…તો ઇજાગ્રસ્ત પેસેન્જર મુંબઇના બદલે કોલકતા પહોંચી ગયો હોત

(અમદાવાદ બ્યૂશ્રરો) અમદાવાદ: વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-ર૦૧૯ની ઇવેન્ટમાં હાજરી આપવા આવેલા મુંબઇના પ્રવાસીને પાછા ફરતી વખતે અન્ય ફલાઇટમાં બેસાડી દેવાતાં ફલાઇટ સ્ટાફની ગંભીર ભૂલ સામે આવી હતી. એક જ સીટ ઉપર બે પ્રવાસીએ દાવો કરતાં જાણવા મળ્યું હતું કે મુંબઇના પ્રવાસીને ફલાઇટ સ્ટાફે કોલકાતાની ફલાઇટમાં બેસાડી દીધા હતા.

જો અન્ય પ્રવાસી પોતાની સીટ પર ન આવ્યા હોત તો પ્રવાસી મુંબઇ જવાના બદલે કોલકાતા પહોંચી ગયા હોત. મુંબઇથી અમદાવાદ વાઇબ્રન્ટ ઇવેન્ટ કવર કરવા માટે ત્રણ દિવસ માટે આવેલા ભરત દવેને હવાઇ મુસાફરીનો કડવો અનુભવ થયો હતો. તેઓ વારંવાર હવાઇ મુસાફરી કરતા હોઇને ફલાઇટ કંપનીના પ્લેટિનમ કસ્ટમર છે.

મુંબઇથી અમદાવાદ આવ્યા બાદ તેમના ત્રણ દિવસના ગુજરાતનાં રોકાણ દરમિયાન તેમને પગમાં ભારે દુઃખાવો શરૂ થયો હતો. ર૦ જાન્યુઆરીએ સાંજે ૬-૦૦ કલાકે તેમણે અમદાવાદથી મુંબઇની ફલાઇટ ટિકિટ ઇન્ડિગોની બુક કરી હતી. તેમની પગની ઇજાગ્રસ્ત પરિસ્થિતિને કારણે તેમને ફલાઇટ સુધી જવા માટે વ્હીલચેર લેવાની ફરજ પડી હતી. તેમને બોર્ડિંગ પાસ ઇશ્યૂ થયા બાદ ત્રણથી વધુ વખત તપાસ કરવામાં આવી હતી.

વ્હીલચેર સ્ટાફ તેમને ગેટ નં.૬ સુધી લઇ ગયા બાદ બીજી વ્યકિત તેમને ફલાઇટ સુધી લઇ ગઇ હતી અને તેમને બોર્ડિંગ પાસ પર લખેલી સીટ ર-ડી પર બેસાડયા હતા. ફલાઇટ ભરાઇ જતાં અન્ય એક પ્રવાસીએ ર-ડી સીટ પર પોતાનો દાવો રજૂ કર્યો ત્યારે એક જ સીટ પર બે પ્રવાસીઓ દાવો રજૂ કરતા એર હોસ્ટેલ અને અન્ય ક્રૂ મેમ્બરની મદદ લેવામાં આવી હતી.

ત્યાર બાદ ભરત દવેને ખબર પડી કે જે ફલાઇટમાં વ્હીલચેર દ્વારા તેમને બેેસાડવામાં આવ્યા હતા તે ફલાઇટ મુંબઇની નહીં, પરંતુ કોલકાતાની હતી. જો અન્ય પેસેન્જરે ર-ડી સીટ પર પોતાનો કલેઇમ ના કર્યો હોત તો તેઓ ફલાઇટ સ્ટાફની ભૂલના કારણે મુંબઇના બદલે કોલકાતા પહોંચી ગયા હોત.

એર હોસ્ટેસ અને અન્ય ક્રૂ મેમ્બરે માફી માગ્યા બાદ તાત્કાલિક તેઓને મુંબઇની ફલાઇટમાં શિફટ કરાયા હતા, પરંતુ આ સમગ્ર પ્રક્રિયા પૂરી થવામાં સમય લાગતાં સ્ટાફની ભૂલના કારણે બંને ફલાઇટ મોડી ઉપડી હતી. ભરત દવેએ તેમને ફલાઇટનો થયેેલો કડવો અનુભવ ટ્વિટર પર શેર કર્યો છે. તેમને ખોટી ફલાઇટમાં બેસાડવાના પગલે રવિવારે ર૦ જાન્યુઆરની ફલાઇટ મોડી પડી હતી, એટલું જ નહીં મુંબઇ અને અમદાવાદ બંને ફલાઇટના પ્રવાસીઓ દોઢ કલાક મોડા પડયા હતા. આમ સ્ટાફે કરેલી એક ભૂલ પ૦૦ જેટલા પ્રવાસીઓને મોંઘી પડી હતી.

You might also like