ધ મંડલમ નવલકથાઃ પ્રકરણઃ 8

ઈ.સ. ૨૦૩૦ પછીનો ભયંકર સમય

વહી ગયેલી વાર્તા

સ્પેસ વોક કરી ચૂકેલી આમૂરને એક પત્ર મળે છે અને તે વિશ્વકને પછી મળવાનો વાયદો કરીને ચાલી નીકળે છે. હ્યુમન હાઇબરનેશનની પ્રક્રિયા દ્વારા લગભગ પાંચસો વર્ષ સુધી જીવાડવામાં આવેલી સ્ત્રીને શુક્રની સપાટીની આસપાસ બનાવવામાં આવેલાં તરતાં શહેરો પૈકીના એક એવા મુંબઇ ખાતે લઇ જવામાં આવે છે અને સ્ત્રીની સારવારની જવાબદારી સ્માર્ટ અને સોહામણા અઢાર વર્ષના યુવાન ઝેવને આપવામાં આવે છે. મુંબઇમાં તે સ્ત્રીની મેડિકલ કન્ડિશનમાં સુધારો ન થતાં તે સ્ત્રી, ઝેવ અને અન્ય અવકાશયાત્રીઓની ટીમને એલ્વિસ નામના સ્પેસશિપ મારફતે પૃથ્વી પર મોકલવામાં આવે છે. યાનમાં ઝેવ અને તે સ્ત્રી વચ્ચે ત્રીજા વિશ્વયુદ્ધની વાત નીકળે છે. ઝેવ તે સ્ત્રીને જણાવે છે કે ત્રીજું વિશ્વ યુદ્ધ થયું હતું પણ તે પૃથ્વી પર નહીં મંગળ પર. એલ્વિસનું નામ સાંભળીને તે સ્ત્રી પોતાના નામ વિશે પૂછે છે ત્યાં જ એક રોબોન પ્રકટ થાય છે અને તે સ્ત્રીને વિનસ નામ આપે છે. આ રોબોન પોતે રોબોટ નહીં પણ માણસ અને રોબોટનું કમ્બાઇન રૂપ હોવાનું જણાવે છે. ઝેવ અને રોબોન સાથેની વાતચીતની અસરના પરિણામસ્વરૂપ વિનસના મનમાં અનેક પ્રશ્નો ઉદ્ભવ્યા હતા. જોકે, વિનસના શરીરમાં હવે નવચેતના પ્રગટી રહી હતી. નવી ચામતડી અને નવા દાંત વિનસમાં આવી રહેલી રિકવરીનું પ્રમાણ આપતા હતા. ઝેવ અને રોબોન જિમમાં કસરત કરી રહ્યા હતા, તે સમયે વિનસ પણ જિમમાં પ્રવેશી. વિનસને જિમમાં જોઇને રોબોન ખુશ થઇ ગયો અને તેણે વિનસને તેના સમયની પૃથ્વીની વાર્તા કહેવા જણાવ્યું. (હવે આગળ વાંચો)

ઝેવ પણ ત્યાં આવીને બેસી ગયો. વિનસે કસરતમાંથી વિરામ લઇ બોલવાનું ચાલુ કર્યું,’ગઈકાલે મેં પહેલી વખત બધો જૂનો ઈતિહાસ ફંફોસ્યો. તમારો ભૂતકાળ એ મારા માટે વર્તમાન હતો. મારા જન્મ પહેલા શું થયેલું એ મને ત્યારે ખબર હતી પણ પૃથ્વીના વિનાશની શૃંખલાનો પહેલો અંકોડો હું શોધતી હતી.’ વિનસને કોઈ સ્ક્રીન ઉપર કંઈ કામ કરવાની મનાઈ હતી છતાં પણ તેણે ગઈકાલે કમ્પ્યૂટર પર કામ કર્યું તે જાણીને ઝેવને ન ગમ્યું. પણ એ કંઈ બોલ્યો નહિ. કારણ કે કદાચ તે લોકો પાસે સચવાયેલી સાવ ઓછી માહિતીમાંથી વિનસ પૃથ્વીની ખરી વાર્તા કહી શકે એવી શક્યતા ઝેવને દેખાઈ. રોબોન માટે પણ પૃથ્વીના ઈતિહાસનો અભ્યાસ જરૂરી હતો.

વિનસે વાત કરી કે, ‘મારા દાદાના સમયમાં એક નાનકડી ઘટના બનેલી જેની ગંભીરતા અને તેના ભવિષ્યના પરિણામો વિશે તેઓને અંદાજ ન હતો.’ ઝેવે પૂછ્યું કે કોઈ યુદ્ધ થયેલું? વિનસે ના પાડી. તેણે કહ્યું, ‘ના, યુદ્ધ નહિ. પણ ૨૦૨૦માં ટોકિયો ઓલિમ્પિક્સનું આયોજન થયેલું. તે સમયે પૃથ્વીના બધા જ ખંડોના દેશો દર ચાર વર્ષે એક મહારમત મેળાનું આયોજન કરતા જેને ઓલિમ્પિક્સ કહેવાતું.’ એ સાંભળીને રોબોન બોલ્યો કે, ‘મારા પૂર્વજો વચ્ચે પણ રોબોલિમ્પિક્સ યોજાતી. એવું મારા ક્યાંક વાંચવામાં આવેલું છે.’ વિનસે કહ્યું, ‘હા, સાચી વાત છે. પણ એની શરૂઆત ૨૦૨૦માં થયેલી. જ્યારે પહેલી વખત રોબોટિક્સ ગેમ્સનો ઓલિમ્પિકમાં સમાવેશ થયો અને દુનિયાના સામાન્યમાં સામાન્ય માણસનું ધ્યાન રોબોટ કહેવાતી લક્ઝરી તરફ ખેંચાયું એટલું જ નહિ પણ એ હાંસિલ કરવાની લાલસા વધી.’ રોબોનઃ ‘બરાબર. એના

પછી? રોબોટની સંખ્યા રાતોરાત વધવા મંડી?’

‘ના ડીઅર. ત્યારે તો બહુ પ્રાથમિક તબક્કામાં તમારી જાતિ હતી. અમે ખુદને ભગવાન માનતા હતા પણ કુદરત સામે હજુ લાચાર જ હતા. તમારી જેમ શુક્ર જેવા અગનગોળા ઉપર પણ વસવાટ સ્થાપી શકીએ એવી શક્તિ અમારી ન હતી. પણ અમે કરેલી શોધો અને અમે અમારી પ્રગતિનો નક્કી કરેલો પંથ પુરઝડપે આગળ વધતો ગયો. ઘોડાની લગામ છૂટી ગયેલી અને માનવજાત આખી એક યા બીજા ઘોડા ઉપર બેઠી હતી.’ વિનસનો આ નકારાત્મક જવાબ હતો.

