ધ મંડલમ નવલકથાઃ પ્રકરણઃ 2

પ્રકરણ – ૧ નો સંક્ષિપ્ત સાર..

આમૂર સાગરના પેટાળમાં સી વૉક કરીને ઉપર આવી. બે હેલ્પરોની મદદથી કૅબલ અને એન્ટ પ્રેશર કૉસ્ચ્યુમ ઉતારી એ કોઇને શોધવા લાગી. દૂર ઊભેલા વિશ્વકને જોઇ તેના તરફ દોડી – અને ભેટી પડી. બન્ને અડરવૉટર લૉન્જમાં ડિનર લઇ બહાર નીકળ્યા. બે વર્ષ પહેલાં સ્પેસ વૉક કરી ચુકેલી આમૂરની ઇચ્છા સી-વૉક કરવાની હતી. તે તેણે લા લીરીયલ ક્રુઝના પેકેજમાં પૂરી કરી. ૨૦૨૧માં તેના પરદાદા અને દાદા અહીં આવેલા. એટલે આ લૉન્જની તેને મન ઇમોશનલ વૅલ્યૂ હતી. બીજા લોકો સાથે એ બંન્ને પણ સબમર્શીબલ યુનિટ દ્વારા ક્રુઝના ડેક પર આવ્યા. પાંચમા માળે તેના રૃમમાં જઇ બન્ને એન્ટરટેઇનમેન્ટ શૉ જોવા તૈયાર થયા. ડાન્સનો રાઉન્ડ પૂરો થયો એટલે આમૂર અને વિશ્વક ઊભા થઇ ગયા. ક્રુઝ મસ્કત પહોંચ્યું. શહેરની વચ્ચોવચ્ચ આવેલા સરકારી ક્વાર્ટરમાં સફેદ દાઢીધારી વૃદ્ધ કાકાને એક વ્યક્તિએ ખાખી કવર આપ્યું, ખોલ્યું અને પૂછ્યું – ક્યારે આવ્યું.. જવાબ – કલાક પહેલાં. વૃદ્ધ ટેન્શનમાં.. પૂરપાટ ઝડપે ગાડી દોડાવી, ભાગ્યા… બંદર પર લા લીરીયલ ક્યારની આવી ગઇ હતી. સિક્યોરિટી ચેકિંગને અવગણી વૃદ્ધ અંદર ઘુસ્યા. બધા રૃમ તપાસતા પાંચમે માળે પહોંચ્યા. ધક્કો મારી રૃમનો દરવાજો ખોલ્યો. વૃદ્ધને ઓળખતી હોય તેમ આમૂરે તેમના હાથમાંથી કવર આંચકી લીધું… કાગળો કાઢી બરાબર વાંચીને ઘા કર્યો. ડ્રોઅરમાંથી એક પાઉચ કાઢ્યું. બેગ લીધી. ગોગલ્સ અને બધા ડિવાઇસ ચઢાવી વૃદ્ધ કાકા સાથે ભાગી. ઇવશ્વકે પૂછ્યુંઃ ક્યાં જાય છે? શું થયું? આમૂરે દોડતાં જ જવાબ આપ્યો – પછી વાત કરીએ. વિશ્વક નીચે પડેલા કાગળો લઇ જોવા લાગ્યો. વિચિત્ર નકશા અને છેલ્લા કાગળમાં કોડવર્ડની ભાષામાં લખાણ હતું. ઢીહૈ to city, Planet Mars – વાંચીને વિશ્વકે બારીમાંથી બૂમ પાડી – આમૂર તું મંગળ પર જાય છે? ( હવે આગળ વાંચો….)

‘Again a small step fro man…
a giant leap fro mankind….’

દરેકના કાને આ વાક્ય પડ્યું અને આખો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો. વિશાળ ખંડમાં હાજર રહેલા બધા લોકોની ખુશીઓનો પાર ન હતો. આજનો દિવસ સુવર્ણ અક્ષરે ઈતિહાસમાં લખાઈ ગયો. એક મોટા તાયફામાંથી સ્પેસસૂટ પહેરીને ઉતરી રહેલા માણસનું દ્રશ્ય દાયકાઓ પછી આટલા બધા માણસોએ એકસાથે જોયું, એ પણ બે ગ્રહ પર રહેતા માણસોએ.  મંગળ ઉપરના હજારો અને પૃથ્વી પરના કરોડો ટીવી, ફોન, વર્ચ્યૂઅલ સ્ક્રિન ડિસ્પ્લે, ગોગલ્સ વગેરેની સ્ક્રિન ઉપર આ અદ્ભુત ઘટનાનું  જીવંત પ્રસારણ થઇ રહેલું. બંને ગ્રહોના દર્શકો અચંબામાં ગરકાવ હતા તો અહી કરોડો કિલોમીટર દૂર આ સેન્ટરમાં રહેલ વૈજ્ઞાનિકો, તકનિકી માણસો અને નિષ્ણાતોની ખુશીથી છલકાઈ ગયેલી આંખો વચ્ચે રહેલા વિશાળ વર્ચ્યૂઅલ સ્ક્રિન પરથી હટતી ન હતી. સ્ક્રિન ઉપર, અવકાશયાત્રીઓ હવે ભારતનો ઝંડો લહેરાવવાના હતા એ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા બધા જ નિષ્ણાત પોતપોતાની પર્સનલ સ્પેસ છોડીને આ અભૂતપૂર્વ ઘટના નિહાળવા અધીરા બન્યા હતા.

