બે દિવસમાં અમદાવાદ શહેરમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર થશે

(પ્રતિનિધિ દ્વારા)
અમદાવાદ: શહેરમાં હોળી-ધુળેટીના તહેવારો બાદથી ગરમીમાં વધારો થઇ રહ્યો છે. લાંબા સમયથી શહેરીજનો સવારે ઠંડી, બપોરે ગરમી અને રાત્રે પાછી ઠંડી એમ ત્રેવડી સિઝનનો તો કયારેક સવારે વાદળછાયું વાતાવરણ એમ મિશ્ર હવામાનથી પરેશાન હતા. આ પ્રકારના વાતાવરણથી ઘાતક સ્વાઇન ફલૂમાં ચિંતાજનક રીતે ઉછાળો નોંધાયો હતો.

તો શરદી-ઉધરસના વાઇરલ ઇન્ફેકશનના કેસ પણ ઘરે ઘરે જોવા મળ્યા હતા, પરંતુ હવે ગરમીની તીવ્રતામાં વૃદ્ધિ થવાથી સ્વાઇન ફલૂના કેસમાં ઘટાડો થશે તેવી શકયતા વચ્ચે આગામી ૪૮ કલાકમાં શહેરમાં ગરમીનો પારો ૪૦ ડિગ્રીની પાર થવાની પણ સંભાવના હવામાન વિભાગ દ્વારા દર્શાવાઇ છે.

અમદાવાદમાં ગઇ કાલે ૩૭.૯ ‌ડિગ્રી સેલ્સિયશ મહત્તમ તાપમાન નોંધાયું હતું કે જે સામાન્ય કરતાં એક ડિગ્રી વધું હતું. આજે સવારે રર.૬ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું કે જે સામાન્ય કરતાં બે ડિગ્રી વધુ હતું. આમ હવે શહેરમાં મહત્તમ અને લઘુતમ એમ બંને તાપમાનમાં વધારો થઇ રહ્યો હોઇ આ બાબત સ્પષ્ટ રીતે સૂચવે છે કે ઉનાળાની કાળઝાળ ગરમીના દિવસો આવી પહોંચ્યા છે.

આ ગરમીની તીવ્રતામાં આગામી બે દિવસમાં સતત વૃદ્ધિ થઇને ૪૦ ડિગ્રીની ઉપર જઇને મહત્તમ તાપમાનનો પારો જઇને અટકે તેવી આગાહી સ્થાનિક હવામાન વિભાગ દ્વારા કરાઇ છે. જ્યારે રાજ્યના સૌરાષ્ટ્ર-કચ્છ અને દ‌ક્ષિણ ગુજરાતમાં હજુ ૪૮ કલાક હિટવેવ રહેશે તેમ પણ હવામાન વિભાગની કચેરીનાં સૂત્રો જણાવે છે.

સૌરાષ્ટ્રના પોરબંદર, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ભાવનગર જિલ્લામાં, કચ્છ અને દ‌િક્ષણ ગુજરાતના સુરત અને વલસાડ જિલ્લામાં આ હિટવેવની અસર રહેશે.

You might also like