‘તો પછી એકઝેટલી શું થયું વિનસ? તમને યાદ છે? આઈ મીન, ત્યારે તો તમારો જન્મ થયો ન હતો પણ તમને ખબર છે ખરી?’ ‘એ ૨૦૨૦ની ટોકિયો ઓલિમ્પિક્સનું સૂત્ર હતુંઃ ડિસ્કવર ટુમોરો. પણ અમે એક કાળું ભવિષ્ય લાવી રહેલા તે માણસોને ન દેખાયું અને તેના પછી ઝેવ, ઘણું બધું થયું. ફોર એકઝામ્પલ, ૨૦૨૦ પછીના સમયમાં માણસ વધુને વધુ મશીનો ઉપર આધાર રાખવા મંડ્યો. દુનિયા નાની કરવાના ભ્રમમાં રાચતી માનવજાતે પાંચ અબજ માણસોને ઇન્ટરનેટ વાપરતા કરી દીધા.’ આ સાંભળીને રોબોનના આશ્ચર્યનો પાર ન રહ્યોઃ ‘પાંચ અબજ?’ એણે પણ એની પ્લાસ્ટિકની જીભ બહાર કાઢીને માનવસહજ લાક્ષણિકતાના ચાળા પાડ્યા. ‘હા ડીઅર, પાંચ અબજ. તમારી તો વસ્તી અત્યારે પાંચ લાખ નહિ હોય, પૃથ્વીની માનવવસ્તી ૧૯૮૭માં માંડ પાંચ અબજ હતી અને એના વીસ-બાવીસ વર્ષ પછી એટલા જ ઇન્ટરનેટ યૂઝર્સ પેદા થઇ ગયેલા. એ પ્રગતિનો સૂચકાંક ઓછો અને ભવિષ્યના કેઓસનો વિનાશાંક વધુ હતો.’

વિનસની ગંભીર થઈ રહેલી વાત ઝેવ અને રોબોન ધ્યાનથી સાંભળી રહેલા. પૃથ્વી ઉપર એક સમયે સાતેક અબજ કાળા માથા વિચરતાં એ કલ્પના કરવી જ તે બંને માટે મુશ્કેલ હતી. એકવીસમી સદીમાં ૨૦૨૦ની ટ્રેડમાર્ક સાલ બાદ શું થયું એ જાણવામાં તે બંનેનો રસ વધ્યો. વિનસ આગળ બોલી, ‘ઇન્ટરનેટની સ્પીડ વધી ગઈ અને માણસો મલેરિયા અને હાર્ટ ઍટેક સામું વધુ અસરકારક દવાઓ શોધાવા લાગી. જો કે તમારી જેમ અમે મચ્છરોનો સંપૂર્ણ સફાયો બોલાવી શક્યા ન હતા. ધીમે ધીમે બધા ટીવી અલ્ટ્રા હાઈ ડેફિનેશન હતા અને ઈન્ટરનેટ સાથે કનેક્ટ થઈ રહેલા પણ સાથે સાથે હોલોગ્રાફિક ટેલિવિઝ્યૂઅલ્સનો દૌર પણ શરૂ થઈ ગયેલો.’

‘એટલે આવું?’ પોતાની હથેળી સહેજ ઉંચી કરીને હથેળીની ઉપર હવામાં જ એક ત્રીપરિમાણીય દૃશ્ય રચાય એવું બતાવીને

પેલા રોબોને પૂછ્યું. ‘હા એવું જ. પણ એની શરૂઆત હતી. ગમે તે દીવાલ ઉપર ૩ડ્ઢ માં ટીવી જોઈ શકાતું. સેલફોન પણ એવા થતા જઈ રહેલા.’ વિનસે આગળ વાત વધારી, ‘માહિતીના ફુગાવાના બીજા ફાયદા પણ એ થયા કે માણસો અદ્ભુત ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા લાગ્યા. જેમ કે તે સમયના આફ્રિકા ખંડ અને મિડલ ઇસ્ટ દેશો વચ્ચેના દરિયામાં મોટો પુલ-રસ્તો બન્યો. ૨૦૨૦માં મંગળ જવા ઉપર રોવર મિશનની શરૂઆત થઈ. ફક્ત અમેરિકામાં ત્રીસ હજાર જેટલા ડ્રોનવિમાનો પેટ્રોલિંગ કરવા મંડેલા. તે સમયે માણસોએ પહેલી વખત પૃથ્વીની નજીકના પદાર્થો જેવા કે ઉલ્કા-ધૂમકેતુ ઉપર પણ પોતાના મિશન ચાલુ કર્યા. તમારી આ શુક્ર-યાત્રાના પાયાના મંડાણ ત્યારે જ થયા હશે.’ વિનસે કહ્યું.

ઝેવે વિચારતા વિચારતા પૂછ્યું કે આવા આટલા પ્રોગ્રેસના ખરાબ પરિણામો પણ આવ્યા હશે ને? એકસાથે સાત અબજ માણસો. એમાંથી પાંચ અબજ માણસો એકસાથે આવું ભૌતિક જીવન ગાળે અને બીજા બે અબજ ગરીબીમાં સબડે. પૃથ્વીની હાલત ખરાબ થતી હશે.’ વિનસને ઝેવની તાર્કિક વિચારશક્તિ ગમી. એણે સહમત થઇને જવાબ આપ્યો, ‘હા, પ્રદૂષણ ખૂબ વધ્યું. ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવમાં રહેલો બરફ પીગળવા લાગ્યો. અમેરિકાના અમુક રાજ્યોમાં પાણીની અછત ઉભી થઈ. બ્રિટને સ્માર્ટ રીડર્સ મૂક્યા તો પણ તેઓને વીજળીની અછત રહેતી. અમેરિકાના દરેક રાજ્યમાં સ્મોકિંગ પર પ્રતિબંધ લાવવો પડ્યો. કોલસાને ચાઈનામાંથી રૂખસદ આપી દેવી પડી. ચંદ્ર ઉપરથી ચીનની દીવાલ નહિ પણ એ દેશનું પ્રદૂષણ દેખાતું હતું.’ આ સાંભળીને ઝેવ સહેજ ટટ્ટાર થઇ ગયો. એ થોડો બેધ્યાન થઇ ગયો. વિનસે પૂછ્યું ‘શું થયું?’ પણ ઝેવે વાત ઉડાડી દીધી. કદાચ પ્રદૂષણની વાત સાંભળીને ઝેવને આઘાત લાગ્યો હશે એવું વિનસે વિચારી લીધું અને પોતાની વાત આગળ વધારી. ઝેવ સંપૂર્ણ સ્વસ્થ તો ન જ થયો પછી.

પણ વિનસે ઝેવમાં કંઇક અસામાન્ય માઈનોર ફેરફાર માર્ક કર્યો પણ પૃથ્વીની વાત આગળ ધપાવવા તે તલ્લીન હતી. તેણે એક વાત કરીઃ ‘તે સમયમાં ઈતિહાસની સૌથી મોટી વૈશ્વિક હિજરતનો આરંભ થઇ ગયો.’ ચહેરા ઉપર સ્થિર ભાવ રાખી રહેલા રોબોને સહજતાથી પૂછ્યું, ‘ વૈશ્વિક હિજરત? એ શું હતું?’