ત્યાં પૃથ્વી પર અબજો લોકો ખુલ્લા મોઢે આ પ્રસંગ જોઈ રહ્યા હતા. અવકાશયાત્રીઓએ બેગમાંથી ભારતનો ઝંડો કાઢ્યો, જમીનમાં ડ્રીલથી કાણું પાડ્યું, ઝંડાના સળિયા ખોસેલા નેફા સીધા કર્યા અને ભારતનો ઝંડો ખોસ્યો. હિન્દુસ્તાનનો રાષ્ટ્રધ્વજ અંતરિક્ષમાં લહેરાયો અને હાજર ઘણા લોકોમાંથી ભારતીયોની તો છાતી ગજ ફૂલી ગઈ. લોકો એકબીજાને ભેટ્યા, કૉન્ગ્રેચ્યુલેશનના અભિવાદનોનું આદાનપ્રદાન થયું. વર્ષોની મહેનત અને કરોડો પૃથ્વીવાસીઓનું સ્વપ્ન આ થોડાક ખેરખાંઓએ સફળતાપૂર્વક પાર પાડી બતાવ્યું હતું. ચિક્કાર હર્ષની આ ઘડી હતી. પ્રસન્ન માહોલમાં ઉન્માદ થોડો ઓછો થયો અને નિષ્ણાતો ફરીથી પોતપોતાના કામે લાગ્યા. બધાના ચહેરા ઉપર થોડી ચિંતા સાથે મોટી રાહતની લાગણી હતી.

સ્પાક્લલ્લગ વાતાવરણમાં અમુક અફસરોને તો એ વાતનો હજુ વિશ્વાસ જ બેસતો ન હતો કે આ અશક્ય લાગતું કામ તેઓએ કરી બતાવ્યું છે. ઈ.સ. ૧૯૬૯માં નીલ આર્મસ્ટ્રોંગ નામના અમેરિકને ચંદ્ર ઉપર

પહેલો પગ મૂકીને ઈતિહાસ રચ્યો હતો. આજે એકસો પંદર વર્ષ પછી ફરીથી કોઈ માનવીએ મંગળ ગ્રહના ચંદ્ર-ડીમસ ઉપર

પગ મૂક્યો હતો, પણ આ વખતે તે ભારતીય હતો. છતાં પણ પ્રથમ ચંદ્રયાત્રી અને તેની અદ્ભુત સિદ્ધિને ટ્રીબ્યૂટ આપવાની હોય એમ જ આ ભારતીય અવકાશયાત્રી મંગળના ચંદ્ર ઉપર પગ મૂક્યા પછી, નીલ આર્મસ્ટ્રોંગે બોલેલા શબ્દોમાં સહેજ ફેરફાર કરીને

પોતાના પ્રથમ શબ્દો બોલ્યો,

‘Again a small step fro man…
a giant leap fro mankind….’

‘સારાભાઈ સ્પેસ સેન્ટર’ હવે આ અજોડ મિશનની બાકી રહેલી કાર્યવિધિ પતાવવામાં વ્યસ્ત થતું ગયું. ફરીથી તેના માહોલમાં વોકી ટોકીમાંથી આવે એવા અસ્પષ્ટ ત્રૂટક અવાજો, 3D પ્રોજેક્શનની ક્લિક, કમ્પ્યૂટરના સાઉન્ડ અને લોકોની ચહલપહલ શરૃ થઇ ગઈ.

પોતાની સ્પેસ ઉપર નિષ્ણાતો ફરીથી કામે લાગી ગયા. હોલમાં હરોળબંધ બધા બેઠા હતા. ખૂબ લાંબા એવા ચાર-પાંચ સમાંતર ટેબલની બંને તરફ લોકો કામ કરતા હતા. ટેબલ તો ફક્ત નામનું હતું, બાકી ખાલી સપાટ પાટિયા જેવું હતું. તેની બંને તરફ લોકો પોતપોતાની વર્ચ્યૂઅલ સ્ક્રિનમાં કામ કરી રહેલા.

૧.વચ્ચેની હરોળમાં છેક છેલ્લે એક જુવાન છોકરો બેઠો હતો, નામ એનું વેદ. વાંકડિયાવાળ વાળા એ છોકરાએ તેના સેલફોનમાંથી we have done it નો મેસેજ કોઈને ખુશ થઇને મોકલ્યો ત્યાં જ એની બાજુમાં બેઠેલી કલીગે કમેન્ટ કરીઃ God Job. વેદનો રૃપાળો ચહેરો તેની સાઉથ ઇન્ડિયન કલીગ બાજુ ફર્યો અને એ કટાક્ષમાં કહેઃ ‘શું વાત છે, આજે મંગળ ઉપર સૂરજ મોટો ઉગ્યો કે શું?’ તેની કલીગ જવાબ આપેઃ Come on  પૂરે સેન્ટર મેં સિર્ફ તેરી ઝીદ કી વજહ સે હમને ડીમસ કો પસંદ કિયા. હમ સબ તો ફોબોસ કા ફાઈનલ કર ચૂકે થે લેકિન તુમને નાયક સર કો આખિરકાર મના હી લિયા.’ ‘ઔર નતીજા તુમ્હારે સામને હૈ’ નખરાળું સ્મિત કરીને વેદ બોલ્યો.

