ક્રોધ એવો કરો કે માણસને સૂરજના અજવાળાની જેમ જગાડે

એક સંબંધીએ કહ્યું: કોઇ કોઇ વાર અત્યંત ક્રોધ મારા મગજનો કબજો લઇ લે છે ત્યારે મારાથી કેટલુંક એવું બોલાઇ જાય છે કે મન સહેજ શાંત પડતાં જ મારા પસ્તાવાનો કોઇ પાર રહેતો નથી, જેના પર મારો ક્રોધ વાવાઝોડાની જેમ વરસી પડ્યો હોય તે મારા આવા વર્તનથી અવાક્‌ થઇ જાય છે અને રીતસર અબોલા જેવી સ્થિતિ ઊભી થાય છે, પછી તો કોણ કોને બોલાવે-કોણ થીજી ગયેલા સંવાદને ફરી ઓગાળે તેની વિટંબણા બંને પક્ષે જન્મ લે છે. મને એવો પ્રશ્ન થાય છે કે આટલો બધો ઉગ્ર ક્રોધ પેદા થવાનું કારણ શું હશે? એના મૂળમાં કંઇક ઊંડો અસંતોષ હશે કે ઊંડો અણગમો હશે કે પછી કંઇક ઊંડો તિરસ્કાર તેના મૂળમાં હશે? એવું બની શકે કે જેને શબ્દોમાં વ્યક્ત કરી ના શકીએ તેવી કોઇક અપેક્ષા મનમાં હશે.
વાત તો સાચી છે. ક્રોધવશ થઇને કોઇ કોઇ વાર માતા પુત્રને કહે છે કે તારા બદલે મારા પેટ પથરો પાક્યો હોત તો સારું થાત. કોઇ વાર એક પિતા વહાલી પુત્રીના કોઇક વર્તનથી અત્યંત ક્રોધે ભરાઇને કહી દે છે કે તારા જેવી દીકરી મને ભગવાને આપી તે કરતાં હું ખરેખર નિઃસંતાન હોત તો સારું હતું.
આપણે સૌ જાણીએ છીએ કે આ બધી વાણી ગાંડાતૂર બેકાબૂ ક્રોધની ભાષા છે. મન શાંત પડે ત્યારે સમજાય છે કે આપણે આવું જે કાંઇ બોલ્યા તે એક ગાંડાતૂર ઝનૂનનું પરિણામ હતું. આવું કશું જ આપણે માનતા નહોતા અને આવું કશું બોલવાનું કોઇ વજૂદવાળું કારણ પણ નહોતું, એટલા માટે તો જિંદગીના અનેક ઉતાર-ચઢાવ જોઇ ચૂકેલા શાણા માણસો એક શિખામણરૂપે કહે છે કે જેટલું હોઠ બહાર એટલું કોટ બહાર. હોઠની બહાર એક વેણ જાય છે અને તેનાથી અનર્થ સર્જાઇ શકે છે. કોટ-કિલ્લો રક્ષણનું પ્રતીક છે. રક્ષણના એ કિલ્લાની બહાર જે વાક્‌બાણ ગયું તે આપણી સુરક્ષાની લાગણીમાં જ મોટું ગાબડું પાડે છે.
મનની સમતુલા એક માણસ તરીકેની શોભા ક્રોધના એક જ વંટોળમાં ગુમાવી દેવી ના હોય તો મનમાં ઉદ્‌ભવેલી ક્રોધની લાગણીને મનમાં જ શમાવી દેવાનું મનોબળ-આત્મબળ કેળવવું પડે. જેમ આપણે ખોટી બનાવટી નોટ કે ખોટા બનાવટી સિક્કા સ્વીકારવાનો તત્કાળ ઇનકાર કરીએ છીએ એ જ રીતે આપણી જીભ પર આવેલા ક્રોધના વેણનો તરત અસ્વીકાર કરીને વાણીના ચલણની બહાર ફેંકી દેવા જોઇએ. મિજાજમાં કે જબાન પર જે કાંઇ આવે તેને અચાનક પ્રગટેલી આગ ગણીને તે જ ક્ષણે બુઝાવી દેવું પડે.
નિષ્ફળ ગયેલા સંતાનને ક્રોધવશ કે હતાશ પિતા કહી દે કે મને તો ખબર જ હતી કે તું કશું ઉકાળવાનો નથી. એને બદલે એમ પણ કહી શકે કે બેટા, ખેર, નિરાશ ના થઇશ, પણ મને તારા માટે ઘણી બધી આશા હતી અને હજુ પણ છે. શબ્દોનો એક સમૂહ કોઇના પણ ઉત્સાહ-ઉમંગને હણી લે. શબ્દોનો બીજો સમૂહ નિરાશ માણસમાં આત્મવિશ્વાસ અને ઉત્સાહનો ઊભરો લાવી શકે.
માણસના લાંબા ઇતિહાસમાં આપણે જોઇ શકીએ છીએ કે વર્તનની હિંસાના મુકાબલે વાણીની હિંસાએ અનેક માણસોના પ્રાણ લીધા છે કે પછી વાણીની હિંસાથી એ જીવતા રહ્યા છતાં મરી ગયાની લાગણી અનુભવી ચૂક્યા છે.
કોઇ પણ મોટા ઉપરી અધિકારીને, કોઇ પણ કુટુંબના વડાને, કોઇ પણ વડીલને કે ઉંમરમાં મોટી વ્યક્તિને તેની સાથે લોહીથી કે લાગણીથી સંકળાયેલી વ્યક્તિને ‘નાપાસ’નું- ફુલ્લી ફેલનું-પ્રમાણપત્ર હાથમાં પકડાવવાનો અધિકાર નથી જ નથી. જે કશું જ લીલું કરવાનો નથી એવું કહેનારાં મા-બાપનાં ઠોઠ ગણાયેલાં સંતાનોએ આ સંસારમાં ચમત્કારો કર્યા છે. મહાન વિજ્ઞાની ન્યૂટનને તેનાં કુટુંબીજનો ‘ઢ’ ગણતાં હતાં. એવા જ મહાન વિજ્ઞાની આલ્બર્ટ આઇન્સ્ટાઇન ત્રીજા વર્ગમાં પાસ થયા હતા અને બહુ હોશિયાર ગણાતા નહોતા. મહાકવિ મિલ્ટનની આંખોની રોશની ગઇ ત્યારે એવો જ મત પ્રવર્તતો હશે કે બસ, હવે એ કઇ કવિતા કરવાનો હતો! અંધ મિલ્ટને જ ‘પેરેડાઇઝ લોસ્ટ’ અને ‘પેરેડાઇઝ રિગેઇન્ડ’નું મહાકાવ્ય રચેલું છે.
બહારથી ઠોઠ અને લઘરવઘર લાગતા માણસની અંદર પરમાત્માએ કેવો દીવડો મૂક્યો છે તે આપણે જાણતા નથી હોતા. એક ચિંતકે એવું પણ કહ્યું છે કે કોઇ કોઇ વાર ક્રોધ કરો પણ બીજા કોઇને દઝાડે, બાળીને ભસ્મ કરી દે તેવો ક્રોધ ના કરો, ક્રોધ એવો કરો કે માણસને સૂરજના અજવાળાની જેમ જગાડે, શિયાળાની સગડીની જેમ ગરમી આપે, ઉત્સાહ આપે.
– લેખકના પુસ્તકમાંથી

You might also like