‘એમાં એવું થયું કે પ્રદૂષણ વધતું ગયું અને સોલિડ કચરાના નિકાલનો પ્રશ્ન વધતો ગયો. દરિયાની સપાટી ઉંચી આવતી ગઈ. એશિયા, ચાઈના, ઇન્ડોનેશિયા, માલદિવ્સ, જાપાન અને આફ્રિકાના અમુક નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોએ ઉત્તર દિશા તરફ પ્રયાણ કરવું પડ્યું. રહેઠાણો અને જીવનગુજરાનનો  પ્રશ્ન મોટો ઉદ્ભવ્યો. દક્ષિણપૂર્વ એશિયામાં ૨૦૨૫ આજુબાજુ પૂરની સ્થિતિ થઈ અને બધા જ દેશોનું ધ્યાન રાખતી આંતરરાષ્ટ્રીય સંસ્થા યુ.એન. ખાસ મદદ કરી શકી નહિ.’

ઝેવ અને રોબોન બંને ધ્યાનથી સાંભળતા હતા. બંનેના મગજમાં તે સમયના લોકો અને તેની સ્થિતિનું ચિત્રાંકન કરવાની મથામણ ચાલી રહેલી. ઝેવે પૂછ્યું, ‘તો પૃથ્વીના બદલાવની શરૂઆત થઈ ગયેલી તો એની અસર માણસો સિવાયના જીવો ઉપર કેવી પડી?’ ‘બહુ જ નેગેટિવ અસર પર્યાવરણ પર પડેલી ઝેવ. એક તો આમ પણ એકવીસમી સદી શરૂ થાય એ પહેલા માણસોના પ્રતાપે ઘણાં બધા પ્રાણીઓ કે કીટકોની અલભ્ય જાતો લુપ્ત થઈ ગયેલી. એમાં મોટા લેવલે ક્લાઈમેટ ચેન્જ થવા લાગ્યું. તો અસર તો થાય જ ને. જેમ કે બોર્નિયોના જંગલ નષ્ટ પામ્યા. આફ્રિકન સિંહ લુપ્ત થવાની કગાર ઉપર હતા જો કે એશિયાટિક લાયન બચ્યા હતા. અમુક જાતિના વાંદરાની સંખ્યા પણ ઘટતી જતી હતી.’ વિનસને અટકાવીને રોબોને પૂછ્યું કે આ નુકસાન અટકાવવા માટે માણસોએ પ્રયત્નો કેમ ન કર્યા?

‘પ્રાયોરિટી દોસ્ત, પ્રાયોરિટી.’ એક નિસાસા સાથે વિનસે ખુરશી ઉપરથી ઉભા થઈને જવાબ આપ્યો. ટેબલ પર ચઢી ગયેલો રોબોન ઉંચી ડોકી કરીને એને જોવા મંડ્યો. ‘દોસ્ત, ગામ બળતું હોય ત્યારે ઘરમાં દીવો કરવાનું કોને સૂઝે?’ રોબોનના પ્રોગ્રામમાં આવી સિમ્બોલિક ભાષા કદાચ ઇન્સ્ટોલ નહિ હોય એ વિચારી વિનસે આગળ ધપાવ્યું, ‘ફોર એક્ઝામ્પલ, મેં તને હમણાં કહ્યું એમ કે દક્ષિણપૂર્વ એશિયામાં પૂરની સ્થિતિ થઈ અને નીચાણવાળા વિસ્તારના લોકોને ઉપર તરફ સ્થળાંતર કરવું પડ્યું. એટલે થયું શું કે ૨૦૨૬ પછી ધીમે ધીમે બાંગ્લાદેશથી ને મ્યાનમારથી લોકો ભારતમાં આવવા મંડ્યા. ઓલરેડી ખૂબ વસ્તી વધી ગઈ હતી ભારતની. એમાં બીજા લાખો લોકોને કઈ રીતે આશરો આપવો? એટલે મ્યાનમાર ને બાંગ્લાદેશ સાથે ભારત દેશનું ઘર્ષણ વધ્યું. પાકિસ્તાન-ચાઈના સાથે સરહદ બાબતે પ્રોબ્લેમ જે ચાલુ હતા એમાં એક આફતે ઉમેરો કર્યો.’

‘ઓહ તો તો અંધાધૂંધી થઈ ગઈ હશે ભારતમાં.’ રોબોને શક્યતા વ્યક્ત કરી જેનો જવાબ ઝેવે આપ્યો કે એવી સ્થિતિ તે સમયે દુનિયાના ઘણાં દેશોમાં હતી. ધીમે ધીમે એડજસ્ટ થઈ રહેલું. પણ ત્યારે તે દુનિયામાં પરિસ્થિતિ એવી ઉભી થઈ ગયેલી કે બધા દેશોમાં નિરાશ્રિતોની વસ્તી એટલી બધી હતી કે તે લોકોનો એક મોટો અલાયદો દેશ જો બનાવવામાં આવે તો તેની વસ્તી દુનિયાના સો-સવા સો દેશો કરતા વધુ થાય.’ વિનસે કહ્યું કે સાચી વાત. પણ બે હજારને વીસના દશકામાં આવી તકલીફો સાથે પ્રોગ્રેસ પણ ચાલુ જ રહેલો. પ્રગતિ અટકી ન હતી.  જેમ કે મેલ બર્થ કંટ્રોલ પીલ બની. બ્રેઈન ઈમ્પ્લાન્ટ ચાલુ થયા. કૃત્રિમ કીડનીના પ્રયોગો ચાલુ થયા. ૩ડ્ઢ પ્રિન્ટેડ કપડાં સાવ મફતના ભાવે મળવા લાગ્યા. કાપડનો ઉદ્યોગ બદલાઈ ગયો. બહુ બધા સારા બદલાવો આવી રહેલા પણ પૃથ્વીના ભોગે.

હવે ઝેવ અને રોબોને એકબીજા સામું જોયું. વિનસને જાણે બધું જ યાદ આવતું હતું અને પૃથ્વીની વાર્તા સાંભળવામાં પેલા બંનેને રસ પડતો હતો. તે ત્રણેય હવે જીમ સેક્શનમાંથી નીકળીને પોતાની મોડ્યુલર કેબિન બાજુ ચાલવા મંડ્યા. જ્યાં તેઓ ત્રણેય નાસ્તો કરવાના હતા. સ્પેસશિપની સ્ક્રીન ઉપર ક્યારેક ક્યારેક દૂર ટપકા રૂપે ચમકતી પૃથ્વી દેખાઈ જતી. અત્યારે પણ થોડી મિનિટો માટે દૂર પૃથ્વી દેખાઈ એટલે રોબોને વિનસને બતાવી. પૃથ્વીને જોતા વિનસ સ્વગત બોલી કે કોને ખબર હવે પૃથ્વીના હાલ કેવા હશે? પૃથ્વી ઉપર કોઈ હશે કે કોઈ નહિ હોય?