૨.એટલામાં તો વેદનું ધ્યાન તેની સ્ક્રિન પર ગયું. એક નવી પોપ-અપ વિન્ડો ઝબકી રહેલી. એ વિન્ડોમાં તરત ન સમજાય એવા ટૂંકાક્ષરી શબ્દો લખેલા હતાઃ email, Lester, confi. વેદની આંખો પહોળી થઇ, તેણે સ્ક્રિનની બધી વિન્ડોઝ મિનીમાઇઝ કરીને અત્યારે જ્યાં અવકાશયાત્રીઓ ડીમસ પર કામ કરી રહેલા તેનું લાઈવ કવરેજ ખોલ્યું. એમાં પાંચ એસ્ટ્રોનોટ જ દેખાયા. છઠ્ઠો ન દેખાયો. છઠ્ઠા એસ્ટ્રોનોટે શેડ્યુલ મુજબ જ ત્યાં કેબિન બાંધીને ટેલિસ્કોપિક કમ્પ્યૂટર ગોઠવ્યું અને અગત્યનું કામ કરવા મંડેલો. એ જાણ થતા, અને પેલો કોઈ ખાનગી મેસેજ સ્ક્રિન પર આવતા વેદના નેણ ભેગા થયા. તે સ્ફૂર્તિથી ઉભો થઇ તેના ડાબા હાથ પર આવેલી ઑફીસ તરફ ચાલવા મંડ્યો. પેલી સાઉથ ઇન્ડિયન કલીગે પૂછ્યું- ‘કહાં જા રહે હો જનાબ?’ ઝડપથી ચાલી રહેલા વેદનો

પરાણે મસ્તી કરતો ભાવહીન જવાબ- ‘યહાં દરિયે મેં  શૈવાલ કાફી હો ગયી હૈ. તેરે લિયે લેને જા રહા હું’. કલીગ- ‘ક્યા બાત! લે કર જલ્દી આઓ, વેઈટીંગ’.

વેદ ઑફીસના દરવાજા પાસે ઉભો રહ્યો. ડોર સ્કેનરે વેદને મલ્ટિપલ એંગલથી સ્કેન કર્યો અને એનો દરવાજો ખૂલી ગયો. વેદ પળવારમાં ઑફિસની અંદર. ઑફિસ અંદરથી લોક. દીવાલની ઇન-બીલ્ટ સ્વીચથી ઑફિસની દીવાલો વચ્ચેની પ્રોજેક્શન સ્ક્રિન ચાલુ કરી. બાયોમેટ્રિક, ટેક્સ્ટ, વોઈસ .. જેટલા પણ પાસવર્ડ સિસ્ટમે માંગ્યા એ બધા વેદે તરત જ નાખ્યા. એક અરજન્ટ મેસેજ આવેલો હતો. તે ખોલ્યો. મેસેજમાં એક ફાઈલ હતી. ફાઈલ ખોલીને જોયું તો થોડી તસ્વીરો હતી. ઓપન. કાળા અવકાશની તસ્વીરો. કાળા આકાશમાં ધૂંધળા અને છૂટાછવાયા ધબ્બા હતા. તે ધબ્બા તારાઓના ઝૂમખાંના હતા.

વેદ એક પછી એક ઈમેજ જોવા મંડ્યો. બધી ઈમેજીસ એકસરખી લાગતી હતી. ના, ફરક હતો. જેમ જેમ નવી નવી ઈમેજ આવતી જતી હતી તેમ તેમ તેમાં રહેલો એક ચોક્કસ ભાગ મોટો થતો જઈ રહેલો. એ ભાગમાં તારાઓનું ઝુંડ જ હતું પણ છઠ્ઠી ઈમેજમાં એ ઝુંડના કોઈ એક નાના ટપકાં ઉપર એરો મારેલો હતો. તે એરો જોઈને વેદની આંખો હવે ઝીણી થઇ. તે ફટાફટ બધા ફોટોસ સ્ક્રોલ કરવા મંડ્યો. તો એણે જોયું કે તે એરો કરેલું ઝાંખુ ટપકું ચોખ્ખું થતું જતું હતું અને સાથે સાથે તે ધીમે ધીમે સહેજ મોટું થતું જતું હતું! વેદને બેસવા માટે ખુરશી લેવી પડી. તેણે બધી જ ઈમેજીસ ઝડપથી જોઈ નાખી. નકશામાં ઉપર લખ્યું હોય એમ અહીં છેલ્લે સ્કેલમાપની નોંધણી લખી હતીઃ

Location: D66-Orot
Photo interval : 20 minutes
Scale: 0.1 mm = 1 KM

ઓહ માય ગોડ! વેદના ડોળા આટલા બહાર ક્યારેય નહિ નીકળ્યા હોય. દસ વર્ષના સ્પેસ સેન્ટરના અનુભવને કારણે તે આ ઈમેજીસની ગંભીરતા ક્ષણવારમાં સમજી ગયો. આ ઑટોડિસ્ટ્રક્ટીવ મેસેજ ડિલિટ થાય એ

પહેલા જ સ્પેશિયલ ઑથૉરિટી પાસવર્ડ

વાપરી તેને સિક્યોર કરી લેવામાં આવ્યો અને મૂવેબલ સ્ક્રિનમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો. ત્યાંથી મેસેજ ફોરવર્ડ થયો સુધીર નાયકના પર્સનલ કમ્પ્યૂટર પર. વેદે તે ઑફિસની મેઈન સ્વીચ બંધ કરી, ઑફિસ લોક કરીને બહાર નીકળી સીધા દાદરા તરફ દોટ મૂકી. એકીશ્વાસે પગથિયા ચડીને બીજા માળની લોબીના ખૂણે આવેલી ચેમ્બરનું બારણું ધડામ દઈને ખોલી નાખ્યું.

