મોટરસાઇકલ ટૂ‌રિઝમના બહાને ગ‌ઠિયો યુવકના દસ લાખ રૂપિયા લઈ જતો રહ્યો

મોટરસાઈકલ ટ‌ૂ‌રિઝમનો બિઝનેસ શરૂ કરવાનું કહીને મુંબઇનાે ગ‌િઠયો એક યુવક પાસે ૧૦ લાખ રૂપિયાની છેતર‌િપંડી કરીને ફરાર થઇ ગયો છે. મોટરસાઈકલ ટ‌ૂ‌રિઝમ માટે ૧૦ બાઇક ખરીદવા માટે દસ લાખ રૂપિયા યુવકે ગ‌ઠિયાને આપ્યા હતા. કાલુપુર ખાતે આવેલા સ્વા‌મિનારાયણ મંદિરમાં બાઇક લેવા માટેના રૂપિયા જમા કરાવવાના બહાને ગ‌ઠિયો યુવકને લઇ ગયો હતો.

મ‌ણિનગર વિસ્તારમાં આવેલ સમર્થ એપાર્ટમેન્ટમાં રહેતા ર૮ વર્ષીય હાર્દિક ભટ્ટે મ‌ણિનગર પોલીસ સ્ટેશનમાં કરેલી ફરિયાદ મુજબ હાર્દિક પ્રવાસીઓને બાઇક ભાડે આપવાનું કામ કરે છે. ગત ઓક્ટોબર મહિનામાં હાર્દિકને ફેરીન હર્ષદરાય પટેલ નામની વ્યકિત મળી હતી, જે નિકોલ વિસ્તારમાં આવેલી એક હોટલમાં રોકાઇ હતી. ફેરીને હાર્દિક પાસે સાત દિવસ માટે બાઇક ભાડેથી લીધું હતું. હાર્દિકે ફેરીનને બાઇક ભાડે આપતી વખતે તેનું આધારકાર્ડ લીધું હતું, જેમાં સુરતનું સરનામું લખ્યું હતું.

ફેરીને હાર્દિક પાસે બીજી વખત પણ બાઇક ભાડે લીધું હતું અને સમયસર તેને પાછું આપી દીધું હતું. ફેરીન હાર્દિકનો રેગ્યુલર ગ્રાહક બની ગયો હોવાથી બંને એકબીજાના મિત્ર થઇ ગયા હતા. ફેરીને હાર્દિકને પાર્ટનર‌િશપમાં મોટરસાઇકલ ટૂ‌રિઝમનો ધંધો કરવાની ઓફર આપી હતી.

મોટરસાઈકલ ટૂ‌રિઝમમાં ફેરીને હાર્દિકને ૩૫૦ સીસીનાં ૨૦ બાઇક ખરીદવાનું કહ્યું હતું. સૌપ્રથમ બંને જણાએ ૧૦ બાઇક ખરીદવાનું નક્કી કર્યું, જેમાં ફેરીનના મિત્ર પુણેમાં છે અને તે ૩૦ ટકા ઓછામાં બાઇક આપશે તેવું હાર્દિકને કહ્યું હતું.

ફેરીનની વાત પર વિશ્વાસ કરીને હાર્દિકે અલગ અલગ જગ્યાએથી ૧૦ લાખ રૂપિયાનો બંદોબસ્ત કરી દીધો હતો અને ફેરીનને આપ્યા હતા. બંને જણા કાલુપુર સ્વા‌મિનારાયણ મંદિરમાં રૂપિયા આપવા માટે ગયા હતા. ફેરીન સ્વા‌િમનારાયણ મંદિરમાં રૂપિયા આપવા માટે ગયો ત્યારે હાર્દિક મંદિરની બહાર ઊભો હતો.

ફેરીન પરત આવ્યો અને એક અઠવા‌ડિયામાં બાઇકની ડિલિવરી લેવા માટે જવાનું છે તેમ હાર્દિકને કહ્યું હતું. ફેરીનને દાંતનો દુખાવો હોવાથી ડોક્ટર પાસે અેપોઇન્ટમેન્ટ છે તેમ જણાવીને હાર્દિકનું બાઇક લઇને તે નીકળી ગયો હતો. ફેરીન પરત નહીં આવતાં હાર્દિકે તેના મોબાઇલ ફોન પર તેનો સંપર્ક કરવાની કોશિશ કરી હતી, જેમાં તેનો ફોન સ્વિચ ઓફ આવતો હતો.

હાર્દિકના બાઇકમાં ટ્રેકર લગાવ્યું હોવાથી ફેરીનનું લોકેશન જાણવાની કોશિશ કરતાં તે નિકોલ વિસ્તારમાં હોવાની જાણ થઇ હતી. નિકોલમાં જઇને હાર્દિકે તપાસ કરતાં તેનું બાઇક ‌િબનવારસી મળી આવ્યું હતું. હાર્દિકે અલગ અલગ જગ્યાએ તપાસ કરતાં જાણવા મળ્યું કે ફેરીન મૂળ મુંબઇનો છે અને તેના પિતાએ તેને ઘરેથી કાઢી મૂક્યો છે. મ‌ણિનગર પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

You might also like