ઝેવ કંઈ ન બોલ્યો. રોબોનના ચહેરા ઉપર જીજ્ઞાસા વિનસને દેખાઈ રહેલી. તેણે પૃથ્વીની વાર્તા વધારી. ‘જેમ જેમ ૨૦૩૦ની સાલ નજીક આવતી ગઈ તેમ તેમ પૃથ્વી ઉપર ડ્રામેટિક ચેન્જ આવતા ગયા. માણસોની ઉંમર ખૂબ વધવા લાગી. સરેરાશ આયુષ્યમાં વધારો થયો કારણ કે હવે થ્રી ડી પ્રિન્ટેડ માનવઅંગો બનવા લાગ્યા હતા. મંગળ ઉપર જવા માટે સમાનવ યાત્રાની શરૂઆત થવા માંડેલી. આખું ચાઈના એકદમ અર્બાનાઈઝ્ડ થઈ ગયું. એટલે કે ત્યાં ગામડાઓ રહ્યા જ નહિ. ફક્ત શહેરો. વર્ટીકલ ફાર્મિંગ થવા મંડ્યંુ. ખેતરો દસમાં માળે બહુમાળી ઈમારતમાં ખેડાવા લાગ્યા. ઝડપી ટ્રેનના નેટવર્ક ઘણાં દેશોમાં સ્થપાવા લાગ્યા. એક્વાકલ્ચર શરૂ થયું એટલે કે લેબોરેટરીના સિલિન્ડરના પાણીમાં જ માછલીઓ ઉછરતી.’

‘આમ પણ આવું કરવા સિવાય છૂટકો ન હતો કારણકે માલદિવ્સ જેવા ઘણાં ટાપુઓ અને દેશો ડૂબવા મંડેલા. બ્રિટનમાં છાપા બંધ થઈ ગયેલા. ફક્ત ડિજિટલ ફોરમેટમાં જ છાપા આવતા. સમુદ્રના તળિયે બેઠેલું દંતકથા સમાન આખું ટાઈટેનિક જહાજ સમુદ્રના જીવોએ કોચી ખાધેલું. અરે, પ્રાચીન મનુષ્યોનું પહેલું અવકાશી વસવાટ-ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પણ ભસ્મીભૂત થઈ ગયેલું. સ્માર્ટ એડર્વટાઇઝિંગનો જમાનો શરૂ થઈ ગયેલો.’

ઝેવઃ ‘એટલે? એમાં સ્માર્ટ શું? તમારા જમાનામાં જાહેરાતો થતી. એ મેં વાંચ્યું છે પણ એમાં સ્માર્ટ તરીકો શું?’ વિનસે કહ્યું,

‘પહેલા એવું હતું કે જાહેર રસ્તા ઉપર કોઈ એક બોર્ડ રહેલું હોય જેની ઉપર જે તે પ્રોડક્ટનું ચિત્ર જાહેરાત સ્વરૂપે હોય. તેના પછી ધીમે ધીમે સ્ક્રીન આવી જ્યાં જાહેરાત દર થોડી મિનિટે બદલાતી રહે. ૨૦૩૦ની આસપાસ સ્માર્ટ બેનરબોર્ડ લાગ્યા. એટલે એ બોર્ડ તેને જોનાર દરેક વ્યક્તિને જુદી જુદી જાહેરાત બતાવતું.’ ‘એ કેવી રીતે?’ રોબોન ઉવાચ.

‘મેં કહ્યું ને કે લોકોનો મશીનો ઉપરનો આધાર વધતો ગયો હતો. દુનિયા નાની થતી ગઈ એમ બધાના ટ્રાન્ઝેક્શન ડિજિટલ થતા ગયા અને બધો વ્યવહાર ઇન્ટરનેટ ઉપર જ થતો ગયો. એટલે જે તે વ્યક્તિની ડિજિટલ ફૂટપ્રિન્ટને આધારે તે બેનરબોર્ડ પાસે દરેક વ્યક્તિનો ડેટા રહેતો કે કોને શું ગમે છે? એટલે જાણે એવું થાય કે આ રોબોન જાહેર રસ્તા ઉપર  એ બોર્ડને જૂએ તો તેને હાઈટ વધારવા માટેની દવાની જાહેરાત દેખાય અને એ જ સમયે ઝેવને એના વાળ મજબૂત કરવા માટેના તેલની જાહેરાત દેખાય. એને સ્માર્ટ એડર્વટાઇઝિંગ કહેવાતું.’

‘વાઉ’ રોબોનને આ આઈડિયા ગમી ગયો. ઝેવ પણ હસવા લાગ્યો. ‘પછી શું થયું?’ વિનસ હવે જરા ગંભીર ચહેરે કહે છે, ‘પછી એવું થયું કે જેની કલ્પના અમુક સ્વપ્નદૃષ્ટાઓએ કરેલી પણ વિચાર્યું ન હતું કે આવું વાસ્તવમાં થશે. ‘શું થયું એવું તો?’ ઝેવની અધીરાઈ વધી.

‘તમે ખુદ વિચારો. મેં અગાઉ જ કહેલું કે હવે બધા દેશોના કર્તાહર્તા તરીકે જનરેશન એક્સ આવેલી, કમ્પ્યૂટર યુગની.’ થોડા વિરામ પછી વિનસ કહે છે, ‘કે જે જીસેવન દેશો હતા અને જેમાં મુખ્ય દેશ તરીકે અમેરિકા સુપરપાવર હતું એના કરતા મ્ઇૈંઝ્રજી દેશો એટલે કે બ્રાઝિલ-રશિયા-ઇન્ડિયા-ચાઈનાનો પાવર વધી ગયો. જેણે અમારી દુનિયાની રાજકીય અને આર્થિક સ્થિરતા ડામાડોળ કરી નાખી. દરેક દેશની તોપોના નાળચા એકબીજા ઉપર મંડાયેલા હતા.’

‘પછી શું થયું? ત્રીજું વિશ્વયુદ્ધ?’ રોબોને પૂછ્યું. વિનસે જવાબ આપ્યો, ‘ના, વિશ્વયુદ્ધ શરૂ કરવાની ત્રેવડ કુદરત રહેવા દે એમ ન હતી.’ ઝેવઃ ‘એટલે?’

વિનસઃ ‘૨૦૩૦માં એવું થયું કે પૃથ્વી ઉપર આઠ અબજ કરતા વધુ લોકો રહેતા હતા. આટલા બધા લોકોના જીવનનિર્વાહને પહોચી વળવા માટે બે પૃથ્વીઓની જરૂર પડે. પૃથ્વી તો એક જ હતી. લોકોએ જમીનને ખોતરી નાખેલી. તમે સરપ્રાઈઝ થશો કે ચોકલેટ મળવાનું લગભગ બંધ થઇ ગયેલું કારણ કે કોકા પ્લાન્ટના ખેતરો બચ્યા ન હતા. પાવરફૂલ દેશો જરૂરી ઉર્જા માટે પૃથ્વીની બહાર ડોળો જમાવીને બેઠા હતા. અને મંગળ ઉપર કાયમી થાણા સ્થાપવાની શરૂઆત થવા માંડેલી. પણ માણસોને ખબર ન હતી કે મંગળ આખરી વિકલ્પ નથી.

પૃથ્વી સિવાય મનુષ્યને કોઈ સાચવવાનું નથી. પણ આંધળુકિયા કરવા ટેવાયેલા માણસને કોઈ રોકી શકે એમ ન હતું. ૨૦૩૦ પછી ભયંકર સમય આવવાનો હતો.’