ચેમ્બરની અંદર સ્પેસ સેન્ટરના ડાયરેક્ટર અને સિનિયર એક્સપર્ટ લોકો બેઠા હતા. મોનિટર ઓબ્ઝર્વ કરી રહેલા ચીફ ડાયરેક્ટર સુધીર નાયક, અમેરિકન જેડન ફોસ્ટર અને જાપાનીઝ મીવા હાયુસી; ત્રણેયનું ધ્યાન હાંફતા વેદ ઉપર ગયું. ત્રણ સેકન્ડના વિરામ બાદ નાયક સર બોલ્યાઃ ‘ટેલિપ્રોજેક્શન નીચે બગડી ગયું કે શું વેદ? કેમ રૃબરૃ આવવું

પડ્યું?’ સ્ક્રિન સામું જોતા નાયક બોલ્યા, ‘એવરીથીંગ સીમ્સ ટુ બી ફાઈન’ (‘કંઈ લોચો હોય એવું લાગતું નથી’). વેદ એના સર તરફ તાકતો રહ્યો. પછી ધીમા ડરેલા અવાજે બોલ્યો, ‘ઈટ ઈઝ નોટ ફાઈન સર. ઇટ્સ નોટ ફાઈન.’ અમેરિકન જેડનઃ ‘વ્હોટ હેપન્ડ?’ વેદ નાયકની સામું જોઈને કહે, ‘ઓપન યોર મેસેજ અકાઉન્ટ સર’. સુધીર નાયકે વેદના હાવભાવ પરથી પરિસ્થિતિની ગંભીરતા સમજી તરત અવકાશયાત્રીઓનું લાઈવ ટેલિકાસ્ટિંગ બંધ કર્યું અને મોનિટર પર પોતાનું પ્રાઈવેટ મેસેજબોક્સ ઓપન કરી નવો આવેલો મેસેજ ખોલ્યો. પેલી બધી ઈમેજીસ ખૂલી.

જેમ જેમ એક પછી એક ફોટો પાસ થતો ગયો તેમ તેમ તે ત્રણેય સિનિયર સાયન્ટિસ્ટના ચહેરા પર ચિંતા વધવા માંડી. છેલ્લી ઈમેજ અને તેની નીચેની સ્કેલમાપ વાળી નોંધ જોતા મીવા ચીસ પાડી ઉઠીઃ ‘આઈ ડોન્ટ બિલીવ ધીસ’ (અવિશ્વસનીય). નાયક પણ જોરથી બોલ્યા, ‘ઇટ્સ ઈમ્પૉસિબલ. આ અશક્ય છે.’ વેદઃ ‘ધીસ ઇસ ટ્રુ.’ નાયકે કમાન્ડિંગ સ્વરમાં કહ્યુંઃ ‘ગેટ મી ડેવિડ… ડેવિડ સાથે વાત કરાવો, ઈમિજિએટલી.’ વેદે પોતાના ફોનથી િંલંક કનેક્ટ કરી દીધી. નાયકે તરત કીબોર્ડથી સ્પીકર પર લાઈન ટ્રાન્સફર કરી. વેદને સાથે સૂચના આપી કે આ લાઈન એકદમ જુદી રાખે, વચ્ચેથી કોઈ સાંભળી શકવું ન જોઈએ. હવે નાયક અને ડેવિડ વચ્ચે અંગ્રેજીમાં ઝડપી વાર્તાલાપ ચાલુ થયો. નાયકઃ ‘આર યુ સ્યોર ડેવિડ, અબાઉટ ધીસ ઈમેજીસ?’ ડેવિડઃ ‘સર, ડબલ નહિ પણ મલ્ટિપલ રીતે ક્રોસચેક કરીને કન્ફર્મ કરીને જ તમને ઈમેજીસની ફાઈલ ટ્રાન્સમીટ કરી છે. ટેલિસ્કોપના લેન્સ બદલાવીને જોયા, ટેલિસ્કોપ આખું બદલાવીને જોયું, ત્રણ સોફ્ટવેરમાં ડેટા પ્રોસેસ કરાવ્યો. પણ બધામાં રિઝલ્ટ એકસરખું જ આવે છે. છેલ્લી કલાકથી હું તેનો રૃટમેપ કરવાની કોશિશ કરું છું. તેના ગતિમાર્ગમાં કોઈ જ મેનીપ્યુલેશન નથી. સાદી ભૂમિતિ વડે પણ માપી શકીએ તેટલો ક્લિઅર રૃટ પકડે છે તે. તેની સ્પીડ અને તેનો સ્પેક્ટ્રોગ્રાફિક પાથ, આ બધું હું તમને દર અડધી કલાકના અંતરે મોકલતો રહીશ. પણ અત્યાર સુધીના ડેટા પરથી જે નક્શો બની રહ્યો છે તે મુજબ તેનો આખો રસ્તો ક્રિસ્ટલ ક્લિઅર છે. વચ્ચે કોઈ જ ગ્રહ કે લઘુગ્રહ કે ધૂમકેતુ એને નડતો નથી.’ ઑફિસમાં ભયભીત શાંતિ છવાઈ ગઈ. નાયક બોલ્યા, ‘ત્યાં જેટલો સમય રહેવાય એટલો વખત તું રહે. દર ત્રીસ મિનિટે મને અને ફક્ત મને રિપોર્ટ મોકલતો રહે. જરૃર પડે તો રાકેશની હેલ્પ લેવાની પરમિશન આપું છું. પણ આ વાત એકદમ કોન્ફિડેન્શિયલ રહેવી જોઈએ. આપણા સિવાય કોઈ આના વિષે જાણતું હોવું ન જોઈએ. ઓવર ઍન્ડ આઉટ’. લાઈન ડિસકનેક્ટેડ. નાયકે તેનો કોટ કાઢી નાખ્યો. વેદને સૂચના આપી, ‘પ્રોફેસર પંડિત, ચીઝ ગીંગ, એલેન જેકલ, રામાક્રિશ્નાન, મેથ્યુસ હાર્બર, …. દરેક એક્ઝિક્યૂટીવ મેમ્બરને ભેગા કરો. તેઓ જ્યાં પણ હોય, ભેગા કર. કોઈને પણ મિટિંગનો પર્પઝ ન કહેતો, પણ જલ્દી ભેગા કર.’ વેદે પાંત્રીસ વર્ષનો સ્પેસ રિસર્ચ ખાતેનો બહોળો અનુભવ ધરાવનાર સુધીર નાયકને પહેલી વખત ગભરાયેલા જોયા.

