મનોરમ્ય સ્વરૂપ, સર્વસ્વતંત્ર અને સર્વનાં અનન્ય કારણરૂપ એટલે ભગવાન વિષ્ણુ

ભગવાન વિષ્ણુ કાળનાં પણ નિયંતા છે. તેઓ ભૂત, વર્તમાન અને ભવિષ્યનાં સર્જક છે. તેમને સર્વસ્વતંત્ર, સર્વવ્યાપક, સર્વજ્ઞ, સર્વનાં સાક્ષી અને સર્વનાં અનન્ય કારણરૂપ માનવામાં આવે છે. તેમ છતાં તેઓ કાર્ય અને કારણથી પર છે અને સત્ત્વ, રજ અને તામસ એ ત્રણ ગુણોથી પણ યુકત નથી.

ભગવાન વિષ્ણુ જગતનાં પાલનહાર દેવતા છે. તેમનું સ્વરૂપ શાંતિમય અને આનંદદાયી છે. રોજ ભગવાન શ્રીહરિનું સ્મરણ કરવાથી જીવનમાં નડતરરૂપ કોઈ પણ સમસ્યા સરળતાથી દૂર થઈ શકે છે. શ્રીહરિનાં મનોરમ્ય સ્વરૂપનું ધ્યાન ધરી અને ‘ઓમ નમો ભગવતે વાસુદેવાય’ મંત્રનો જાપ કરવાથી ચમત્કારી અનુભવ થાય છે. આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય એ તેમની ભ્રુકુટિનો વિલાસ છે.

વિષ્ણુપુરાણ વર્ણવે છે કે આ સમસ્ત જડ-ચેતનાત્મક જગત ભગવાન વિષ્ણુમાંથી પ્રકટ્યું છે અને એમનામાં જ સ્થિતિ કરે છે. એ જગતનાં પાલક તથા વિનાશક છે, આ જગત એમનું જ સ્વરૂપ છે અથવા એ જગતરૂપ છે. શ્રી હરિ પોતે અકર્મા, અજન્મા, અરૂપ, અખંડ અને અક્ષર છે અને તેઓ જન્મ, વૃદ્ધિ, પરિણામ અને નાશ આ વિકારોથી રહિત છે. મનનું સ્વરૂપ મન અને વાણીનો વિષય નથી.

વેદો તેમને ઓળખવા “નેતિ નેતિ” કહે છે અર્થાત્ આ જે કાંઈ દેખાય છે, સંભળાય છે, જાણવામાં આવે છે કે જે પણ જે કાંઈ છે તેનાથી કાંઈક પર બીજું જ છે. આથી તેમને તર્ક અને સિદ્ધિથી જાણવું તથા સમજવું અશક્ય છે. તેથી તેમને નિર્વિકાર, નિરાકાર, નિ:સંગ, નિર્ગુણ અને સક્રિય જણાવાય છે અને તેમ છતાં તેમનો વિગ્રહ (શરીર) સચ્ચિદાનંદ, નિત્ય આનંદનો જણાવ્યો છે.

ચતુર્ભુજ વિષ્ણુ ભગવાનનાં ચાર હાથમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ છે. ચતુર્ભુજ ભગવાને હાથમાં ધારણ કરેલ પ્રતીકો આજે પણ યથાર્થતા ધરાવે છે. ફક્ત તેમનાં દર્શન કરવા જઇએ ત્યારે એ પ્રતીકોમાંથી પ્રગટ થતાં અર્થને ‌નિહાળતા પુનિત દ્રષ્ટિ હોવી જોઇએ. ભગવાન વિષ્ણુને સૃષ્ટિરચનાનો સંકલ્પ થયો કે તેમનાં નાભિકમળમાંથી ચાર મુખવાળા બ્રહ્મા પ્રગટ્યાં.

આ ચતુર્મુખ બ્રહ્માનાં ચાર હાથમાં ચાર વેદ- ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ અને બ્રહ્માનાં ચાર મુખ ચાર દિશાઓ ઉત્તર, ‌દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ તરફ હતાં. ભગવાન વિષ્ણુની આજ્ઞાથી ચતુર્મુખ બ્રહ્માએ પ્રાણીઓને ચાર વર્ગમાં વિભાજિત કર્યા – અંડજ, જરાયુજ, સ્વેદેજ તથા ઉદ્ભિજ. ત્યાર પછી માનવીય સૃષ્ટિની રચના માટે માનસપુત્રો ઉત્પન્ન કર્યા. સનક, સનન્ન્દન, સનત્કુમાર અને સનાતન અને ત્યાર પછી માનવોનાં વિકાસ માટે ચાર વર્ણ અને ચાર આશ્રમની રચના કરી.

બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ ચાર વળી થયાં અને બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ એ ચાર આશ્રમ થયા અને મનુષ્યને કર્મ કરવા ધર્મ, અર્થ, કામ અને મોક્ષના ચાર પુરુષાર્થ પણ પ્રભુએ પ્રદાન કર્યા. આમ, સૃષ્ટિની શરૂઆતથી ‘ચાર’નો આંકડો વિશિષ્ટ બની ગયો છે અને તેથી જ પ્રભુ વિષ્ણુએ ચાર હાથ ધારણ કરી તેમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મનાં ચાર પ્રતીક ધારણ કર્યાં છે.

You might also like