ભાભી! તમારા હાથનું આ છેલ્લું ભોજન!

બાલ ઘનશ્યામની રુચિ એમની જ ઉંમરનાં બાળકો કરતાં વિલક્ષણ હતી. એમને બાલસહજ રમતગમત કરતાંય સાધુ-સંતો સાથે બેસી સત્સંગ કરવો વિશેષ ગમતો. તેઓ રોજ વહેલી સવારે ઊઠતા, સરયૂ નદીએ સ્નાન કરવા જતા, સ્નાન કરી સરયૂના કેડ સમાણાં જળમાં ઊભા રહીને સૂર્યોદય થાય ત્યાં સુધી ગાયત્રીના મંત્રનો જપ કરતા, આહ્નિક વિધિ તેમજ સંધ્યાવંદન કરતા. ત્યાર પછી સરયૂ કિનારેથી સીધા હનુમાનગઢીએ દર્શને જતા. હનુમાનગઢીથી તેઓ ભગવાન શ્રી રામચંદ્રજીએ દર્શન કરતા અને ત્યાંથી કનક ભવન પધારતા. કનક ભવનમાં દર્શન કરી તેઓ રામાયણનું ગાન કરતા અને સંતો સાથે બેસી સત્સંગ કરતા. ક્યારેક ક્યારેક તો બપોર થઇ જાય તો પણ ઘરે જવાનું નામ લેતા નહોતા. આ તેમનો નિત્યક્રમ હતો. એમના અંતરમાં સહજભાવે વૈરાગ્યવૃત્તિ પાંગરી રહી હતી. એમના હૃદયમાં અવારનવાર ઘર છોડી હિમાલય તરફ નીકળી જવાનો તીવ્ર વેગ જાગતો. ઘનશ્યામે નાની ઉંમરે નક્કી કર્યું હતું કે, ‘મારે લગ્ન તો કરવાં જ નથી, ઘરમાં રહેવું નથી, હિમાલયમાં જઇને તપ કરવું છે.’
સાથે સાથે ઘનશ્યામે એ પણ નિર્ધાર કર્યો હતો કે ‘જ્યાં સુધી માતા પિતા હયાત છે ત્યાં સુધી એમની સેવા કરવી અને એ સ્વધામ સિધાવે ત્યાર પછી જ ઘર છોડવું અને હિમાલયની વાટ લેવી.’ ઘનશ્યામનો વૈરાગ્ય વિવેકથી પૂર્ણ હતો. એમનાં અંતરમાં માતા પિતા પ્રત્યેની ભક્તિ અનન્ય હતી. ઘનશ્યામની ઉંંમર ૧૧ વર્ષની થઇ, ત્યારે પ્રથમ ભક્તિમાતા અને પછી પિતા ધર્મદેવ સ્વધામ સિધાવ્યા. ઘનશ્યામને હવે ઘરમાં રોકી શકે એમ હોય તો માત્ર એક સુવાસિની ભાભી હતાં. સુવાસિની ભાભીને ઘનશ્યામ પર અસાધારણ હેત હતું.
ભક્તિમાતાએ શરીર છોડતાં પહેલાં સુવાસિનીને ભલામણ કરી હતી કે, ‘સુવાસિની, હું તો ભગવાનના ધામમાં જાઉં છું, પરંતુ હવેથી તારે મા બનીને આ ઘનશ્યામનું ધ્યાન રાખવાનું છે.’ સુવાસિની ભાભીએ ભક્તિમાતનું એ વેણ બરાબાર પાળ્યું હતું અને એમણે પોતાના પતિ રામપ્રતાપભાઇ કરતાં પણ અદકેરા હેતથી ઘનશ્યામને સાચવ્યા હતા.
જૂનો જમાનો હતો. નાની ઉંમરે સગપણ અને લગ્ન એ કાંઇ નવાઇની વાત નહોતી. મોટા ભાઇ રામપ્રતાપજીએ વૈરાગી સ્વભાવના ઘનશ્યામની સગાઇ કરવાનું નક્કી કરી નાખ્યું હતું, પણ કમળના વેલાથી હાથીને બાંધી શકાય નહીં, એ જ રીતે ઘનશ્યામને સંસારનાં બંધનોથી બાંધી શકાય એમ હતા નહીં. ઘનશ્યામ અનંત જીવોના કલ્યાણ માટે પ્રગટ્યા હતા. એમને ઘર સંસારના બંધન પાલવે એમ ન હતાં. તેઓ સગાઇ થાય એ પહેલાં જ ઘર છોડી હિમાલયની વાટ લેવા માગતા હતા. એટલે હવે એમણે સર્વ પ્રકારનાં સ્નેહબંધનોને કાપી નાખવાનો અડગ નિરધાર કર્યો. ઘર છોડવાની આગલી સાંજે સુવાસિની ભાભી ઘનશ્યામને ભારે સ્નેહથી જમાડી રહ્યાં હતાં ત્યારે ઘનશ્યામે મર્મભરી વાણીમાં કહ્યું, “ભાભી તમારા હાથનું આ છેલ્લું ભોજન છે.” સુવાસિની ભાભીએ હાસ્ય વિનોદ કરતાં કહ્યું, “હજુ તો સગાઇ થઇ નથી, પરણીને વહુ ઘરે આવી નથી, વહુ ઘરે આવે ત્યાં સુધી તો તમારે મારે હાથે જ જમવાનું છે. તો છેલ્લું ભોજન શાથી?” ઘનશ્યામે મુખ ઊંચું કર્યા સિવાય ઉત્તર દીધો, “ભાભી, તમારી વાત તમને અત્યારે નહીં સમજાય.” ઘનશ્યામની વાત સાંભળી ભાભીના હૈયામાં ન કળી શકાય એવો ધ્રાસકો અવશ્ય પડ્યો હતો, પરંતુ ખરેખર ઘનશ્યામની વાતના મર્મને ભાભી સમજી શક્યાં નહોતાં અને જ્યારે એ વાતનો મર્મ સમજાયો ત્યારે તો જેમ પીંજરામાંથી મુક્ત બનેલું પંખી નીલ ગગનમાં ઊડી જાય એમ ઘનશ્યામ ઘર છોડી હિમાલયના જંગલો ભણી દૂર દૂર નીકળી ગયા હતા.

 શાસ્ત્રી માધવપ્રિયદાસ સ્વામી, SGVP ગુરુકુળ, છારોડી

You might also like