અમુક વિજ્ઞાનીઓ સંશોધન માટે મંગળ ઉપર દૂરની જગ્યાએ ગયેલા. તે બધાને નાયકે બોલાવેલી મિટિંગમાં આવતા વાર લાગે એ દરમિયાન આ ત્રણેય સિનિયર સાયન્ટિસ્ટ કામે લાગી ગયા. નાયકે મળી રહેલા ડેટા ઉપરથી ઝીણવટભર્યો નકશો બનાવવાનું ચાલંુ કર્યું. મીવાએ મેથેમેટિકલ કેલ્ક્યુલેશન માંડ્યા તો હેડન આવેલી ઈમેજીસનું ઇન્સ્પેક્શન કરવા મંડ્યો. સ્પેસ-સાયન્સના માંધાતાઓ મચી પડ્યા, આવેલા ડેટામાંથી એક નાનકડી પણ નબળી કડી ગોતવા કવાયત શરૃ કરી દીધી કે કદાચ આ સમાચાર ખોટા હોય.

પોતાના મનમાં જે ભયંકર આશંકા પેદા થઇ છે એ ખોટી સાબિત થાય એના માટે ખૂબ મહેનત કરી પરંતુ કુદરત જ્યારે પોતાને સાચી સાબિત કરવા માટે ઉતરે ને ત્યારે માણસ

પોતે ધારીને પણ ખુદને ખોટો સાબિત કરી શકતો નથી.

બધા સાયન્ટિસ્ટ, ટોપ મોસ્ટ ડાયરેક્ટર, સીતેર-એંશી વર્ષનો અનુભવ ધરાવતા નિષ્ણાતો કેબિનમાં આવી ગયા. મિટિંગ ટેબલ પર પોતપોતાનું સ્થાન લીધું. સૌથી નાની ઉંમરની એકવીસ વર્ષની વ્યક્તિથી લઇને એકસો પંદર વર્ષના વ્યક્તિ સુધી દરેકની નજર સુધીર નાયક ઉપર હતી.

૩. સુધીર નાયક તો હજુ પોતાની સ્ક્રિન ઉપર કામ કરી રહેલા. થોડી વાર

પછી નિરાશા સાથે નાયક ઉભા થયા. મિટિંગ ટેબલના છેડા પાસે આવીને, હતાશ વદને અને નિરાશ અવાજે અંગ્રેજીમાં સંબોધવાનું ચાલુ કર્યું, ‘સૉરી લેડિઝ ઍન્ડ જેન્ટલમેન. તમારા અગત્યના કામમાંથી તમને અહીં અચાનક બોલાવવા પડ્યા. તમારા બધાના મનમાં સવાલો સ્વાભાવિકપણે ઉઠતાં હશે કે આપણા મિશનની, માનવજાતની વધુ એક હરણફાળની જીતની ખુશાલીના આ પ્રસંગમાં એવું તો શું થયું છે કે અરજન્ટ મિટિંગ બોલાવવી પડી. હું તમને અમુક ઈમેજીસ બતાવવા માંગુ છું.’ ટેબલની વચ્ચોવચ્ચ ૩-ડ્ઢ પ્રોજેક્શન સ્ક્રિન ચાલુ થઇ અને પેલી તસ્વીરોનું વારાફરતી સ્ક્રોલ ડાઉન ચાલું થયું. બધા જ સંશોધકો હતા એટલે કોઈને સમજાવવાની જરૃર ન પડી. જેમ જેમ તસ્વીરો પસાર થતી જતી હતી તેમ તેમ બધાના ચહેરા ઉપર ચિંતાના ભાવ સ્પષ્ટપણે વધી રહેલા. છેલ્લી તસ્વીર તેના સ્કેલમાપ અને મંગળના બીજા બે રિસર્ચ સેન્ટરમાં ગોઠવાયેલા સુપરકમ્પ્યૂટર દ્વારા તારવવામાં આવેલું કન્ક્લુઝન જોઈને ઘણાંના મોઢામાંથી આહ્કારો નીકળી ગયો. હાજર સંશોધકો અને સુધીર નાયક વચ્ચે ટુ ધ પોઈન્ટ વાર્તાલાપ ચાલુ થયો.

