શેરબજારની માર્કેટ કેપમાં બે લાખ કરોડનો ઘટાડો નોંધાયો

અમદાવાદ: આજે શરૂઆતે સેન્સેક્સમાં ૫૦૦ પોઇન્ટનો કડાકો જોવાઇ ગયો હતો, જેના પગલે બીએસઇની માર્કેટ કેપ પણ બે લાખ કરોડથી વધુ તૂટી હતી. આજે શરૂઆતે બીએસઇની માર્કેટ કેપમાં ૨,૪૭,૦૧૩ કરોડનો ઘટાડો નોંધાયો હતો. પાછલા સપ્તાહે છેલ્લે ૧,૪૮,૫૪,૪૫૨ કરોડની જોવાઇ હતી, જે આજે શરૂઆતે ઘટીને ૧,૪૬,૦૭,૪૩૯ કરોડ થઇ ગઇ છે.

શેરબજારમાં પાછલાં સપ્તાહે ૨.૫ ટકાથી વધુનો ઘટાડો આવતાં અગ્રણી કંપનીની માર્કેટ કેપમાં પણ જોરદાર ઘટાડો નોંધાયો હતો. અગ્રણી દસ કંપનીમાંથી સાત કંપનીની માર્કેટ કેપમાં ૯૮,૫૩૦ કરોડનો ઘટાડો આવ્યો હતો. જેમાં સૌથી વધુ નુકસાન રિલાયન્સ અને ઓએનજીસી કંપનીને થયું હતું.

રિલાયન્સ કંપનીની માર્કેટ કેપમાં રૂ. ૩૭,૨૫૬ કરોડનો ઘટાડો નોંધાઇ રૂ. ૫,૭૩,૬૮૨ કરોડની સપાટીએ પહોંચી ગઇ હતી, જ્યારે ટીસીએસની માર્કેટ કેપમાં પાછલા સપ્તાહે રૂ. ૫,૯૯૧.૭૨ કરોડનો સુધારો નોંધાઇ રૂ. ૬,૦૨,૮૩૭.૮૮ કરોડની સપાટીએ પહોંચી ગઇ હતી. આમ, માર્કેટ કેપના દૃષ્ટિકોણથી રિલાયન્સને પાછળ રાખી ટીસીએસ નંબર વન કંપની બની ગઇ છે.

દરમિયાન પાછલા સપ્તાહે એચડીએફસી બેન્ક, આઇટીસી, મારુતિ સુઝુકી, એસબીઆઇ, ઇન્ફોસિસ અને ઓએનજીસી કંપનીની માર્કેટ કેપ તૂટી હતી, જ્યારે ટીસીએસ, એચડીએફસી અને એચયુએલ કંપનીની માર્કેટ કેપમાં સુધારાની ચાલ નોંધાઇ હતી.

પાછલાં સપ્તાહે ઓએનજીસીની માર્કેટ કેપમાં રૂ. ૨૦,૨૭૬ કરોડનો, જ્યારે એસબીઆઇની માર્કેટ કેપમાં રૂ. ૪,૦૨૭ કરોડનો ઘટાડો નોંધાયો હતો. એ જ પ્રમાણે મારુતિ સુઝુકી કંપનીની માર્કેટ કેપમાં પણ રૂ. ૮,૩૬૪ કરોડનો ઘટાડો જોવાયો હતો.ે

You might also like