મોદીને કારણે પાક.માં ગમે તે ઘડીએ સત્તા પલટોઃ સેના સત્તા કબજે કરશે?

ઇસ્લામાબાદ: ભારતમાં નરેન્દ્ર મોદી સત્તારૂઢ થયા બાદ પાકિસ્તાન સરકારનું વલણ હિન્દુસ્તાન માટે આંશિક રીતે પણ બદલાયું છે. જોકે બંને દેશોની મૈત્રીથી પાકિસ્તાન લશ્કર ખૂબ નારાજ છે. આ જ કારણસર થોડા સમય પહેલાં પાકિસ્તાની લશ્કરે ગૃહપ્રધાનને બાદ કરતાં સમગ્ર કેબિનેટને રાવલપિંડી સ્થિત પોતાના મિલિટરી જનરલ હેડ ક્વાર્ટરમાં બોલાવી હતી. છેલ્લા કેટલાક સમયથી લશ્કરની દરમિયાનગીરી સરકારમાં વધી ગઈ છે.
સમગ્ર કેબિનેટને બોલાવવાની લશ્કરની કાર્યવાહી બતાવે છે કે હવે પાકિસ્તાનમાં મહત્ત્વના નિર્ણયો લશ્કર લઈ રહ્યું છે, નહીં કે ચૂંટાયેલી સરકાર. સરકાર પર લશ્કરનું અાધિપત્ય સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. આ બેઠકમાં દેશની બાહ્ય સુરક્ષા અને સિક્યોરિટી સાથે સંકળાયેલી બાબતો પર ચર્ચા થઈ હતી. આ ચર્ચામાં ગૃહ મંત્રાલયને સામેલ કરવામાં આવ્યું ન હતું.
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સક્રિયતા સાથે અમેરિકા અને પશ્ચિમ એશિયામાં વધતા જતા તેમના રસને લઈને પાકિસ્તાનમાં નવાઝ શરીફ સરકાર સામે પ્રશ્નો ઊભા થવા લાગ્યા છે. નવાઝ શરીફની વિદેશ નીતિ નિષ્ફળ પુરવાર થઈ રહી છે. આ સંજોગોમાં હવે એવું કહેવાય છે કે ભારત સાથેની મૈત્રીથી પાકના લશ્કરી વડા નારાજ છે અને હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સક્રિયતાને કારણે પાકિસ્તાનમાં ગમે ત્યારે સત્તાપલટો થઈ શકે છે અને લશ્કર સત્તા પર કબજો જમાવી શકે છે. જોકે લશ્કરની વધતી જતી દખલગીરી વચ્ચે નવાઝ શરીફના વિદેશી બાબતોના સલાહકાર સરતાજ અઝીઝે સાંસદો સમક્ષ ખુલાસો હતો કે વિદેશ નીતિમાં લશ્કરની કોઈ દખલગીરી નથી.

You might also like