‘આ શું છે?’

‘અત્યારે તો કોઈ ધૂમકેતુ હોવાના ચાન્સીસ વધુ લાગે છે, ગ્રહ કરતા’.

‘તો પછી આટલી બધી સ્પીડ કેમ?’

‘એ જ અમે ફિગર આઉટ નથી કરી શકતા કે આટલી સ્પીડ કઈ રીતે શક્ય છે? પણ તમે આ ક્લસ્ટર-ઝુંડની દિશા જૂઓ. ઊર્ટના વાદળની બરોબર આગળ’.

‘વ્હોટ? ઊર્ટનું વાદળ? ડેથ સ્ટાર નીમેસીસ?’

‘શક્યતા પૂરી છે.’

‘અરે, એ શક્ય નથી. ડેથ સ્ટાર નીમેસીસ તો હજુ સુધી ફક્ત વાર્તાઓમાં અને કથાઓમાં આવ્યું છે. આપણને તેના હોવાની સાબિતી મળી નથી.’

‘તો તેના ન હોવાની સાબિતી પણ

આપણી પાસે નથી મિસ્ટર દાસ. યાદ રાખો, ઊર્ટના વાદળની પેલે પાર શું છે તેનો સાચો નક્શો હજુ આપણે બનાવી શક્યા નથી. જે છે તે ફક્ત અનુમાનો છે જે ડેથ સ્ટાર નીમેસીસને નકારી શકતા નથી. સંભવ છે ડેથ સ્ટાર નીમેસીસ એક ન હોય, પણ ઘણા હોય. એમાંથી કોઈ એકનું એક્સ્પ્લોઝન થયું હોય અને તેનો પ્રચંડ આઘાત આ ધૂમકેતુ કે ગ્રહ જે પણ હોય તેની ગંજાવર ઝડપ માટે કારણભૂત હોય’.

‘હા, એવું બની શકે. પણ આ ઘટના કેમ પહેલી વખત જ થઇ?’

‘બની શકે કે આવી ઘટનાઓ કદાચ દરરોજ થતી હશે, પણ આપણા ધ્યાનમાં

પહેલી વખત આવી હોય’

‘ઓહ..! આપણા ટ્રીલિયન્સ ઑફ ગ્લોબીટ૪ ગયા. મંગળ તહેશનહેશ થઇ જશે અને એની સાથે આપણું આ સેન્ટર અને આપણો હ્યુમન સર્વાઈવેબલ સ્પેસ સર્ચિંગ પ્રોજેક્ટ પણ.’

‘વાત ફક્ત એટલી જ હોત તો સારું હોત, મિસ્ટર રેડ્ડી.’ નાયક હવે રહી ન શક્યા, ‘મને માર્સની એટલી બધી ચિંતા નથી. અહીં

આપણે એટલું બધું ડેવલપ નથી કર્યું કે એ ફરીથી બનાવવું અશક્ય થઇ પડે. વાત વધુ ગંભીર છે, તમે વિચારો છો તેનાથી અનેકગણી ગંભીર. ઈટ ઇઝ ટુ સીરિયસ, બિયોન્ડ અવર ઈમેજીનેશન.’

નાયક હવે સહેજ ટટ્ટાર થઇ, બને એટલો અવાજ સ્વસ્થ રહે તેવી કોશિશ કરતા બધાને સંબોધીને બોલવાનું ચાલું કર્યુંઃ ‘દોસ્તો, આજે આપણે એ કરી બતાવ્યું છે જે કોઈએ સપનામાં પણ વિચાર્યું ન હતું. મંગળના ચંદ્ર ઉપર માનવે ઉતરાણ કર્યું. અહીંથી

આપણે સ્પેસ એલીવેટર બાંધવાના પ્લાનમાં હતા જેથી પૃથ્વી સિવાય બીજી રહેવાલાયક જગ્યા આપણે અહીં બનાવી શકીએ. પણ મારે અફસોસ સાથે કહેવું પડે એમ છે કે આ કશું શક્ય થવાનું નથી. એક સ્લાઈડ મેં તમને હજુ બતાવી નથી. આ સ્લાઈડ ઉપર તે જૂઓ. આ સ્પીડથી ધસી આવતો આ અવકાશી પદાર્થ તેનો આ પ્રવેગ ચાલુ રાખે તો તે મંગળ ઉપર બરોબર આ જગ્યાએ અથડાય. અહીં અથડાય એટલે માર્સના ભુક્કા નીકળી જાય તે નક્કી.’

