યુદ્ધમાં પીછેહઠ કર્યા વગર આગળ વધવું તે ગીતાનો સંદેશ

શ્રીમદ્ ભગવદ્ગીતા સનાતન હિંદુ ધર્મનો આ ધર્મગ્રંથ વૈદિક ધર્મશાસ્ત્રમાં સૌથી જાણીતું શાસ્ત્ર છે. માગશર સુદ એકાદશી આ અતુલ્ય ગ્રંથની જન્મ જયંતી તરીકે ઊજવાય છે. દુનિયામાં આ એક જ ગ્રંથ એવો છે કે જેની જન્મ જયંતી ઊજવાય છે. દુનિયાની એકેય ભાષા બાકી રહી નથી કે જેમાં આ મહાગ્રંથનો અનુવાદ ન થયો હોય.

આ વસ્તુ જ આ ગ્રંથની શ્રેષ્ઠતા સાબિત કરે છે જે આપણા માટે ગર્વની વાત છે. સ્વાભાવિકપણે એવો પ્રશ્ન થાય કે આ અતુલ્ય ગ્રંથમાં એવું તે શું ભર્યું છે કે આખી દુનિયાને તેનું આકર્ષણ છે. આ ગ્રંથનું જ્ઞાન જેમની જીભ પરથી વહેતું થયેલું તે મહાપુરુષ વિશે થોડી વાત કરી લઇએ.

આ મહાપુરુષ એટલે શ્રીકૃષ્ણ. એક કળી ન શકાય એવું અકળ વિરાટ વ્યક્તિત્વ. જગતમાં આ એક જ મહાપુરુષ એવા છે કે જેમના વિશે લખાયું છે વધુમાં વધુ, પરંતુ દુ:ખની વાત એ છે કે શ્રીકૃષ્ણને સમજી શક્યા ખૂબ જ ઓછા લોકો. શ્રીકૃષ્ણ વિશે ઘણું ઘસાતું લખાયું છે તો પણ તેની સામે ઘણુંય અતિ ઉત્તમ અને ગર્વપૂર્ણ પણ લખાયું છે. ભગવદ્ ગીતા સમજતાં પહેલાં શ્રીકૃષ્ણને સમજવા ખૂબ જ જરૂરી છે, કારણ કે શ્રીકૃષ્ણ જ ભગવદ્ ગીતાના જન્મદાતા છે.

ગીતામાં કુલ ૧૮ અધ્યાય અને ૭૦૦ સંસ્કૃત શ્લોકો છે. પૂરી ગીતા થોડા શ્લોકોના અપવાદ સિવાય અનુષ્ટુપ છંદમાં છે. ગીતાનો સમયકાળ આશરે ઇ.સ. પૂર્વે ૩૦૬૬ માનવામાં આવે છે.

ગીતામાં અર્જુન માનવનું પ્રતિનિધિત્વ કરે છે અને માનવ તરફથી ભગવાન કૃષ્ણને જીવનને લગતા વિવિધ પ્રશ્નો કરે છે. ગીતા મુજબ માનવજીવન એક યુદ્ધ છે જેમાં દરેકે લડવું પડે છે. અને યુદ્ધમાં પીછેહઠ કર્યા વગર આગળ વધવું તે ગીતાનો સંદેશ છે.

ગીતાના અઢારમાં અધ્યાયના અંતે ભગવાન કહે છે કે સાચો માર્ગ શું છે તે મેં તને બતાવ્યું હવે તારે જે પ્રમાણે વર્તવું હોય તે મુજબ કર. આમ ગીતા કોઇ સામાન્ય ધર્મ ગ્રંથની જેમ કશું કરવા માટે આગ્રહ કરતી નથી પરંતુ સાચો માર્ગ બતાવી માનવને બુદ્ધિની સ્વતંત્રતા આપે છે.

પૂ. ગાંધી બાપુને ગીતાના આ ઉપદેશમાં અહિંસાનાં દર્શન થયાં હતાં. લોકમાન્ય તિલકને જગતની તમામ સમસ્યાઓનો ઉકેલ ભગવદ્ગીતામાં દેખાયો હતો. પૂ. વિનોબાજી ગીતાને ‘મોહનિરાકરણ ગ્રંથ’ તરીકે ઓળખાવે છે. તે આજના સંદર્ભમાં અર્થસભર છે. ઓશો રજનીશજી ભગવદ્ગીતાને સ્વધર્મ સમજવાની ચાવી તરીકે ગણે છે.

શ્રીકૃષ્ણે ગીતામાં જે વાત પર વધુ ભાર મૂક્યો છે તે સ્વધર્મ અને તેમાં સમજપૂર્વક પ્રવૃત્ત થવામાં જ મૂક્યો છે. આ બે તત્ત્વો આપણે પામી શકીએ તો જીવનના ઘણા ખરા પ્રશ્નો સરળતાથી હલ થઇ જાય. કારણ કે આ બે તત્ત્વો સાથે તેનું વ્યવહારુ મૂલ્ય પણ રહેલું છે. ભગવદ્ગીતામાં શ્રીકૃષ્ણે આ વહેવારુ મૂલ્યને સમજવાની જ વિસ્તૃતપૂર્વક વાત કરી છે.

ભગવદ્ગીતાનાં દર્શન વિશે જેટલું પણ લખાય તેટલું પણ ઘણું ઓછું છે. ગીતાનું આકર્ષણ આવનારી પેઢીઓ પર પણ સદીઓ સુધી રહેવાનું જ. આ અનુપમ ગ્રંથ કોઇ એક સંપ્રદાયનો ગ્રંથ નથી પરંતુ તેને એક બિનસાંપ્રદાયિક ગ્રંથ કહેવો વધુ સુયોગ્ય છે. આવો જીવનવ્યવહારુ મૂલ્યોનો અદભુત ગ્રંથ આપવા બદલ આપણે સૌ મહર્ષિ વેદવ્યાસના ઋણી છીએ.

You might also like