એકવીસમી સદી આખરી નીવડેલી. કોઈ ત્રાહિત માણસની ભવિષ્યવાણી આખી માનવજાત માટે સાચી પડે તે ક્ષણને કાળની ક્રૂર થપાટ કહેવાય. એકવીસમી સદીના અંત ભાગ સુધીમાં તો માણસે ગજબનાક પ્રગતિ કરી નાખેલી સાથે સાથે સુધારી ન શકાય એવું નુકસાન પણ પૃથ્વીને પહોચાડી દીધું હતું. દુનિયાની સિકલ બદલાઈ ગઈ હતી. તે સદીના અંત ભાગ સુધીમાં તો લગભગ દસ અબજ માણસોથી ધરતી ખદબદતી હતી. આટલા બધા માણસોનો બોજ ધરતી ઉપાડી શકે એમ હતી પણ વિકૃત બનતી જતી માનવઈચ્છાઓમાંથી જન્મતી લાલસાઓને ટેકો આપવાની ક્ષમતા કુદરત પાસે હતી નહિ. કુદરત ફાટી પડી, માનવજાત ભૂંસાઈ ગઈ. જે સમયે કુદરતે સંપૂર્ણ રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને માણસોનો અને જીવસૃષ્ટિનો સફાયો બોલાવ્યો હશે એ કોઈ જીવની સમગ્ર બ્રહ્માંડમાં કુદરત સામેની પહેલી જીત હશે. કુદરતના અહમને ઠેસ પહોચાડવામાં આ મનુષ્યજાતિએ સફળતા મેળવી લીધી હતી. આ સફળતાના અભિનંદન પાઠવવા માટે અસ્ખલિત તારાજી અને અમુક અશ્મિઓ સિવાય શેષ બચ્યું ન હતું.

મહાઅંત પછી નવેસરથી શરૂઆત થઇ અગર તો કરવી પડી. દુનિયાના નવેસરથી મંડાણ કરવા પડ્યા. એકવીસમી સદી પછી કોઈ રીતે ફરીથી એકડો ઘૂંટવામાં આવ્યો.

પરંતુ, તે એકડો માનવજાતે શોધેલો પોતાનો હતો. યુગોથી માનવજાતિ જે એકડા ઉપર મુસ્તાક હતી અને પોતાને બચાવી શકી ન હતી, તે જ એકડો ફરીથી ઘૂંટ્યો તેણે. કુદરતને અવાજ હોત અને તારાવિશ્વોને કાન હોત તો પૃથ્વીના અટ્ટહાસ્યની ગુંજ મંદાકિનીને પેલે પાર સંભળાઈ હોત.

કેલેન્ડરનું પહેલું પાનું પહેલી સાલ અને પહેલો દિવસ જ્યારથી બતાવતું હતું ત્યારથી આજ સુધી ચારસો નેવું જેટલા પૃથ્વી-વર્ષો નીકળી ગયેલા. માણસોએ નવેસરથી પોતાની રીતે પોતાને આવડે એવી દુનિયાનું સર્જન કરેલું. પણ વિસ્તરણની નીતિ માનવ-ડીએનએમાં હતી. ઘણી વખત ચાદર ટૂંકી પડતી હોય અથવા તો પગ લાંબા થઇ ગયા હોય, પછેડીની બહાર સોડ તાણવાની આનુવાંશિક આદતને પૃથ્વીનો સર્વનાશ પણ કાઢી શક્યો ન હતો. ધગતા ગોળા સમાન શુક્ર ઉપર તરતા શહેરો બાંધવાનો માણસોનો છેલ્લો મરણિયો પ્રયાસ હતો. મંગળને યાદ કરી શકાય એમ ન હતું અને ચંદ્ર તો…..

ચંદ્ર ઉપર વસાહતો માણસે કેમ ન સ્થાપી? આ સવાલ પહેલી વાર નાનકડા રોબોનને ત્યારે થયો જ્યારે તે આ બધું એની ડાયરીમાં લખતો હતો. લખવાની પદ્ધતિ લગભગ રહી ન હતી કારણ કે એની જરૂરત હતી નહિ. બધું જ મશીનથી થતું હતું. વાર્તાલાપ માટે પણ લખવું જરૂરી હતું નહિ અને શબ્દોનું મુદ્રણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી (એ.આઈ.થી) બનેલું તમારું આસિસ્ટન્ટ મોડ્યુલ કરી આપતું હતું. પણ રોબોનને ખબર હતી કે એક સમયે માણસ પેન વડે કાગળ ઉપર પોતાની જાતે જ અક્ષરો પાડતો અને લખતો. કરોડોની સંખ્યામાં પુસ્તકો અને બીજા દસ્તાવેજો આવા કાગળ સ્વરૂપમાં હતા જેને માણસોએ જાતમહેનતે લખ્યા હતા. વિનસના સંપર્કમાં આવ્યા પછી અને વિનસ પાસેથી એકવીસમી સદીનો ભૂતકાળ સાંભળ્યા પછી એને ઈતિહાસમાં એટલો બધો રસ પડ્યો હતો કે તે જમાનાની શક્ય એટલી બાબતો અને કળાઓને તે ખુદ આત્મસાત કરવા ઈચ્છતો હતો. માટે તેણે ફુરસદના સમયમાં ડાયરી લખવાનું ચાલુ કર્યું હતું.

પણ જેવો તેને આ ચંદ્ર યાદ આવ્યો ત્યાં એને અટકી જવું પડ્યું. ચંદ્ર વિશે પોતે પોતાના સ્માર્ટ સર્વરમાં ચેક કરી શકે એમ હતો પણ વિનસના જમાનામાં જેને ઇન્ટરનેટ કહેવાતું એના જ લેટેસ્ટ વર્ઝન જેવા ઇન્ટેલિજન્સ આસિસ્ટન્ટમાં તેને સર્ચ કરવું ન હતું. વિનસ ન દેખાતા એ સીધો ઝેવને ગોતવા ગયો. ઝેવ સ્પેસશિપના ઓપરેટિંગ સેક્શનમાં બીજા અવકાશયાત્રીઓ સાથે હતો. રસ્તામાં મળેલા ડૉક્ટર ચીંગ લીએ કહ્યું તે તરફ રોબોન ગયો. ઝેવ યાનના સંચાલકો સાથે વાત કરી રહેલો. ‘એ સમયે ચંદ્ર ઉપર માણસો આખરી વિકલ્પ તરીકે કેમ ગયા ન હતા?’ આ સવાલ કાને પડતા ઝેવને ઝટકો લાગ્યો પણ બીજી જ ક્ષણે તેણે સાહજિક બનીને ઉત્તર આપ્યો, ‘ડીઅર, હિસ્ટરીમાં સર્ચ કર ને. નીલ આર્મસ્ટ્રોંગ…’ ઝેવને અટકાવીને તરત જ સ્માર્ટ રોબોન બોલ્યો, ‘પ્લીઝ સર. આઈ નો અબાઉટ મૂન લેન્ડિંગ. હું ચંદ્રયાત્રાની નહિ ચંદ્રની વસાહતોની વાત કરું છું. ચંદ્ર ઉપર કેમ માણસો ન વસ્યા? અત્યારે આપણે ચંદ્રનું કેમ નથી વિચારતા?’

