ભારત-અમેરિકાના વિદેશ અને સંરક્ષણ પ્રધાનો વચ્ચે 2+2 બેઠકનું આયોજન

નવી દિલ્હી: ભારત અને અમેરિકા વચ્ચે પ્રથમ વખત ર+ર વાટાઘાટ આજે યોજાશે. બંને દેશોના વિદેશ અને સંરક્ષણ પ્રધાનો વચ્ચે આજે આ વાતચીત યોજાશે. આ વાટાઘાટમાં ભાગ લેવા માટે અમેરિકાના વિદેશ મંત્રી માઇમ પોમ્પિયો અને સંરક્ષણ મંત્રી જેમ્સ મેટીસ બુધવારે સાંજે નવી દિલ્હી આવી પહોંચ્યા હતા.

ભારતમાં આગમન પહેલાં પોમ્પિયોએ જણાવ્યું હતું કે આ વાતચીત ભારત અને રશિયાના મિસાઇલ સોદા અને ઇરાનથી ઓઇલ આયાત કરવાના મુદ્દે થઇ શકે છે, પરંતુ તેના પર વધુ ભાર મૂકવામાં આવશે નહીં. આજની આ 2+2 વાટાઘાટમાં આતંકવાદ, સંરક્ષણ સહયોગ અને વેપાર જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા થશે.

આ ઉપરાંત બંને દેશો પાકિસ્તાનની નવી સરકાર, એચ-વનબી વિઝા પ્રોસિજરમાં ફેરફાર જેવા મુદ્દે પણ વાતચીત કરી શકે છે. બંને દેશો ઘણા લાંબા સમયથી પડતર મામલા અને સંચાર-સુરક્ષા સમજૂતી (સીઓએમસીએએસએ) પર સંમતિ સધાઇ શકે છે. સીઓએમસીએએસએ દ્વારા ભારતીય સેનાને મહત્ત્વની અમેરિકન આર્મી ટેકનોલોજી પ્રાપ્ત કરવામાં સહાયભૂત થશે.

સૌ પહેલાં વિદેશ પ્રધાન સુષમા સ્વરાજની પોમ્પિયો સાથે અને સંરક્ષણ પ્રધાન સીતારમનની જેમ્સ મેટીસ સાથે અલગ અલગ વાતચીત યોજાશે. ત્યાર બાદ બંને દેશોના વિદેશ પ્રધાનો અને સંરક્ષણ પ્રધાનો ર+ર બેઠક યોજશે. લંચ બાદ સુષમા સ્વરાજ, સીતારમન, પોમ્પિયો અને મેટીસ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત કરશે. પોમ્પિયો આજે સાંજે જ અમેરિકા જવા રવાના થશે. જ્યારે મેટીસ શુક્રવારે સવારે અમેરિકા જવા રવાના થશે.

જૂન-ર૦૧૭માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે વ્હાઇટ હાઉસમાં મુલાકાત યોજાઇ હતી અને ત્યારે નક્કી થયું હતું કે દ્વિપક્ષીય સહયોગ હેઠળ સંરક્ષણ, ટેકનોલોજી અને બિઝનેસ પહેલ જેવા મુદ્દાઓ પર વાતચીત કરવા બંને દેશો બે વખત બેઠક યોજશે.

You might also like