કર્ણાટક સરકાર બે દિવસમાં ઊથલી જશેઃ ભાજપના એક પ્રધાનનો દાવો

બેંગલુરુ, બુધવાર
કર્ણાટકની કોંગ્રેસ-જદ (એસ) ગઠબંધન સરકારથી બે અપક્ષ ધારાસભ્યએ ટેકો પાછો ખેંચી લીધા બાદ મહારાષ્ટ્રમાંથી ભાજપના એક પ્રધાને એવો દાવો કર્યો છે કે કર્ણાટકની કુમાર સ્વામી સરકાર બે દિવસમાં ઊથલી જશે. જળ સંરક્ષણ, પ્રોટોકોલ અને ઓબીસી પ્રધાન રામશિંદેએ આ ટિપ્પણી કર્ણાટકમાં જારી રાજકીય ઊથલપાથલ વચ્ચે કરી છે.

દરમિયાન રાજકીય સૂત્રોએ એવો દાવો કર્યો છે કે કર્ણાટકમાં કુમાર સ્વામીની સરકાર ખતરામાં છે અને કોંગ્રેસ-જેડી(એસ)ના ૧૩ ધારાસભ્ય ભાજપના સંપર્કમાં છે. ભાજપના તમામ ૧૦૪ ધારાસભ્ય રાષ્ટ્રીય પાટનગર નવી દિલ્હી નજીક હરિયાણાના નુહ જિલ્લાના એક રિસોર્ટમાં રોકાયા છે. કોંગ્રેસ-જેડીસીએ ભાજપ પર ધારાસભ્યોની ખરીદી કરવાનો આક્ષેપ કર્યો છે.

દરમિયાન એવા પણ સમાચાર મળી રહ્યા છે કે કોંગ્રેસના ચારથી પાંચ ધારાસભ્ય મુંબઈમાં છે. જે બે અપક્ષ ધારાસભ્યએ કુમાર સ્વામી સરકારથી છેડો ફાડી નાખ્યો છે તેમાં મુલાબાગીલુ બેઠક પરથી ચૂંટાયેલ અપક્ષ ધારાસભ્ય નાગેશ અને રેનેબેનુર વિધાનસભા બેઠક પરથી ચૂંટાયેલા કેપીજેપીના ધારાસભ્ય શંકરનો સમાવેશ થાય છે.

સામે પક્ષે કર્ણાટકના મુખ્ય પ્રધાન એચ.ડી. કુમાર સ્વામીએ એવો દાવો કર્યો છે કે બે ધારાસભ્યોએ સમર્થન પાછું ખેંચવા જતાં મારી સરકાર સ્થિર છે. એ જ રીતે કોંગ્રેસના નેતા અને નાયબ મુખ્યપ્રધાન જી. પરમેશ્વરે જણાવ્યું છે કે બે અપક્ષ ધારાસભ્યએ સરકારને ટેકો પાછો ખેંચી લીધો છે. ભાજપ અમારા ધારાસભ્યોને રૂપિયા અને તાકાતથી ખરીદવા માગે છે અને સરકાર ઊથલાવવાનો તેમનો ઈરાદો છે, પરંતુ તેમાં તેઓ સફળ જશે નહીં, કર્ણાટકની સરકાર સ્થિર છે. સરકારને હજુ પણ ૧૧૮ ધારાસભ્યનું સમર્થન છે.

કર્ણાટકના કેટલાક કોંગ્રેસી ધારાસભ્યોને મુંબઈમાં એક આલિશાન હોટલમાં રાખવામાં આવ્યા છે. આ હોટલમાં મીડિયા કર્મીઓએ પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ આ ફાઈવ સ્ટાર હોટલની સુરક્ષા વધારી દીધી છે. આ હોટલમાં બે અપક્ષ અને ચાર ધારાસભ્ય હોવાનું જણાવાય છે.

You might also like