વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા હેઠળ આવનારા આ તમામ વર્ગ માટે હવે ગુમાસ્તાધારાનું સર્ટિફીકેટ ઓનલાઇન મળતું થયું છે.

શહેરના સિટી સિવિક સેન્ટરમાં નાગરિકોને જન્મ-મરણના સર્ટિફિકેટ ઉપરાંત ગુમાસ્તા ધારાનું સર્ટિફિકેટ વગેરે આપવાની સુવિધા મળે છે પરંતુ અનેકવાર સિવિધ સેન્ટરમાં સર્વરની ખાલી મર્યાદીત ઓફિસ અવર્સ કે અપૂરતો સ્ટાફ વગેરેના કારણે અરજદારોના કામ ટલ્લે ચઢે છે.

સિવિક સેન્ટરમાં એએમટીએસના સિટી બસ પાસ, સ્વીમીંગ પુલ ફી સ્વીકારવી જેવી અન્ય બાબતોને પણ આવરી લેવાઇ હોઇ અરજદારોની ભીડ જોવા મળે છે. આ સંજોગોમાં કેટલાક અરજદાર અન્ય અગત્યના કામમાં વિલંબ થવાના કારણે સિવિક સેન્ટરમાં વધુ સમય રોકાઇ શકતા નથી અને તેઓને નિરાશ થઇને પરત જવું પડે છે.

જો કે તંત્ર દ્વારા સ્માર્ટ સિટી મિશન હેઠળ નાગરિકોને ઘરે બેઠા વિવિધ સુવિધા પુરી પાડવા આયોજન હાથ ધરાતા નવા નવા આયોજન હેઠળ હવે ગુમાસ્તારા અંતગર્ત આવનારી વેપારી પેઢીઓ, દુકાનો, થિયેટરો કે હોટલો જેવા વ્યવસાયકારોએ ગુમાસ્તાધારાનું સર્ટિફીકેટ લેવા માટે છેક સિવિક સેન્ટર સુધી દોડવું નહી પડે. આ વર્ગને ઘરે કે પેઢી-દુકાનમાં બેઠા બેઠા ગુમાસ્તાધારાનું સર્ટિફીકેટ ઓનલાઇન મળી શકશે.

તાજેતરમાં તંત્ર દ્વારા ગુમાસ્તાધારા સર્ટિફીકેટ મેળવવાની ઓનલાઇન સેવા શરૂ કરાઇ છે. જે અંતગર્ત મ્યુનિસિપલ કોર્પોરેશનની સત્તાવાર વેબસાઇટ www.ahmedabadcity.gov.in પર ગુમાસ્તાધારા સર્ટિફીકેટ મેળવવા માટે અરજદાર ઓનલાઇન અરજી કરી શકશે. આ અરજી યોગ્ય છણાવટના બાદ વાર્ષિક રૂ.૬૦ની લાયસન્સ ફી ભરનારા અરજદારને ગુમાસ્તાધારા સર્ટિફીકેટની પીડીએફ ઘરે બેઠા મળી જશે.

સત્તાવાળાઓ દ્વારા બેન્કમાં ખાતુ ખોલાવવા માટે વેપારીવર્ગ માટે આવશ્યક ગણાતા ગુમાસ્તાધારા સર્ટિફીકેટમાં અરજદારો માટે હાલ પુરતી એક વર્ષની લાયસન્સ ફી સ્વીકારવાની ઓનલાઇન સુવિધા શરૂ કરાઇ છે. આગામી દિવસોમાં રિન્યુઅલ ફીની ઓનલાઇન વસુલાત કરીને અરજદારને ગુમાસ્તાધારા હેઠળ રિન્યુઅલ સર્ટિફીકેટ આપવાની દિશામાં આયોજન તંત્ર દ્વારા કરાઇ રહ્યું છે.

You might also like