ત્રીજા ત્રિમાસિક સમયગાળાનાં પરિણામ પર બજારની નજર રહેશે

શેરબજારે વર્ષ ૨૦૧૬માં એન્ટ્રી મારી છે. કેલેન્ડર વર્ષ ૨૦૧૫ શેરબજારના રોકાણકારો માટે નબળું રહ્યું હતું જ્યારે ગઇ કાલે પ્રથમ દિવસે બજારમાં ભલે નીચા ગેપથી શરૂઆત થઇ હોય, પરંતુ છેલ્લે સુધારે બંધ થયું હતું. નિફ્ટી ૧૬.૮૫ પોઇન્ટના સુધારે ૭,૯૫૦ પોઇન્ટની ઉપર ૭,૯૬૩ની સપાટીએ બંધ જોવાઇ હતી. બજારની નજર નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬ના ત્રીજા ત્રિમાસિક સમયગાળાનાં પરિણામો પર મંડાયેલી રહેશે.

સરકારે બજેટની તૈયારીઓ શરૂ કરી દીધી છે ત્યારે આગામી સપ્તાહે વિવિધ સેક્ટરના અગ્રણીઓ સાથે નાણાં વિભાગ ચર્ચા કરી શકે છે. સરકાર આગામી બજેટમાં કયા સેક્ટરને રાહત આપે છે તેના ઉપર પણ બજારની નજર રહેશે. ખાસ કરીને રેલવે, ડિફેન્સ સેક્ટરના શેર્સમાં સુધારા તરફી ચાલ જોવાઇ શકે છે તેવો મત શેરબજારના નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.

ડિસેમ્બર મહિનાના ઓટોમોબાઇલ સેક્ટરના ડેટા બજારની અપેક્ષા કરતાં સારા આવ્યા છે ત્યારે આગામી સપ્તાહે ઓટોમોબાઇલ સેક્ટરના શેર્સમાં પણ કરંટ જોવાઇ શકે છે. નિફ્ટી છેલ્લે ૭,૯૫૦ની ઉપર બંધ જોવાઇ હતી. બજારનું સેન્ટિમેન્ટ જોતાં ૮,૦૦૦ની સપાટી ક્રોસ કરે તો ૮,૧૦૦ની સપાટીએ પણ જોવાઇ શકે છે.

જાણકારોના જણાવ્યા પ્રમાણે શેરબજારમાં ધીમો પણ મજબૂત સુધારો જોવાઇ શકે છે. ત્રીજા ત્રિમાસિક સમયગાળાનાં પરિણામોને લઇને સ્ટોક્સ સ્પેસિફિક મૂવમેન્ટ જોવાય તેવી શક્યતા છે.

You might also like