સસરાએ આપ્યો હતો સુખી લગ્નજીવનનો મંત્રઃ રેણુકા શહાણે

રેણુકા શહાણે ઘણા સમય સુધી થિયેટર, ટીવી અને ફિલ્મોના માધ્યમથી દર્શકોને લોભાવતી રહી છે. તેની સૌથી બહેતર ફિલ્મ હતી સલમાન ખાન અને માધુરી દીક્ષિત અભિનીત ‘હમ આપકે હૈ કૌન’. આ ફિલ્મમાં તે ભાભીના રોલમાં હતી અને પોતાની મોહક મુસ્કાનના કારણે આ ફિલ્મ માટે રેણુકાને હંમેશાં યાદ કરવામાં આવે છે. ઘણા સમય બાદ તે ‘થ્રી સ્ટોરીઝ’ના માધ્યમથી દર્શકો સામે આવી.

રેણુકા કહે છે કે મને જે પણ પાત્ર ભજવવાનો મોકો મળ્યો તે મેં દિલથી ભજવ્યાં. સાચું કહું તો મને ખૂબ જ સંતોષ મળ્યો. જ્યારે મેં કામ કરવાનું શરૂ કર્યું ત્યારે મારા માટે માત્ર કામ જ મહત્ત્વનું હતું. ત્યારબાદ હું લગ્ન, પરિવાર અને બાળકોમાં વ્યસ્ત થઇ ગઇ. મને ખુશી છે કે મેં પારિવારિક જવાબદારીને લઇ ક્યારેય કોઇ સમજૂતી કરી નથી. ટીવી પર લોકોએ મને ખૂબ જ પ્રેમ આપ્યો અને ફિલ્મમાં મારા કામને વખાણ્યું.

‘થ્રી સ્ટોરીઝ’ના સેટ પર જ્યારે રેણુકા સફેદ વાળ સાથે ગઇ ત્યારે શરૂઆતમાં કોઇએ તેને ઓળખી નહીં, પરંતુ જેવી તેણે વાતચીત કરવાની શરૂ કરી ત્યારની એક મુસ્કાને તેની પોલ ખોલી દીધી અને ત્યારે બધાંએ તેને ઓળખી. રેણુકા કહે છે કે મને ખુશી છે કે લોકોએ મારી મુસ્કાનના કારણે મને ઓળખી. ઉલ્લેખનીય છે કે રેણુકા શહાણેએ આશુતોષ રાણા સાથે લગ્ન કર્યાં છે.

રેણુકાને હાલમાં શૌર્યમન અને સત્યેન્દ્ર નામના બે પુત્ર છે. લગ્ન બાદ રેણુકાએ ફિલ્મોમાં કામ કરવાનું છોડી દીધું. તેનો મોટો પુત્ર ૧૫ વર્ષનો, જ્યારે નાનો પુત્ર આઠ વર્ષનો છે. સફળ લગ્નજીવનનો મંત્ર જણાવતાં રેણુકા કહે છે કે મારા સસરાએ મને એક મંત્ર આપ્યો હતો કે પતિ-પત્નીમાં ચર્ચા થાય તો તેને આગળ ન વધારવી જોઇએ, જેનો તર્ક વધુ સારો હોય તે એકબીજાએ માની લેવો જોઇએ.

તેની સાથે-સાથે પોતાના વિચારો વ્યક્ત કરવામાં ક્યારેય સંકોચ ન કરવો જોઇએ. મેં આ વાતની ગાંઠ બાંધી લીધી. જ્યારે પણ મારી અને આશુતોષ વચ્ચે ઉગ્ર ચર્ચા થાય ત્યારે હું ચૂપ રહું છું. શાંત થતાં અમે બંને વાતચીતના માધ્યમથી તે બધું સૂલઝાવી લઇએ છીએ. પતિ-પત્નીએ એકબીજાનું સન્માન કરવું જોઇએ તો જ આ સંબંધ લાંબો ચાલી શકે છે. •

You might also like