ઝેવની સામે સ્પેસશિપના સંચાલકો જોવા મંડ્યા. કોઈ કંઈ બોલ્યું નહિ. ઝેવ ઉભો થયો અને રોબોનનો ગાલ ખેંચતા એટલું બોલ્યો કે, ‘શુક્ર ઉપર પણ આપણે માંડ રહીએ છીએ ને? એટલું યાદ રાખી લે, અને વિનસ પાસેથી પૃથ્વીનો થોડો ઈતિહાસ જાણ્યા પછી તો ખાસ, કે પૃથ્વી સિવાય આપણે ક્યાંય રહી શકીએ એમ નથી.’ રોબોનને આવો ઉડાઉ જવાબ ન ગમ્યો. ઝેવ તરત જ કંટ્રોલ કેબિનમાંથી નીકળીને પોતાની જગ્યાએ જઈને સૂઈ ગયો. તેજદિમાગી રોબોને તરત પોતાના ડેટાબેઝમાં સર્ચ કર્યુંઃ મૂન. તો ચંદ્રને લગતી બહુ પ્રાથમિક વિગતો જ એને મળી.  ખાસ કશું જાણવા જ ન મળ્યું. કેમ? તે પાછો ફર્યો. દરેક અવકાશયાત્રીની જ્યાં પર્સનલ કેબિન હોય તે ભાગમાં તેણે ઝેવને પડખું ફરીને સૂઈ જતાં જોયો.

વજનહીન સ્થિતિમાં તરતો તરતો રોબોન ગયો વિનસ પાસે. વિનસ એની જગ્યાએ ન હતી. એ હતી રિક્રિએશન સેક્શનમાં. એક સાદા અરીસામાં તે પોતાનો ચહેરો જોઈ રહેલી. તેના ધીમે ધીમે ખાસ્સા લાંબા થઇ ગયેલા વાળને તે પસવારતી હતી. રોબોનને બહુ આશ્ચર્ય થયું. તેણે બરોબર વિનસની

પાછળ જઈને તરતા તરતા જ અરીસામાં દેખાય એ રીતે ડોકું કાઢ્યું. વિનસને નવાઈ લાગી. વિનસને બદલે પોતાને અરીસામાં ધારી ધારીને નીરખીને રોબોને પૂછ્યું, ‘આ શું છે?’ વિનસે જવાબ આપ્યો, ‘અરીસો-મિરર.’ ‘એટલે? આમાં શું થાય?’ વિનસ હવે હસવા મંડી. એ સમજી ગઈ. એણે કહ્યું કે ‘જેમ હવે તો બધાની આંખમાં સેન્સર હોય છે ને

પોતે કેવા દેખાય છે એ ગમે ત્યારે થ્રી-ડીમાં હવામાં જોઈ શકે છે એવું અમારા જમાનામાં ન હતું. ત્યારે એક કાચ પાસે જઈને જોવું પડતું.’ આ સાંભળીને રોબોનને બહુ આશ્ચર્ય થયું. એ બોલ્યો, ‘શું વાત કરો છો? એક આવા સાદા ગ્લાસની પાછળ કલર કરી નાખો એટલે આપણે આપણને જોઈ શકીએ? વાઉ. અમને અમારું મોઢું દેખાડવા માટે કેટલી બધી જફા કરવી પડતી હશે અન્જિનિયરોએ.’ બંને હસતા હસતા ઉભા થયા ને તરતાં તરતાં એક દીવાલ પાસે નીચે બેઠા જ્યાંથી અવકાશ દેખાતું હતું.

રોબોન વિનસ માટે જ્યૂસ લાવ્યો. વિનસ હવે ખાઈ શકતી હતી પણ એ પ્રવાહી ખોરાક લેવાનું વધુ પસંદ કરતી હતી. રોબોને એને બધી વાત કરી કે ઝેવે એની સાથે કેવું કર્યું. ચંદ્રનો કંઈ જવાબ ન આપ્યો અને એના સર્વરમાં અત્યારે કોઈ ચંદ્ર વિશે ખાસ માહિતી જ વધી ન હતી. આ કિસ્સો સાંભળીને વિનસનું આશ્ચર્ય બેવડાયું અને એની શંકા ચાર ગણી બની. એણે ધીમા અવાજે રોબોનને કહ્યું કે, ‘યાદ છે થોડા દિવસ પહેલા કંઇક એવી જ વાત નીકળી હતી, ચંદ્રની જ કોઈ વાત હતી ત્યારે અકારણ ઝેવના હાવભાવ બદલાઈ ગયા હતા. ત્યારે મેં કશું પૂછ્યું તો ન હતું. આજે પણ કેમ આવું કર્યું એણે તારી સાથે.’ રોબોનઃ ‘કંઇક એવું લાગે છે આપણને નથી કહેવામાં આવી રહ્યું વિનસ.’

થોડા અંતરાલ પછી વિનસ બોલી, ‘રોબોન, તને ખબર છે એનું એક બાળક છે જે એ શુક્ર ઉપર છોડીને આવ્યો છે. તારા સિવાય કોઈ બાળકને સ્પેસ ટૂર કરવાની

પરમિશન ન હોય. ગઈકાલે પણ મેં જોયું કે ઝેવ એની લાઈવ સ્ક્રીન ઉપર એના બાળકને જોઈ રહેલો. એના વિના એને નહિ ગમતું હોય.’ ગંભીર મોઢે રોબોન સાંભળી રહ્યો. ‘તો તેની મા?’ ‘ખબર નથી એના વિશે. ઝેવ કદી બોલ્યો નથી. કદાચ એ સિંગલ

પેરન્ટ હોય એવું પણ બને ને.’ રોબોને

પોતાના લમણાંમાંથી એક સરકીટ કાઢીને જાણે એનું સમારકામ ચાલુ કર્યું અને વિનસ બહાર અવકાશમાં જોતી રહી. બંનેના સમાંતર મૌન પછી રોબોને પોતાનું કામકાજ ખતમ કરીને પૂછ્યું, ‘વિનસ, પછી શું થયું? તમે કહેલું ૨૦૩૦ પછી તમારા જમાનામાં પૃથ્વી ઉપર ભયંકર સમય આવ્યો હતો.’ વિનસઃ ‘હા, સમય ખરાબ આવી રહેલો. પણ માણસોએ ઉભી કરેલી દુનિયા તોસ્તાન હતી. તેના

પાયા પાક્કા હતા. જે મકાનના પાયા સૌથી વધુ મજબૂત હોય એ મકાનને ધરાશાયી થતા પહેલાં સૌથી વધુ માર સહન કરવો પડે.

પૃથ્વીની ઇસવીસન સંસ્કૃતિ સાથે પણ એવું થયું.’ પારદર્શક ધાતુની બનેલી રોબોનની આંખોમાં આશ્ચર્યચિહ્નો સાથે પ્રશ્નાર્થચિહ્નો પણ મંડરાતા હતા. વિનસને ટૂંકમાં તો ટૂંકમાં પૃથ્વીની વાર્તા કર્યા સિવાય છૂટકો ન હતો. એ બધું યાદ કરીને તરત ભૂલવા માંગતી હતી પણ ઈતિહાસ ગમે તેટલો જૂનો હોય, વર્તમાન તેની સાથે છૂટાછેડા લઇ શકતો હોતો નથી.

