રૂપિયાની લેતી દેતીમાં યુવાનનું અપહરણ કરી કલાકો સુધી ગોંધી રાખ્યાે

અમદાવાદ: ખેડા જિલ્લામાં રહેતા દીક્ષિત પટેલનું રૂપિયાની લેતી-દેતી મામલે મનીષ પટેલ અને તેના સાગરીતોએ અપહરણ કરીને લાકડી અને પટ્ટાથી માર મારતાં ચકચાર મચી ગઇ છે. સસ્તું સોનું ખરીદવાની લાલચથી મનીષ પટેલે ૧૪.૭૦ લાખ રૂપિયા તલોદના બે ગ‌ઠિયાઓને આપી દીધા હતા.

બે ગ‌ઠિયાઓ સાથે મનીષનો સંપર્ક દીક્ષિતે કરાવ્યો હોવાથી તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. એક દિવસ સુધી દીક્ષિતને ગોંધી રાખ્યા બાદ મોડી રાતે ગાંધીનગર તેમજ રાંધેજા કારમાં લઇ જઇને અપહરણકર્તાઓએ તેને લાકડી અને પટ્ટાથી માર્યો હતો.

ખેડા જિલ્લાના કેવડીયા ગામમાં રહેતા અને અમદાવાદની એક કંપનીમાં રિકવરી બોય તરીકે કામ કરતા દીક્ષિત પટેલે નરોડા પોલીસ સ્ટેશનમાં બે યુવકો વિરુદ્ધમાં અપહરણ કરીને માર મારવાની ફરિયાદ કરી છે. નરોડા વિસ્તારમાં રહેતો રોહન પટેલ ત્રણ મહિના પહેલા દીક્ષિતને મળ્યો હતો અને કહ્યું હતું કે તલોદમાં રહેતા જનક પટેલ અને વસંત પટેલ સસ્તું સોનું આપે છે. સસ્તું સોનું ખરીદવા માટે દીક્ષિતે જનક અને વસંત પટેલનો સંપર્ક કર્યો હતો.

ત્રણેય જણાએ ગાંધીનગરમાં ‌િમ‌િટંગ કરી હતી, જેમાં જનકે દીક્ષિતને કોઇ ગ્રાહક હોય તો ક‌િમશન પણ મળશે તેવી વાત કરી હતી. ક‌િમશનની લાલચમાં આવીને દીક્ષિતે ઉમંગ શાહ અને મનીષ પટેલને સસ્તું સોનું મળશે તેવી વાત કરી હતી.
મનીષે જનક અને વસંત પાસેથી એકાદ-બે વાર સસ્તા સોનાની ખરીદી કરી હતી.

ત્યારબાદ બે મહિના પહેલા મનીષે સોનું ખરીદવા માટે વસંત અને જનકને ૧૪.૭૦ લાખ રૂપિયા રોક્ડા આપ્યા હતા. બન્ને જણાએ સોનું નહી આપતાં મનીષે તે રૂપિયા પરત માગ્યા હતા. મનીષને રૂપિયા નહીં મળતા તે દીક્ષિતના ઘરે પહોંચી ગયો હતો જ્યાં તે પણ જનક અને વસંતના સંપર્કમાં નહીં હોવાનું જણાવ્યું હતું. તારીખ ર૭ના રોજ દીક્ષિત નરોડા આવ્યો હતો ત્યારે મનીષ અને જિગર ભાવસાર નામનો યુવક બાઇક લઇને તેની પાસે આવ્યા હતા.

તું મને પૈસા પાછા અપાવી દે તેમ કહીને મનીષે દીક્ષિતને ત્રણ-ચાર લાફા મારી દીધા હતા અને બળજબરીપૂર્વક બાઇક પર બેસાડી દીધો હતો. મનીષ દીક્ષિતને ઠક્કરનગર ખાતે આવેલી એક ઓફિસમાં લઇ ગયો હતો જ્યાં તેને લાકડી અને પટ્ટા વડે માર માર્યો હતો.

રાતે બે વાગ્યાની આસપાસ દીક્ષિતને એક કારમાં બેસાડીને મનીષ અને જિગર ગાંધીનગર લઇ ગયા હતા જ્યાં કારમાં વધુ એક યુવક પણ બેઠો હતો.દીક્ષિતને ગાંધીનગરથી રાંધેજા લઇ ગયા હતા જ્યાં તેને લાકડી અને પટ્ટાથી માર્યો હતો. રાંધેજા પણ અન્ય એક યુવક આવ્યો હતો.

ચારેય જણાએ ભેગા મળીને દીક્ષિત પાસે એક કોરા કાગળ પર સહી કરાવી હતી. બીજા દિવસે એટલે કે ર૮મીના રોજ સાંજે આઠ વાગે ચારેય જણાએ દીક્ષિતને નરોડા પા‌ટિયા ખાતે ઉતારીને જતા રહ્યા હતા અને પોલીસ ફરિયાદ કરીશ તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. દીક્ષિતે આ મામલે નરોડા પોલીસ સ્ટેશનમાં મનીષ પટેલ, જિગર ભાવસાર સહિત ચાર લોકો વિરુદ્ધમાં ફરિયાદ કરી છે, જેમાં પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

You might also like