મોબાઇલ એપ પર એક ક્લિકમાં જ વીમા ક્લેમનું સેટલમેન્ટ થશે

નવી દિલ્હી: હવે કલેેઇમ માટે વીમા એજન્સીઓના ચક્કર કાપવામાંથી રાહત મળશે. લોકો ઘરે બેઠા કે ઘટનાસ્થળથી મોબાઇલ એપ દ્વારા દાવા માટે કલેઇમ કરી શકશે. જનરલ ઇન્સ્યોરન્સમાં આ સુવિધાનો લાભ લોકોને મળી શકે તે માટે ખૂબ જ જલદી વીમા કંપનીઓ દ્વારા મોબાઇલ એપ લોન્ચ કરાશે.

એવું માનવામાં આવી રહ્યું છે કે યુરોપીય દેશો બાદ હવેે ભારતમાં શરૂ થનાર આ સુવિધાનો લાભ લાખો લોકોને મળી શકશે. ઇરડાના નિર્દેશક સુરેશ માથુર અને યુનાઇટેડ ઇન્ડિયા ઇન્શ્યોરન્સના જનરલ મેનેજર ડો.જે.એસ.દહિયાના જણાવ્યા મુજબ વીમા ક્ષેત્રમાં ડિજિટલ ક્રાંતિની શરૂઆત થઇ ચૂકી છે. આ ક્રમમાં હવે મોબાઇલ એપ દ્વારા પોલિસી ધારકને કલેઇમ માટે વીમાની ઓફિસના ચક્કર નહીં લગાવવા પડે.

ઘટનાસ્થળથી જ ફોટો મોકલીને નિયમ મુજબ દાવો પ્રાપ્ત થઇ જશે. આ માટે દુર્ઘટનાસ્થળેથી ક્ષતિગ્રસ્ત વાહનનો ફોટો મોબાઇલ એપ દ્વારા વીમા કંપનીને મોકલવાનો રહેશે. ગુગલ મેપથી પોલિસી હોલ્ડરનું લોકેશન જાતે જ વીમા કંપનીને એપ દ્વારા મળી જશે. વીમા કંપની દ્વારા જેમ બને તેમ ઓછા સમયમાં કલેઇમ સેટલમેન્ટનો પ્રયાસ કરાશે. વીમા એજન્સીઓ દ્વારા આ સુવિધા હજુ નાના કલેઇમ પર જ લાગુ કરાશે. ઇ-વીમા ક્ષેત્રમાં ઇન્શ્યોરન્સ કંપનીઓ દ્વારા જુલાઇ-ઓગસ્ટ સુધીમાં આ સુવિધા શરૂ કરી દેવાશે.

You might also like