અમિતજીના બંગલે આમંત્રણ મળ્યું તે નહીં ભુલાયઃ ઉષા

મુંબઇઃ રામગોપાલ વર્મા એક હોનહાર ફિલ્મ નિર્દેશક છે. ટૂંક સમયમાં તેમની ‘વીરપ્પન’ ફિલ્મ પ્રદર્શિત થવાની છે, તેમાં ખૂંખાર સ્મગલર વીરપ્પનની પત્ની (મુત્થુ લક્ષ્મી)નું પાત્ર ઉષા જાધવે ભજવ્યું છે. અમિતાભ બચ્ચન અભિનીત ‘ભૂતનાથ’માં ઉષા જાધવે મહત્ત્વનું પાત્ર ભજવ્યું હતું. ફિલ્મ ‘ધગ’ માટે ઉષાને નેશનલ એવોર્ડ મળ્યો છે. મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લામાંથી નોન ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી આવેલી ઉષાની ફિલ્મી કરિયર સરળ નહોતી.
ઉષા કહે છે, ”હું કોલ્હાપુરના એક નાનકડા ગામડામાંથી આવું છું. મારા પિતા ખેડૂત છે. ઘરમાં મારાં ભાઈ-બહેન અને માતા ખુશીથી રહે છે. પરિવારની હાલત ઠીક નહોતી, છતાં પિતાએ અમને ભણાવ્યાં-ગણાવ્યાં. સ્કૂલના દિવસોથી મને નાટક પ્રત્યે લગાવ થયો. મેં ખૂબ મહેનત કરીને પિતાને મનાવ્યા અને અભિનયની તક માટે પુણે અને ત્યાંથી મુંબઈ આવી ગઈ. અહીં મેં રાત-દિવસ એક કર્યાં અને ફિલ્મ ‘ધગ’ માટે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો. ત્યાર બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મારું નામ જાણીતું થયું.”
પોતાની જિંદગીનો યાદગાર પ્રસંગ જણાવતાં ઉષા કહે છે, ”જે અમિતજીના દુનિયાભરમાં કરોડો ફેન છે તેમના ઘરે મને દિવાળીની પાર્ટીનું આમંત્રણ મળ્યું હતું. હું ‘જલસા’ બંગલામાં આવી. અગાઉ મેં મુંબઈ દર્શનમાં તે બંગલો માત્ર બહારથી જોયો હતો.”

You might also like