્યા કરવામાં આવશે.

ગુરુવારે જમ્મુ-કાશ્મીરના બાંદીપોરા સેક્ટરમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. બાંદીપોરાના સુમલાર વિસ્તારમાં છુપાયેલા આતંકીઓને શોધી કાઢવા સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ એન્કાઉન્ટરમાં બે આતંકીને ઠાર મારવામાં આવ્યા હતા.

તાજેતરમાં આતંકી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીને પોલીસકર્મીઓને પોતાના રાજીનામા આપી દેવા અથવા મરવા માટે તૈયાર રહેવાની ધમકી આપી હતી. હિઝબુલનાં ધમકીભર્યાં પોસ્ટર જમ્મુ-કાશ્મીરમાં કેટલાંય સ્થળે ચીપકાવવામાં આવ્યા હતા અને સોશિયલ મીડિયા પર વીડિયો પણ વાઇરલ થયો હતો.

જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓની આ ધમકી એવા સમયે આવી છે જ્યારે કેન્દ્રએ જમ્મુ-કાશ્મીરમાં પંચાયતની ચૂંટણીની જાહેરાત કરી છે. આતંકી સંગઠનો પંચાયતી ચૂંટણી પહેલાં દહેશત ફેલાવીને ચૂંટણી પ્રક્રિયાને અવરોધવા માગે છે.

You might also like