ગુજરાતના ઈતિહાસમાં હાલની ભાજપ સરકાર સૌથી ભ્રષ્ટઃ ભરતસિંહ સોલંકી

અમદાવાદ: નાગરિકોના હક્ક-અધિકારની જાળવણી તેમજ રાજ્યના સંતુલિત વિકાસ અને નવસર્જન ગુજરાત માટે મતદારોને કોંગ્રેસના ઉમેદવારોને જીતાડવા માટે પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જાહેર અપીલ કરી જણાવ્યું હતું કે ગુજરાતના ઈતિહાસમાં ભાજપ સરકાર સૌથી ભ્રષ્ટ સરકાર છે. ભાજપના શાસકોના ગેરવહીવટ, બિનઆયોજન, ભ્રષ્ટાચારી વલણ અને બેફામ મોંઘવારીથી પરેશાન નાગરિકોને શહેરમાં પાયાગત સુવિધા મળે, જાહેરાતોને બદલે જાહેર હીતનું શાસન આપવા કોંગ્રેસ પક્ષ પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું હતું.

સોલંકીએ પત્રકાર પરિષદને સંબોધતાં જણાવ્યું હતું કે રાજ્યના નાગરિકો-જનતા જનાર્દન કોંગ્રેસ પક્ષને જન આશીર્વાદ-જન સમર્થન આપી રહ્યા છે. પરિણામે ભાજપ તેના ચૂંટણી પ્રચારમાં મનફાવે તેવા નાટક કરી રહ્યા છે. વિકાસના મુદ્દે મત માંગનાર ભાજપના શાસકો પાણી, રસ્તા, ગટર જેવી પાયાગત સુવિધાઓ આપવામાં નિષ્ફળ ગઈ છે તેમ છતાં શહેરી નાગરિકો ઉપર ૧૦૦થી ૩૦૦ ટકા ટેક્સના દરમાં ધરખમ વધારો કર્યો છે. શહેરી નાગરિકોને આપેલા મોટા મોટા વચનો અને વાયદાઓનો ભાજપે કોઈ અમલ ન કર્યો, જેને પરિણામે શહેરી નાગરિકો હેરાન પરેશાન થયા છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે કેન્દ્રમાં કોંગ્રેસ યુપીએ સરકારે ગુજરાતને ર૦૦૪થી ર૦૧૪ સુધીના સમયમાં શહેરી વિકાસ માટે રૃ. ૧૦,૦૦૦ કરોડ કરતાં વધુની રકમ વિવિધ યોજનાઓ હેઠળ આપી હતી. તેમજ રાજ્યના રસ્તાઓ માટે રૃ. ર૭,૦૦૦ કરોડ જેવી માતબર રકમની ગ્રાન્ટ ફાળવીને રાજ્યમાં ગ્રામ્ય અને શહેર માટેના રોડ નેટવર્ક ઉપલબ્ધ કરાવ્યું. વડાપ્રધાન ગ્રામ સડક યોજના હેઠળ કરોડો રૃપિયાની ફાળવણી કરી હતી. કેન્દ્રની કોંગ્રેસ-યુપીએની સરકારે ઊર્જા મંત્રાલય દ્વારા ગુજરાતને રૃ. પ૦,૦૦૦ કરોડ રૃપિયા જેટલી માતબર ગ્રાન્ટ ફાળવી હતી. જ્યારે ગુજરાતની ભાજપ સરકારે નાગરિકોને લાભ આપવાના બદલે ખાનગી વીજ કંપનીઓને લાભ થાય તે માટે સરકારી વીજ ઉત્પાદનમાં ઘટાડો કર્યો છે. દેશમાં ગુજરાત એક એવું રાજ્ય છે કે જ્યાં ભાજપના શાસકો નાગરિકો અને ખેડૂતોને સૌથી મોઘી વીજળી આપે છે.

તેમણે જણાવ્યું હતું કે ભાજપ સરકાર અમદાવાદને મેગા સિટી અને રિવરફ્રન્ટ માટે વિકાસના દાવાઓ કરે છે તે મેગાસિટીનો દરજ્જો કોંગ્રેસના શાસન દરમિયાન મળ્યો હતો. જ્યારે રિવરફ્રન્ટનું ભૂમિપૂજન કોંગ્રેસના તત્કાલિન મેયર હિંમતસિંહ પટેલના સમયમાં કરાયું હતું. ભાજપ સરકાર વીજળી ઉત્પાદન અને વહેંચણીમાં કરોડો રૃપિયાનો ભ્રષ્ટાચાર કરી રહી છે. શિક્ષણ અને આરોગ્ય સેવાઓ કથળી ગઈ છે. અબજો રૂપિયાના એમઓયુ થયાના દાવાઓ થાય છે અને લાખોની રોજગારીની વાતો થાય છે. પરંતુ ગુજરાતમાં લાખો શિક્ષિત યુવાનો બેરોજગારીનો ભોગ બની રહ્યા છે.પાંચ લાખથી વધુ યુવાનોનું ફિક્સ પગારના નામે સરકાર શોષણ કરી રહી છે.

પૂર્વ પ્રદેશ પ્રમુખ સિદ્ધાર્થ પટેલે જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષ દ્વારા શહેરી નાગરિકોની સુવિધા માટે ટેક્સ ફોર્મ્યુલામાં મૂલ્યાંકન, ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે પબ્લિક સર્વિસ ટ્રાન્સપોર્ટ મજબૂત કરવા સહિતના શહેરના સર્વાંગી વિકાસ માટે કોંગ્રેસ પ્રતિબદ્ધ છે તેમ જણાવ્યું હતું.  શહેર કોંગ્રેસ પ્રમુખ ચેતન રાવલે જણાવ્યું હતું કે દરેક ચૂંટણીમાં અલગ અલગ વાયદા કરનારા ભાજપના શાસકોએ શહેરના નાગરિકો પાસેથી કરોડો રૃપિયાનો ટેક્સ ઉઘરાવ્યો તેનો હિસાબ આપે તે જરૃરી છે. ભાજપના શાસકોના ગેરવહીવટ, બિનઆયોજન અને મોંઘવારીના મારથી ત્રસ્ત થઈ ગયા છે.

You might also like