સ્વિસ બેન્કોમાં જમા નાણાંનો મુદ્દો હવે રાજકીય રીતે વધુ ઘેરો બનશે

સ્વિસ બેન્કોમાં ભારતીયોનાં જમા જંગી નાણાંના મામલે સમગ્ર દેશમાં ચર્ચા જામી છે ત્યારે કાર્યકારી કેન્દ્રીય નાણાપ્રધાન પીયૂષ ગોયલે આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું હતું કે આ તમામ કાળું નાણું છે તે કેવી રીતે માની શકાય? જોકે તેમણે એવો ભરોસો અપાવ્યો હતો કે ખોટું કરનાર સામે આકરાં પગલાં લેવામાં આવશે.

ગોયેલે કહ્યું હતું કે ભારત દ્વિપક્ષીય સંધિ હેઠળ સ્વિટ્ઝર્લેન્ડ પાસેથી બેન્ક ખાતાંઓની વિગતો મેળવવાનું શરૂ કરી દેશે. ઉલ્લેખનીય છે કે ૨૦૧૭માં સ્વિસ બેન્કોમાં જમા ભારતીયોનાં નાણાંમાં ૫૦ ટકાથી વધુ રૂપિયા ૭,૦૦૦ કરોડનો વધારો થયો હતો.

નોટબંધી લાદીને વિદેશમાંથી કાળું નાણું લાવવા અંગેના દાવા વચ્ચે સ્વિટ્ઝર્લેન્ડથી જારી થયેલા આ અહેવાલના કારણે કેન્દ્રની મોદી સરકાર ઘેરાઈ ગઈ હોય તેમ લાગે છે અને હવે વિપક્ષોને ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી પહેલાં મોદી સરકારને ઘેરવાનો સારો મુદ્દો મળી ગયો હોય તેમ કોંગ્રેસે આ મામલે સરકાર સામે આક્ષેપબાજી શરૂ કરી છે અને આ મુદો કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષો માટે સંજીવની સમાન બની રહેશે? તેવા સવાલો થઈ રહ્યા છે.

બીજી તરફ સ્વિસ બેન્કના ડેટા અંગે શરૂ થયેલા ઊહાપોહ વિશે કેન્દ્રીય પ્રધાન અરુણ જેટલીએ સ્વિસ બેન્કોમાં ભારતીયોનાં નાણાં વધવાના આક્ષેપો અંગે જણાવ્યું કે કાળાં નાણાં અંગે અધૂરી જાણકારી સાથે વાતો થઈ રહી છે. તેમણે કહ્યું હતું કે સ્વિટ્ઝર્લેન્ડ હંમેશાં નાણાકીય ખુલાસાના મામલે એક અનિચ્છુક દેશ રહ્યો છે, પરંતુ પછી અનેક આંતરરાષ્ટ્રીય દબાણોને તે વશ થયું છે, જેમાં નાણાકીય ખુલાસાની તરફેણ કરવામાં આવી હતી.

જેટલીએ કહ્યું હતું કે સ્વિટ્ઝર્લેન્ડે પોતાના કાયદામાં તમામ ખુલાસા સામેલ કર્યા છે અને ભારત સાથે સંધિ કરેલી છે, જેમાં યોગ્ય સમયે તેની જાણકારી આપવામાં આવશે. ગોયલે જણાવ્યું હતું કે ભારત અને સ્વિટ્ઝર્લેન્ડ વચ્ચે એક સંધિ છે, જેના હેઠળ સ્વિસ સરકાર ૧ જાન્યુઆરી, ૨૦૧૮થી ૩૧ ડિસેમ્બર, ૨૦૧૮ સુધીના તમામ ડેટા પૂરા પાડશે. ભારતને વર્ષના અંતે આંકડા મળી જશે.

ભારતીયો દ્વારા સ્વિસ બેન્કોમાં જમા રકમમાં વધારાનો ઉલ્લેખ કરતાં તેમણે ઉમેર્યું કે જે ડેટાનો ઉલ્લેખ થાય છે તે અમારી પાસે આવી જશે, આથી તમે કેવી રીતે માની લો છો કે આ કાળું નાણું છે અથવા ગેરકાયદે વ્યવહાર છે? આમાંની આશરે ૪૦ ટકા રકમ લિબરાઇઝ્ડ રેમિટેન્સ સ્કીમ (એલઆરએસ)ના કારણે છે તેમ તેમણે મીડિયાના રિપોર્ટ્સને ટાંકીને કહ્યું હતું.

સ્વિસ નેશનલ બેન્કે બહાર પાડેલા અહેવાલથી મોદી સરકાર પર માછલાં ધોવાય એ સ્વાભાવિક છે ત્યારે કાર્યકારી નાણાપ્રધાન પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે એ કાળાં નાણાં છે, એ કહેવું ઘણું વહેલું ગણાય! સ્વિસ બેન્ક સાથે થયેલી સમજૂતીના કારણે, માર્ચ-ર૦૧૯એ પૂરા થતા નાણાકીય વર્ષ પછી એ ખાતાની વિગતો સ્વિસ બેન્ક આપશે અને જો તેમાં કોઈ દોષી જણાશે તો તેમને છોડવામાં નહીં આવે.

તેમની આ ભાષા રાજકીય ગણાય. ર૦૧૪માં સત્તા પર આવ્યા પહેલાં ભાજપનો જ એવો પ્રચાર હતો કે સ્વિસ બૅન્કમાં પડેલું કાળું નાણું દેશમાં પાછું લાવવામાં આવશે. મતલબ ભાજપ માને જ છે કે સ્વિસ બૅન્કમાં કાળાં નાણાં સિવાય કંઈ જ જમા ન થાય!

ર૦૧૪ની ચૂંટણી વખતે ભાજપ પાસે પૂરો આંકડો હતો, જેમાંથી ૧૫ લાખ રૂપિયા તો દરેક ભારતીયના ખાતામાં જમા કરવાની વાત હતી. નૉટબંધી પાછળનો શું હેતુ હતો? એ જ કાળાં નાણાં નાથવા અને એ ધરાવનારા લોકોને ખુલ્લા પાડવા! દરેક રાજકીય નેતા, દરેક નાના-મોટા ઉદ્યોગપતિ પાસે કાળું ધન હતું જ, એનું શું થયું? અને એમનું શું થયું? સ્વિસ નેશનલ બૅન્કે જે વાર્ષિક વિગતો બહાર પાડી છે તેના કારણે આશ્ચર્ય થાય છે.

You might also like