‘હવે આ બીજી ઈમેજ જૂઓ કે, તેનાથી આગળ બીજું એક ડોટ દેખાશે. જે એક મોટી સાઈઝની ઉલ્કા અથવા નાનો ગ્રહ છે. ઑફ કોર્સ, તે આપણા સૂર્યમંડળનો નથી. પણ એ ડોટનો રસ્તો જૂઓ. આ ચક્રો તેની મિનિમમ સ્પીડે પણ જો ગતિ કરે, તો એનો રસ્તો કયો હોય? એ રૃટ ઉપર, આ સ્પીડે જતા, વચ્ચે શું આવે?’

‘ઓહ માય ગોડ ……’ બધાના શ્વાસ એકસાથે થંભી ગયા.

નાયક બોલ્યા, ‘યસ. મામલો આખો આ છે. આ મસમોટી ઉલ્કા પૃથ્વી સાથે ટકરાય એવું લાગે છે ને?’ કોઈ જવાબ નથી આપતું, બસ સાંભળ્યા રાખે છે. પણ નહિ, બીજી ઈમેજ બતાવીને નાયક કહે છે તે દિવસે આ ઘટના થવાની છે. એટલે ડાયનાસોરનો ખાત્મો જે લઘુગ્રહની પૃથ્વી

પરની પછડાટથી થયો એમ આ ગ્રહ

પૃથ્વી ઉપર નહિ પછડાય તો પણ પૃથ્વીને તહેસનહેસ કરી નાખશે.’

ટેબલ પર બેઠેલા બધા વિજ્ઞાનીઓ સુન્ન મારી ગયા. થોડી કળ વળતા બધાએ  આ દુર્ઘટના નિવારવા માટે સોલ્યુશન સજેસ્ટ કરતા ગયા અને સુધીર નાયક અને બીજા સાથીઓ દરેક સોલ્યુશનને નકારતા ગયાઃ

‘ન્યુક્લિઅર એક્સ્પ્લોેઝન…  ઇનસાઇડ ધીસ બ્લડી પીસ.’

‘ટોટલી ઈમ્પૉસિબલ. તેની સ્પીડ તો જૂઓ. એટમ બૉમ્બ તે ઉલ્કાના ગર્ભમાં દાટીને ફોડીએ તો જ તે છિન્નભિન્ન થાય. આ સ્પીડે આવતા ઓબ્જેક્ટ ઉપર તો ઉતરાણ કરવું જ નામુમકીન છે.’ આવો જવાબ તો મીવાએ જ આપી દીધો.

‘લેસર એક્સ્પ્લોઝન?’

‘આવડા મોટા અવકાશી પીંડને તોડીને તેના ભુક્કા બોલાવી શકાય તેટલા પાવરફુલ લેસર આપણે હજુ બનાવી શક્યા નથી. લેસરથી નગણ્ય ફર્ક પડે.’

‘મિસાઈલ એટેક?’

‘રિયલી? આઈ મીન, સીરિયસલી? પૃથ્વી ઉપરથી તો તે અશક્ય છે. તે ઉપરાંત આપણી પાસે રહેલા સૌથી શક્તિશાળી મિસાઈલોનો મારો કરીએ તો પણ તે ઉલ્કાની છાલ માંડ ઉખડે.’ હેડન ફોસ્ટરે સપાટ ચહેરે કહ્યું.

‘કોઈ તો રસ્તો હશે જ ને?’

‘અનફોર્ચ્યુનેટલી, કોઈ જ રસ્તો નથી મેડમ. ધેર ઈઝ નો વે આઉટ, એઝ ઑફ નાઉ.’ નાયક નિરાશાજનક રીતે બોલ્યા.

સુધીર નાયક હવે સહેજ સ્વસ્થ થઇ, મોટેથી બોલ્યાઃ ‘મારા વહાલાં સાથીઓ. અત્યારે આપણે માનવજાતિના ભવિષ્ય અને વર્તમાનની એવી કગાર ઉપર ઉભા છીએ જ્યાં કોઈ પણ વ્યક્તિ ઉભા રહેવાનું દુસ્વપ્નમાં પણ પસંદ ન કરે. આપણા બધાના નસીબ છે કે આ સમાચાર ફક્ત આપણને મળ્યા અને અત્યારે માત્ર આપણે જ જાણીએ છીએ. મારી સીમિત સમજ મુજબ, આ દુર્ઘટના પૃથ્વીનો ચહેરો બદલાવી નાખશે, કદાચ સંપૂર્ણ વિનાશ પણ થઇ શકે.

આપણી પાસે કંઈ જ નહિ બચે. આટલા ટૂંકા સમયમાં પૃથ્વીને બચાવવી અઘરી છે. આપણે એટલી બધી ટેક્નોલૉજીકલ પ્રગતિ કરી નથી. હવે આપણે બધાએ ભેગા મળીને એ વિચારવાનું છે કે આ સમાચાર આપણે

પૃથ્વીવાસીઓ સુધી કઈ રીતે પહોચાડશું? કોને કોને જાણ કરશું? કયા કયા દેશને માહિતગાર કરશું? આ સમાચાર કંઈ છુપા નહિ રહે, અને તેના કારણે બધા દેશો વચ્ચે હાહાકાર મચી જાય તો? માર્સ-વોર પછી તો આમ પણ

પૃથ્વી ઉપર ભારેલા અગ્નિ જેવી સ્થિતિ પ્રવર્તે છે. અંધાધૂંધી અને અરાજકતા આ સમાચારના પ્રાથમિક રિએક્શન હશે.

