તાઇવાનમાં ૬.૪ની તીવ્રતાવાળા ભૂંકપથી ઇમારતો ધ્રૂજી ઊઠી

ઉત્તર પશ્ચિમ તાઇવાનમાં ભૂકંપના જોરદાર આંચકા આવ્યા છે. રિકટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૬.પ માપવામાં આવી છે. આજે સવારે આવેલા ભૂકંપને કારણે ઇમારતો ધ્રૂજી ઊઠી હતી. ભૂકંપનું એપી સેન્ટર ૧૮.૮ કિ.મી.ની ઊંડાઇએ હુુઆલિયેન કાઉન્ટીમાં હોવાનું જણાવાયું છે.

યુનાઇટેડ સ્ટેટ જિયોલોજિકલ સર્વેએ ભૂકંપની તીવ્રતા રિકટર સ્કેલ પર ૬.૪ની હોવાનું જણાવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે તાઇવાનની ભૌગોલિક સ્થિતિ એવી છે કે જ્યાં અવારનવાર ભૂકંપના આંચકા આવતા રહે છે. આજે ભૂકંપની તીવ્રતા ૬.૪ની હોવાથી મોટા ભાગની ઇમારતો ધ્રૂજી ઊઠતાં લોકોમાં ભય અને ફફડાટ વ્યાપી ગયો હતો. ડરના માર્યા લોકો પોતાના ઘરની બહાર નીકળીને રસ્તા પર આવી ગયા હતા.

ભૂકંપથી કોઇ નુકસાન કે ખુવારી થઇ છે કે કેમ? તે તાત્કાલિક જાણવા મળ્યું નથી. આ અગાઉ ૪ એપ્રિલના રોજ પણ તાઇવાનના તાઇતુંગ કાઉન્ટીમાં પ.૭ની તીવ્રતાનો ભૂકંપ આવતાં હજારો લોકો પ્રભાવિત થયા હતા. આ સમગ્ર વિસ્તાર ભૂકંપના આંચકાથી એટલી હદે ધ્રૂજી ઊઠયો હતો કે ટ્રેન યાત્રા કરી રહેલા હજારો યાત્રીઓ પણ પ્રભાવિત થયા હતા.

મીડિયા રિપોર્ટ અનુસાર રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું કે તાઇપેના દ‌િક્ષણ પશ્ચિમમાં ર૩૦ કિ.મી. દૂર પહાડી ક્ષેત્રમાં પ.૭નો ભૂકંપ આવ્યા બાદ તાઇતુંગ અને હુએલિયન કાઉન્ટી વચ્ચે દોડતી ૧ર ટ્રેનને થંભાવી દેવી પડી હતી અથવા તો તેની સ્પીડ ઘટાડી દેવી પડી હતી. ૧૯૭૩ બાદ આ ક્ષેત્રમાં રિકટર સ્કેલના પાંચ કે તેથી વધુ તીવ્રતાવાળા ર૬ ભૂકંપ નોંધાયા છે.

You might also like