વિનસે આગળ વાત કરી. ‘દરેક સાલમાં રસપ્રદ ઘટનાઓ બનતી જતી હતી રોબોન. કેટલી કહું. ગઈકાલે જ હું જૂનો ડેટાબેઝ ફંફોસતી હતી અને મને થોડું થોડું યાદ આવવા મંડ્યું. એકવીસમી સદીમાં લોકો ઝડપથી પ્રગતિ કરવા મંડ્યા હતા, ટેકનોલૉજી વધતી હતી પરંતુ એની કિંમત પણ ભારે ચૂકવવી

પડતી હતી. ફૂલ ઈમર્ઝન વર્ચ્યુઅલ રિયાલિટીની શરૂઆત ૨૦૪૦થી થઇ ગઈ હતી. એટલે તમે ચાલો ત્યારે તમારી આસપાસ ધારો એવી દુનિયા ખડી કરી શકો છો, એવી ટેકનોલૉજી ત્યારે અમારા માટે બહુ નવીન હતી. પૈસા વાળા લોકો જ વાપરી શકતા. ક્લેટ્રોનિક્સ પણ શરુ થયેલું. તમને અત્યારે આશ્ચર્ય થશે કે તમે જે વસ્તુને જેવું ધારો એવો આકાર આપી શકો છો. રમવાના બોલમાંથી તું ડાયરીનો કાગળ બનાવી શકે છે. એવું અમારે ત્યારે લેબોરેટરીમાં થતું.’ રોબોન બધું સાંભળતો રહ્યો. પછી એણે પૂછ્યું કે મોટા ફેરફારો ક્યારે આવ્યા?

વિનસઃ ‘મોટા ફેરફારો એમ તરત નથી આવી જતા. એની શૃંખલા તો બહુ

પહેલેથી ચાલુ થઇ ગઈ હોય છે. પણ અમુક મેજર ઇવેન્ટસ કે અપસેટ સર્જાતા રહેતા. ફોર એકઝામ્પલ, અમેરિકામાં સફેદ લોકો માઈનોરિટીમાં આવી ગયેલા, ૨૦૫૦ની આસપાસ.’ આ વાત રોબોનના નાનકડા યાંત્રિક દિમાગના પલ્લે ન પડી. એણે

પૂછ્યું, ‘એટલે? કેમ લઘુમતી?’ વિનસને હવે સમજાયું કે પ્રાચીન સમયના અમુક દૂષણોની આ નવજાત મશીનને ક્યાંથી ખબર હોય. ભલે એનામાં હૃદય એક માણસનું હોય, માણસે શોધેલી બદીઓ અને આચરેલી વિકૃતિઓથી તો તે વાકેફ ન જ હોય ને.

વિનસે એને સમજાવ્યું, ‘તને ધર્મ એટલે શું એ ખબર છે તે હું જાણું છું. જુદા જુદા ધર્મથી લઇને ધર્મની અંદર આવતી જ્ઞાતિઓ કે ચામડીના રંગ સહિત દરેક બાબતોમાં એક માણસ બીજા માણસથી જુદો પડતો અથવા પોતાને જુદો કે બેહતર માનતો. માણસને ફક્ત નામથી સંતોષ ન હતો, નામની

પાછળ અટક, ફેમિલી, કાસ્ટ, ધર્મના લેબલ પણ લાગતા અથવા એ ખુદ લગાડતો. હવે, અમેરિકા ત્યારે એક એવો દેશ હતો કે જ્યાં તે સમયના બધા દેશોના લોકો આકર્ષાતા. એટલા બધા વિદેશીઓએ અમેરિકામાં સ્થાયી વસવાટ કરવાનું ચાલુ કર્યું ને કે મૂળ અમેરિકનો

પોતાના જ દેશમાં લઘુમતીમાં આવી ગયા.’ ‘તો એ લઘુમતીમાં આવવાના કારણે મુશ્કેલી વધી?’

સહેજ વ્યંગથી હસતા વિનસે જવાબ આપ્યો, ‘ના ડીઅર. માઈનોરિટીમાં આવી જવાથી નુકસાન ન થાય. પણ માઈનોરિટીમાં આવી ચડવાનો બળજબરીપૂર્વક જે અહેસાસ કરાવવામાં આવે તેનાથી નુકસાન થાય.’ વિનસની ધારણા કરતા વધુ ઝડપથી રોબોન સમજી ગયો. સામો પ્રતિપ્રશ્ન ન કર્યો એટલે વિનસે મજાક કરી કે ‘હમણાં જે સરકીટ

રીપેરિંગ માટે કાઢી હતી એના પ્રતાપે તારા તોફાન ઓછા થઇ ગયા, હેં ને?’ રોબોનને તે મજાક બહુ ન ગમી. તે જાણતો હતો કે

પોતે એક મશીનનો ડબ્બો જ છે અને પોતાની અંદર ફક્ત મુઠ્ઠીભર જગ્યા જ માનવીય અંગથી

પુરાયેલી છે તો પણ પોતે મશીન છે એવો કોઈ અહેસાસ કરાવે તે એને બહુ ગમતું ન હતું. કદાચ એટલે જ એ આ માઈનોરિટી વાળી વાત તરત અને સારી રીતે સમજી ગયો.

રોબોનને વિચારતો અટકાવવા અને વાત આગળ વધારવા વિનસ બોલી, ‘પ્રાણીઓની ઘણી બધી પ્રજાતિઓ લુપ્ત થતી જતી હતી તો માણસોની વસ્તી ખૂબ વધતી જતી હતી. ટેકનોલૉજી ખૂબ આગળ વધે, અલ્ઝાઈમર કે કેન્સર જેવા રોગોની દવા શોધી કાઢે, માણસની ઉમર વધારી મૂકે એટલે થાય શું? વધી રહેલા માણસોની સંખ્યાનો આંકડો પ્રવેગ પકડે. ઘણાં દેશોમાં નિવૃત્તિની વયમર્યાદા વધી ગઈ હતી. હવે પંચોતેર વર્ષે વ્યક્તિ ઘરડી થાય તો પણ ઑફિસે જવું પડતું. ‘વર્ક ફ્રોમ હોમ’ કે રોબોટ અને મશીનોની હાજરીને કારણે માનવકલાકોમાં ખાસ ફરક પડ્યો ન હતો. ઇન્સ્યોરન્સનો મોટો પ્રોબ્લેમ વિશ્વ સમક્ષ આવીને ઉભો હતો કારણ કે માણસ પોતાના શરીર પાછળ ખર્ચા વધાર્યે જ જતો હતો, ધીમે ધીમે તે કૃત્રિમ વસ્તુઓ પોતાની અંદર ફીટ કરાવીને પોતાની લાઈફસ્ટાઈલ અને આયુષ્ય વધારી રહ્યો હતો. પેસમેકર, સ્ટેન્ટ, પ્લેટ વગેરે મુકાવાની શરૂઆત તો વીસમી સદીમાં થઇ જ ચૂકેલી. પણ સમય જતાં ભૌતિકવાદની ચરમસીમા આવી ગઈ હતી અને પૃથ્વી તેના સ્ત્રોતો પૂરા પાડવા માટે ટૂંકી પડતી હતી.’

રોબોનઃ ‘તો માણસ બીજા ગ્રહ ઉપર કેમ ન ગયો?’ વિનસઃ ‘ગયોને. ૨૦૫૦થી તો મંગળ ઉપર કાયમી વસાહતો હતી.

