કોર્પોરેટર અંકિત બારોટના અપહરણના આક્ષેપ સાથે મ્યુનિ. સભામાં ખુરશીઓ ઊછળી

અમદાવાદ: ગઇ કાલની રવિવારની રજાના દિવસે ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનરની બદલી કરાતાં ઊઠેલા વિવાદ બાદ આજે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની મળેલી સામાન્ય સભામાં કોંગ્રેસના કોર્પોરેટર અંકિત બારોટના કથિત અપહરણ મામલે ખુરશીઓ ઊછળતાં નવો વિવાદ છેડાયો છે.

આજે સવારે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભા મળી હતી, જેમાં સભાની શરૂઆતમાં જ કોંગ્રેસના કોર્પોરેટરોએ અંકિત બારોટની ગેરહાજરીના મામલે ભાજપ પર આક્ષેપ કર્યા હતા. કોંગ્રેસના કેટલાક સભ્યોએ ભારે રોષે ભરાઇને સભામાં આક્ષેપ કર્યો હતો, ભાજપે અંકિત બારોટનું અપહરણ કર્યું છે.

જેના કારણે સામાન્ય સભાને બરખાસ્ત કરવાની માગ કરાઇ હતી. આ મામલે ભાજપ અને કોંગ્રેસના સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં માહોલ ગરમાયો હતો.

એક તબક્કે વાતાવરણમાં એટલી હદે ઉશ્કેરાટ ફેલાયો હતો કે કોંગ્રેસના સભ્યોએ ખુરશીઓ ઉછાળી હતી. દરમ્યાન સામાન્ય સભા બાદ કોંગ્રેસના કોર્પોરેટરો ઉપવાસ પર ઊતરશે તેવી જાહેરાત કોંગ્રેસ પક્ષ દ્વારા કરાઇ છે. આજની આ સભામાં કોંગ્રેસના ૧૪ કોર્પોરેટરો હાજર રહ્યા હતા.

You might also like