ઉલ્કા કરતા તો આ ઉલ્કાનો ડર કદાચ માણસ નામના પ્રાણીને ખતમ કરી નાખશે. સમગ્ર માનવજાતની વણજોઇતી જવાબદારી અત્યારે આપણા શિરે છે. આપણે બધાએ સાથે મળીને નક્કી કરવાનું છે કે આપણે આ સિચ્યુએશન કઈ રીતે ટેકલ કરશું? પૃથ્વી પર પહોચીને મિનિમમ લોસના પ્લાનિંગ માટે કયોે ફ્લો ચાર્ટ ફૉલો કરીશું? આપણને કંઈ જ અંદાજ નથી. પૃથ્વી પરના સત્તાધીશો, કે કહેવાતા સત્તાધીશો, આ સ્થિતિને કેટલી સાલુકાઈપૂર્વક ટેકલ કરશે એનું આપણે અનુમાન જ બાંધવું રહ્યું. એટલે આપણે ભેગા મળીને એ નક્કી કરવાનું છે કે આ વાત

પૃથ્વી સુધી કઈ રીતે અને ક્યારે અને કોને કોને

પહોચાડવી. ત્યાં સુધી પૃથ્વી સાથેના બધા જ કોમ્યુનિકેશન કંટ્રોલ્સ મેં બંધ કરી દીધા છે જેથી કોઈ પણ પોતાના અંગત સ્વજનને કે પોતાના દેશની સરકારને આ મિટિંગ પહેલા જાણ ન કરી શકે. અહીં સર્વાનુમતે નિર્ણય લેવાયા બાદ જ આપણે કોઈ પગલું ભરીશું.’

‘ભાઈઓ તથા બહેનો, હવે સવાલ દેશ-પ્રદેશનો નથી રહ્યો. હવે સવાલ છે એ અબજો નિર્દોષ લોકોનો, સમુળગી આશાસ્પદ માનવજાતનો અને આખી સૃષ્ટિનો. તેમાં એકબીજાનો હાથ પકડીને કામ કરવું પડશે. ગજબની વિધિની વક્રતા છે કે માનવજાતના ઉદ્ધાર માટે જે ટીમ પૃથ્વી પરથી અહીં આવી તે જ ટીમ પૃથ્વીના નિકંદનના સમાચાર લઇને પરત ફરશે. હા, એટલું નક્કી છે કે પૃથ્વી નાશ પામવાની છે. અત્યારે માર્ચ ૨૦૮૫ છે, ૨૦૮૬ની સાલ આખરી ગણી લેજો. ૨૦૮૭ નું કેલેન્ડર પૃથ્વી પર છપાવવાનું નથી.’

૧. વર્ચ્યુઅલ સ્ક્રિન એટલે હવામાં જ કમ્પ્યૂટરની સ્ક્રિન દેખાય. જે LCD કે LED ની જેમ કોઈ પ્લાસ્ટિક/કાચના આવરણોની બનેલી ન હોય પણ એને અડી શકાય, ટચસ્ક્રિન ફોનની માફક.

૨. જેમ પૃથ્વીને એક ઉપગ્રહ છેઃ ચંદ્ર, તેમ મંગળને બે ચંદ્રો છે. એકનું નામ ફોબોસ અને બીજાનું નામ ડીમોસ. ખરબચડો પણ ગોળ આકારના ફોબોસ ઉપર ઘણાં વર્ષ

પહેલા માણસ જઈ આવેલો, પણ એ બાયોનિક મેન હતો અર્થાત તેના શરીરના ઘણાં અંગો કૃત્રિમ રીતે બનાવેલા હતા. જેમ અત્યારે હૃદયમાં પેસમેકર મૂકે છે એમ જ શરીર પાસેથી અસામાન્ય કામ લેવા માટે ઘણાં અંગો કૃત્રિમ રીતે બેસાડાતા. પણ બેડોળ આકારના ડીમસ ચંદ્ર ઉપર પગ મૂકનાર સંપૂર્ણ કુદરતી માણસ હતો જેના શરીરમાં એક પણ વસ્તુ બહારથી ફીટ કરવામાં આવી ન હતી.

૩. આજથી એંશી-નેવું વર્ષો પછી માણસનું સરેરાશ આયુષ્ય વધી ગયું હોય અને તંદુરસ્તી પણ સારી એવી જળવાતી હોય. એટલે થોડા દાયકા પછી નિવૃત્તિની વયમર્યાદા એંશી વર્ષ હોય અને ઘણા વ્યક્તિઓ એકસો ત્રીસ કે એકસો ચાલીસ વર્ષ સુધી જીવતા હોય એવું બને. એમાં કોઈ જ આશ્ચર્ય નહિ.

૪. ભવિષ્યમાં દરેક દેશનું રૃપિયો-ડૉલર-પાઉન્ડ જેવું જુદું જુદું ચલણી નાણું નહિ રહે, દુનિયા વધુ ને વધુ નાની થતા બધા જ દેશો વચ્ચે એક જ પ્રકારનું નાણું-ગ્લોબલ; કરન્સી રહી હશે. ગ્લોબલ કરન્સી અને બીટકોઈન શબ્દો ઉપરથી કદાચ વૈશ્વિક ચલણી નાણા માટે ગ્લોબીટ શબ્દ બન્યો હોય.

(ક્રમશઃ)

You might also like