ભારતી ઈન્ફ્રાટેલ-ઈન્ડસ ટાવરનું મર્જર, દુનિયાની સૌથી મોટી ટેલિકોમ ટાવર કંપની બનશે

મુંબઇ: ભારતી ઇન્ફ્રાટેલ અને ઈન્ડસ ટાવરના વિલિનીકરણથી આ કંપની દુનિયાની સૌથી મોટી ટેલિકોમ ટાવર કંપની બની જશે, જેની કિંમત ૯૬૫ અબજ રૂપિયા થઇ જશે. નવી કંપની દેશમાં ૨૨ સર્કલમાં કાર્યરત રહેશે. કંપની પાસે ૧,૬૩,૦૦૦ ટાવર હશે. મર્જરના સોદામાં ઇન્ડસ ટાવરની કિંમત ૭૧૫ અબજ રૂપિયાની લગાવવામાં આવી છે.

કંપનીમાં એરટેલ અને વોડાફોનની ૪૨-૪૨ ટકાની ભાગીદારી છે. આ સિવાય આઇડિયા સેલ્યુલરની ૧૧.૧૫ ટકા, જ્યારે પ્રોવિડેન્સની ૪.૮૫ ટકા ભાગીદારી છે. આઈડિયા પોતાની પૂરી ભાગીદારી ૬૫ અબજ રૂપિયામાં વેચી શકે છે અથવા તો મર્જર બાદ બનનારી કંપનીમાં નવા શેર લઇ શકે છે.

વોડાફોન ઇન્ડસ ટાવરમાં પોતાની હિસ્સેદારીના બદલામાં ૭૮.૩૧ કરોડના નવા શેર બહાર પાડી શકે છે, જ્યારે પ્રોવિડેન્સની પાસે પોતાની ૩.૩૫ ટકાની ભાગીદારી માટે રોકડ અથવા શેર પ્રાપ્ત કરવાનો વિકલ્પ રહેશે. વિલયની પ્રક્રિયા નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ના વર્ષમાં પૂરી થવા સંભાવના છે.

આઇડિયા અને પ્રોવિડેન્સ બંને કંપનીઓ પોતાની ભાગીદારી વેચે છે તો નવી કંપનીમાં એરટેલનો સૌથી મોટો હિસ્સો હશે. ક્રેડિટ સુઇસના જણાવ્યા પ્રમાણે આ સોદામાં તાત્કાલિક ફાયદો એ થશે કે કંપનીને ટેક્સની મોટી બચત થશે. હાલ ઇન્ડસ ટાવરને વાર્ષિક પાંચ અબજ ટેક્સનું ચુકવણું કરવું પડી રહ્યું છે.

કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે રિલાયન્સ જિયો આવ્યા બાદ ટેલિકોમ સેક્ટરમાં પ્રાઇસ વોર છેડાયું છે અને તેના કારણે કંપનીઓએ મર્જરની નીતિ-રીતિ અપનાવવી પડી રહી છે. ભારતી ઇન્ફ્રાટેલ અને ઇન્ડસ ટાવરના મર્જર બાદ ટેલિકોમ ટાવર સેક્ટરમાં માત્ર ત્રણ મોટી કંપની અને બીએસએનએલ રહી જશે.

આ અગાઉ આ ક્ષેત્રે નવ કંપનીઓ કાર્યરત હતી. ઉલ્લેખનીય છે કે ટેલિકોમ સેક્ટરમાં રિલાયન્સ જિયો આવ્યા બાદ મોટી ઊથલપાથલ જોવા મળી હતી અને તેના કારણે કંપનીઓના માર્જિનમાં પણ ઘટાડો થયો હતો. ભારતી એરટેલ કંપનીના પ્રોફિટમાં પણ જોરદાર ઘટાડો નોંધાતો જોવાયો હતો.

You might also like