પૃથ્વીની આસપાસની ઉલ્કાઓ કે ધૂમકેતુમાંથી ઉર્જા સિંચવાની કોશિશો પણ ચાલુ હતી. પણ એ બધું માણસોની ઈચ્છાથી કે બિઝનેસ કરવા માટે થતું. હકીકતમાં માણસને પૃથ્વી સિવાય પણ બીજા ગ્રહની જરૂર પડવાની હતી.’ ‘કેમ એવું, વિનસ?’

વિનસઃ ‘૨૦૭૦ની સાલ એવી આવી કે પૃથ્વી ઉપર સૌથી વધુ વસ્તી મુસ્લિમોની થઇ ગઈ. યુરોપ, અમેરિકા, ભારત, એશિયા બધે જ મુસ્લિમો હતા, બહુમતીમાં હતા. મેં તને હમણાં કહ્યું એમ બહુમતી-લઘુમતીની વાસ્તવિકતા નહિ, પણ એના કાલ્પનિક ડરનો અહેસાસ માણસને કોરી ખાય છે. ત્યારે પણ એ જ થયું. આમ પણ બધા દેશોની સરકારોની રાજસત્તા નાનપણથી કમ્પ્યૂટર અને સેલફોન સાથે જન્મેલા સત્તાધીશોના હાથમાં હતી. એટલે અમારા સમયમાં પણ જેને ભવ્ય ભૂતકાળ કહેવાતો એવા ભૂતકાળના અબ્રાહમ લિંકન કે નેહરુ જેવા ઠાવકા વડાઓનો દૌર ખતમ થઇ ગયેલો. હવે તો ફાઈવ-જી યુગમાં જન્મેલા સુપરફાસ્ટ પેઢીના વડાઓ રાજ કરતા હતા. તેમની પાસેથી પરિપક્વતાની આશા રાખવી અઘરી હતી.’

રોબોનઃ ‘પછી શું થયું?’ વિનસઃ ‘ધરખમ ફેરફારો. યુરોપ જેવા દેશોમાંથી તો ધર્મ નીકળવા મંડ્યો હતો. મોટા ભાગની ભાષાઓ લુપ્ત થઇ ગઈ હતી. અંગ્રેજીનું વર્ચસ્વ તો બચ્યું હતું જો કે. લોકો પાસે વાતચીત કરવા માટે ઘણી બધી તકનિકો આવી ગયેલી. આખી દુનિયામાં ત્યારે કહેવા પૂરતા સાત ખંડો હતા પણ હકીકતમાં દસ અબજ જેટલા ખંડો થઇ ગયેલા.’ ‘એટલે?’

‘એટલે કે દરેક માણસ પોતાની

આસપાસની આભાસી દુનિયામાં મસ્ત હતો. સંપર્ક માધ્યમોની ચરમસીમા અને તેના માનવશરીરમાં અવતરણે વાસ્તવિક સ્પર્શનું ખૂન કરી નાખેલું. દરેકને પાવર જોઈતો હતો. દરેકને અબાધિત અને નિરંકુશ ક્ષમતા જોઈતી હતી અને ટેકનોલૉજી બધાને તે આપી રહેલી. ડાહ્યા અને સક્ષમ લોકોએ મંગળ ઉપર રિસર્ચના બહાને કે બીજી કોઈ રીતે રહેવાનું ચાલુ કરી દીધેલું. ચંદ્ર ઉપર તો ખાણકામ ચાલુ થયાને વર્ષો થઇ ગયા હતા. ઇન ફેક્ટ, હું નાની હતી ત્યારે ચંદ્ર ઉપર પહેલી વખત ત્યારે જ ગયેલી જ્યારે ચંદ્ર ઉપર પહેલો પ્લાન્ટ

સ્થાપવામાં આવ્યો.’ વિનસનું આ વાક્ય સાંભળીને રોબોનને બહુ રોમાંચ થયો. તેણે પૃથ્વીના ચંદ્ર વિશે બહુ વાંચેલું, ખાસ તો

પૃથ્વીવાસીઓની ચંદ્ર માટેની માયાથી એ વાકેફ હતો. ચંદ્ર ઉપર પગ મૂકવો એ તે સમયે ‘કાળા માથાના ગણાતા માનવી’ માટે કેટલી મોટી વાત હતી એ તેને ખબર હતી.

જીજ્ઞાસાસભર એણે ચંદ્ર વિષે પૂછ્યું અને વિનસને પોતાની પહેલી ચંદ્રયાત્રા જેટલી યાદ આવી તેટલી કહી. પોતાની ચંદ્રયાત્રાના અનુભવો કહ્યા. પ્રાચીન ઈતિહાસમાં થઇ ગયેલી ચંદ્રયાત્રાઓ અને તે સમયે કરોડો માણસોની ખુશીની વાત કરી.

વિનસ હવે જે સવાલને ટાળવા માંગતી હતી એ સવાલ ફરીથી આવ્યો. તે સવાલ હતોઃ ‘પછી?’ રોબોને પૂછ્યું જ. મંગળ ઉપર કેટલા લોકો ગયા? કઈ રીતે રહેતા હતા, કયા કયા દેશોના માણસો ગયા એ બધા સવાલો વિનસ તરફ આવ્યા. વિનસે બધાના શાંતિથી જવાબ આપ્યા. તેનો ટૂંકસાર એ હતો કે મંગળ ગ્રહ ઉપર વીસ-પચીસ દેશોના લોકોએ

પોતપોતાની વસાહતો સ્થાપી હતી પણ એ બધું કામ કોઈ દેશ કરતા કોઈ કંપનીનું વધુ હતું. સોશિયલ મીડિયા સંભાળતી કંપની કે ફ્યુચર ટેકનોલૉજી સાથે કામ પાડતી કંપની. સ્પેસ સંબંધિત પણ ઘણી કંપનીઓ ત્યાં સ્થપાયી. આવી પ્રાઈવેટ કંપનીઓ માલેતુજાર લોકોને મંગળ ઉપર લઇ જતી, વધુ કે ઓછા સમય માટે. પ્રાઈવેટ કંપનીઓમાં પણ સરકારના મળતિયાઓ હતા જ. ટૂંકમાં એન્ડ રિઝલ્ટ શું આવ્યું? જે પરિસ્થિતિનું નિર્માણ માણસોએ

પૃથ્વી ઉપર હજારો વર્ષો પછી કર્યું હતું એવી જ સ્થિતિ મંગળ ગ્રહ ઉપર આકાર પામી, અલબત્ત નાના પયમાના ઉપર.

રોબોનનો ફરીથી સવાલઃ ‘તો શું થયું? મંગળ ઉપર અરાજકતા વ્યાપી?’ વિનસ ઉભી થઇને બોલી, ‘હા ડીઅર.’ રોબોનને ન સમજાયું. એણે ફરીથી પૂછ્યું, ‘કહોને કે શું થયું? કંપનીઓ અને દેશો મંગળ ઉપર હતા તો કોની કોની વચ્ચે શું પ્રોબ્લેમ

પડ્યો? આખરે થયું શું?’ વિનસ પાછળ ફરીને કઈ જવાબ આપે એ પહેલા બીજી બાજુના દરવાજામાંથી ઝેવ પ્રવેશ્યો અને એ બોલ્યો, ‘ત્રીજું વિશ્વયુદ્ધ.’

(ક્રમશઃ)

અભિમન્યુ મોદી

You might also like