પત્ની પરિવારની અસલી કેરટેકર સુપ્રીમ કોર્ટનો મહત્ત્વનો ચુકાદો

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે દહેજના અેક કેસમાં મહિલાની અરજી પર કેસને ફરી એકવાર હાઈકોર્ટમાં મોકલી દીધો છે અને હાઈકોર્ટને તેની પર ફરી વખત સુનાવણી કરવાના અાદેશ અાપ્યા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ભારતીય સમાજમાં મહિલાઅો પત્ની તરીકે પોતાના પરિવારની અસલી કેરટેકર માનવામાં અાવે છે.
ખાસ કરીને તે પોતાના પતિની કેરટેકર માનવામાં અાવે છે. જ્યારે મહિલા ઉપર અત્યાચાર થાય છે કે તેને હેરાન કરવામાં અાવે છે તો પરિસ્થિતિ ખૂબ ખરાબ બની જાય છે. નીચલી કોર્ટે મહિલાના પતિને દહેજના કેસમાં દોષી ગણાવતાં તેને સારા વ્યવહારની શરત પર છોડી દીધો હતો.
પંજાબ-હરિયાણા હાઈકોર્ટમાં મહિલાઅે નીચલી કોર્ટના ચુકાદાને પડકાર્યો હતો. જેને હાઈકોર્ટે ફગાવી દીધો. ત્યારબાદ અા કેસ સુપ્રીમ કોર્ટની સામે અાવ્યો. કેસમાં પત્નીઅે પતિ પર દહેજ માટે હેરાન કરવાનો અાક્ષેપ કર્યો હતો. મહિલાઅે શરૂઅાતમાં પતિ અને સાસુ સામે કેસ કર્યો હતો.
કપૂરથલાના મેજિસ્ટ્રેટની કોર્ટે ૩૦ જુલાઈ ૨૦૦૭ના રોજ મહિલાના પતિને દહેજ કેસમાં દોષી ગણાવતાં એક વર્ષની જેલની સજા ફટકારી હતી અને સાસુને મુક્ત કર્યા હતા. ત્યારબાદ મહિલા તરફથી સાસને મુક્ત કરવા સામે અને પતિની સજાને વધારવા સામે સેશન કોર્ટમાં અરજી દાખલ કરાઈ હતી. સેશન કોર્ટે અા અરજી ફગાવી દીધી હતી. અા દરમિયાન મહિલાના પતિઅે સેશન કોર્ટમાં અરજી કરી કે તેમની સરકારી નોકરી છે અને તેમનો વ્યવહાર સારો છે તો તેમને જેલ ન મોકલવા. કેમ કે તેના કારણે તેમની નોકરી ચાલી જશે.
સેશન કોર્ટે ૧૬ ડિસેમ્બર ૨૦૧૦ના રોજ પતિને દહેજના કેસમાં દોષી માનીને તેને સારા વ્યવહારની શરતે છોડી દીધો. અને ૨૫ હજાર રૂપિયાના બોન્ડ ફરવાનું કહ્યું. ત્યારબાદ મહિલાઅે હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો પરંતુ હાઈકોર્ટે તેની અરજી ફગાવી. કેસ સુપ્રીમ કોર્ટમાં અાવ્યો. મહિલાની દલીલ હતી કે તેના પતિને સજા અાપવામાં કોર્ટે નરમ ન પડવું. સુપ્રીમે કહ્યું કે અા કેસ દહેજનો છે અને પતિ દોષી છે. હાઈકોર્ટનું એમ વિચારવું યોગ્ય નથી કે પતિને છોડી દેતાં તેની ફેમિલી લાઈફ બચી શકે છે. અા કેસમાં અપાયેલા ચુકાદા પર ફરી વિચારવાની જરૂર છે.

You might also like