બે વર્ષની પુત્રી સામે માતાની ગળું દબાવી લૂંટારુઓએ હત્યા કરી

સુરતના કતારગામ વિસ્તારમાં લૂંટારુઓએ બે વર્ષની પુત્રી સામે જ માતાની હત્યા કરી લૂંટ ચલાવી હોવાનો ચોંકાવનારો બનાવ બન્યો છે. સાંજના સમયે માતા-પુત્રી ઘરમાં એકલાં હતાં ત્યારે કોઈ અજાણી વ્યક્તિએ ઘરમાં પ્રવેશી ગળું દબાવી હત્યા કરી નાખી હતી. કતારગામ પોલીસે ઘરકંકાસ અને અન્ય કારણોને લઇ તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ કતારગામના રણછોડનગરના બાલાજી કોમ્પ્લેક્સના ફ્લેટ નંબર ૩૦૩માં મનોજભાઈ ચોટ‌િલયા તેમનાં પત્ની રીના (ઉં.વ.ર૮), બે વર્ષની પુત્રી અને માતા-પિતા સાથે રહે છે.

ગઈ કાલે સવારે મનોજભાઈ કડિયા કામે ગયા હતા. તેમનાં માતા-પિતા વતનમાં ગયાં હતાં. દરમ્યાનમાં સાંજના સમયે જ્યારે ઘરે પરત ફર્યા ત્યારે તેમનાં પત્ની રીના રૂમમાં મૃત હાલતમાં પડ્યાં હતાં. તેમની બે વર્ષની દીકરી સહીસલામત મળી આવી હતી.

ઘરની અંદર રહેલી તિજોરી ખુલ્લી અને સામાન વેરવિખેર હાલતમાં હતો. લૂંટારુઓએ ઘરમાંથી સોનાના દાગીનાની પણ લૂંટ ચલાવી હતી. લૂંટારુએ ઘરમાંથી રૂ.૧પ હજારની રોકડ અને ૯પ હજારના સોનાના દાગીનાની લૂંટ કરી હતી.

હત્યારાએ બે વર્ષની દીકરીની સામે જ માતાની ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પતિ અને પત્ની વચ્ચે કોઈ વાતને લઈ ઝઘડો ચાલતો હતો. કતારગામ પોલીસને જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે લાશને પીએમ માટે મોકલી આપી અજાણી વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે પણ તપાસ હાથ ધરવામાં આવી છે. નજીકની કોઈ વ્યક્તિએ જ ઘરમાં ઘૂસી હત્યા કરી હોવાની પોલીસને પૂરેપૂરી શંકા લાગી રહી છે.

અમરોલીમાં મોડી રાત્રે અજાણ્યા શખસોએ યુવકની હત્યા કરી
સુરતના અમરોલી વિસ્તારમાં મોડી રાત્રે કોઇ અજાણ્યા શખસોએ યુવકની હત્યા કરી હોવાનો બનાવ બન્યો છે. અંગત અદાવતમાં યુવક પર હુમલો કરી તેની હત્યા કરી હત્યારાઓ નાસી છૂટ્યા હતા. અમરોલી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

સુરતના અમરોલી વિસ્તારમાં આવેલી આશાપુરા સોસાયટી પાસે ગઇકાલે મોડી રાત્રે કેટલાક શખસોએ યુવક પર હથિયારો વડે હુમલો કર્યો હતો જેમાં યુવકને ગંભીર ઇજા થતા તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.

અમરોલી પોલીસે હત્યારાઓને શોધવા અલગ અલગ ટીમો બનાવી છે. એક જ દિવસમાં સુરતમાં હત્યાનો બીજો બનાવ બનતા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને લઇ સવાલો ઊભા થયા છે.

You might also like